બક્ષીપંચમા સમાવેશ કરવા ધોબી મુસ્લિમ સમાજે સરકારને કરી રજુઆત

dhobi-obc

ભૂતકાળમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના લાભો મેળવવા માટે રજૂઆત કરી હતી

અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા મુસ્લિમ ધોબી જ્ઞાતિનો બક્ષીપંચની યાદીમાં સમાવેશ કરી જરૂરી લાભ મંળવા માટે સરકારશ્રી સમક્ષ શુક્રવારના દિવસે એક પ્રતિનિધિ મંડળે ડો. જીવરાજ મહેતા ભવન ખાતે તેમજ સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા. જે મુસ્લિમ ધોબી સમાજને બક્ષીપંચમાં સમાવેશ કરવા માટે સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના ડાયરેક્ટર વિક્રમસિંહ જાદવ તેમજ એડીશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમર સહાયક નિયામક ખરાદી સાહેબને મુલાકાત કરી હતી.

ધોબી સમાજના રજૂઆત કરવા ગયેલા મંડળના આગેવાન સરફરાઝ કાલુભાઈ શેખે જણાવે છે કે ૧૯૯૮માં ગુજરાત રાજ્યના વિકસતિ જાતિ, કલ્યાણ ખાતું દ્વારા લખાયેલ પત્રમાં જણાવ્યુ હતું કે મુસ્લિમ ધોબી જાતિના સમાજના લોકોને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના લાભો આપવા તમામ જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

2011 ના પરીપત્રમાં અમદાવાદ જિલ્લાના નાયબ નિયામક દ્વારા લેખિતમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરીને જણાવેલ છે કે મુસ્લિમ ધોબી જાતિને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું પ્રમાણપત્ર મળવાપાત્ર નથી.

આ બાબતે ભૂતકાળમાં પણ વારંમવાર ધોબી સમાજે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના લાભો મેળવવા બાબતે રજૂઆત કરેલ છે. તેમ છતાં આજ દિન સુધી સરકારશ્રી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જો હિન્દુ ધોબીને લાભ આપવામાં આવે છે તો પછી મુસ્લિમ ધોબીને કેમ નહીં? ફક્ત ધર્મના આધારે વર્ગીકરણ કરવું હિતાવહ નથી.

અધિકારીશ્રીઓએ જણાવ્યું હતું કે તમારી વાત બિલકુલ વાજબી છે અને સરકારશ્રીના ૧૯૭૮ ના બહાર પાડવામાં આવેલ બક્ષીપંચની યાદીમાં ધોબી સમાજનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે. ફક્ત ધર્મ કે જાતિના આધારે વર્ગીકરણ કરી એકને લાભ આપવો અને બીજાને ન આપવો તે બિલકુલ યોગ્ય નથી. સરકારશ્રીએ તમામ પછાત જાતિઓનો અભિપ્રાય લેવા માટે સને ૧૯૭૮ અગાઉના બે-ચાર વર્ષ પહેલા રાજયની અન્ય પછાત જાતિઓના આગેવાનોને રૂબરૂ મળવા બોલાવ્યા હતા પરંતુ જે તે સમયે તમારા સમાજના પ્રતિનિધિ એ સમયે બનવા જોગ હાજર રહ્યા નહીં હોય અથવા સંતોષજનક રજૂઆત કરવામાં સમર્થતા દાખવી શકયા નહી હોય.

અમો ચોક્કસપણે ઉપરના લેવલે સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરીશું અને કેવી રીતે આ બાબતે ત્વરિત નિરાકરણ લાવી શકાય એમ છે તે અંગે બનતા તમામ પ્રયત્નો કરીશું અને તમામ ધોબી સમાજને ન્યાય મળે તે માટે અમો તમને પણ કો-ઓપરેટ કરીશું.

રજૂઆત કરવા ગયેલા સમાજના આગેવાનો એડવોકેટ ચૌહાણ સાહેબ, સરફરાઝભાઈ શેખ, આરીફભાઈ વિક્ટોરિયા વાલા, ફજલભાઈ ચંપલવાલા અને મોઈનભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહી સરકારશ્રી સમક્ષ સમાજ વતી પોતાની વાત મૂકી હતી.