આજથી શરૂ થયેલ ‘ભારત ડ્રોન શક્તિ-2023’ કાર્યક્રમમાં C-295 વિમાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્વસ્તિક બનાવીને વાયુસેનાને સોંપ્યું
ભારતીય વાયુસેનાના કાફલામાં વધુ એક અત્યાધુનિક વિમાનનો સમાવેશ થયો
ભારતીય વાયુસેનાના કાફલામાં વધુ એક અત્યાધુનિક વિમાનનો સમાવેશ થયો છે. આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સી-295 વિમાન પર સ્વસ્તિક બનાવી સેનાને ચાવી સોંપી છે. દરમિયાન આજથી ગાજિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પર આજથી બે દિવસીય “ભારત ડ્રોન શક્તિ-2023” કાર્યક્રમ શરૂ થયો છે. ભારતીય વાયુસેના અને ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમમાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વાયુસેનાના પ્રમુખ વી.આર.ચૌધરી સામેલ થયા હતા.
મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ દરમિયાન 50થી વધુ ડ્રોનનું લાઈવ હવાઈ પ્રદર્શન યોજાઈ રહ્યું છે ત્યારે આજના દિવસે સંરક્ષણ મંત્રીએ C-295 ટેકનિકલ મિલિટ્રી એરલિફ્ટ પ્લેન સત્તાવાર રીતે ભારતીય વાયુસેનાને સોંપ્યું હતું. રાજનાથ સિંહે સી-295 વિમાન પર સ્વસ્તિક દોરી સેનાને સોંપ્યું હતું. થોડા દિવસો પહેલા જ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપનીએ ભારતને સી-295 વિમાન સોંપ્યું હતું. આવા કુલ 56 વિમાનો વાયુસેનામાં સામેલ કરવામાં આવશે, જેમાંથી 40 વિમાનો મેક ઈન ઈન્ડિયાના આધારે ભારતમાં તૈયાર કરાશે. આ વિમાનોને ટાટા અને એરબસ સંયુક્તરીતે બનાવશે.
C-295 એક વ્યૂહાત્મક પરિવહન વિમાન છે. આ વિમાનને સેનાના કર્મચારીઓ અને કાર્ગોના આવન-જાવન માટે બનાવાયું છે. આ વિમાનમાં તમામ પ્રકારના એર લેન્ડિંગ તાકાત ધરાવે છે. એટલું જ નહીં વિમાનમાં ઓટો રિવર્સની પણ ક્ષમતા છે, જે 180 ડિગ્રી સુધી ફરી શકે છે. આમ વાયુસેનામાં સી-295 વિમાન સામેલ થયા બાદ સેનાનો સામાન લાવા અને લઈ જવા માટે સરળતા રહેશે.
આ વિમાનની ખાસિયતની વાત કરવામાં આવે તો આ વિમાનમાં પ્રતિ કલાક 480 કિમીની સ્પીડે 11 કલાક સુધી ઉડવાની ક્ષમતા છે, દુર્ઘટનામાં પીડિતો અને બિમાર લોકોને નિકાળવા માટે પણ વિમાન ખુબ જ ઉપયોગી છે. C-295 સૈનિકો અને સામાનને ઝડપી પહોંચાડવા માટે રિયર રેંપ ડોરથી લેસ વિમાન છે તેમજ મહત્વના અભિયાન ઉપરાંત કુદરતી આફતો, દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં પણ સક્ષમ છે. વિમાન સૈનિકોને પેરાશુટ દ્વારા ઉતારવામાં અને સામાન નીચે નાખવામાં પણ ઘણું ઉપયોગી છે. તો ટેકનિકલ મિલિટ્રી એરલિફ્ટ પ્લેનમાં 5થી 10 ટન ક્ષમતા ઉઠાવવાની તાકાત પણ છે.