ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને સ્ટારકાસ્ટ સાથે ફિલ્મ The Vaccine War ના પ્રમોશન માટેના કાર્યક્રમમાં નુપુર શર્મા ઉપસ્થિત રહી, આ દરમિયાન તેમણે ભારત માતાની જય ના નારા લાગાવ્યા
પૈગમ્બર સાહેબ પર વિવાદીદ ટીપણી બાદ બાદથી અંડરગ્રાઉન્ડ થયેલા ભાજપના (BJP) પૂર્વ નેતા નુપુર શર્મા પહેલીવાર કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળી હતી. તે ફિલ્મ The Vaccine War ના પ્રમોશન માટે આયોજીત એક કાર્યક્રમમાં સામેલ થઈ. આ દરમિયાન તેમણે ભારત માતાની જય ના નારા લાગાવ્યા. નૂપુર શર્મા એક વર્ષથી પણ વધારે સમયથી જાહેર જીવનથી દૂર રહી અને ગત વર્ષે જુનમાં તેણે સોશિયલ મીડિયામાંથી પણ સંન્યાસ લઈ લીધો હતો.
નુપુર શર્માએ શુ કહ્યું.?
વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ડાયરેક્ટર અને સ્ટારકાસ્ટ સાથે નુપુર શર્મા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. નુપુરે વેક્સિન બનાવનારા વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, મારે તમને લોકોને ધન્યવાદ કહેવું છે. તમારા લોકોના કારણે આપણે ભારતીય આજે જીવિત છીએ. તમારો આભાર. તેણે વિવેક અગ્નિહોત્રિનો પણ આભાર માન્યો કે આ કાર્યક્રમમાં તેને આમંત્રિત કરી. તેણે કહ્યું, હવે એક વાત કહીશ – ભારત માતાની જય, ભારત કેન ડૂ ઈટ.
નુપુરનું સ્વાગત જય શ્રી રામના નારા સાથે કર્યું
વિવેક અગ્નિહોત્રીએ મંચ પર નુપુરને આવકારતા જણાવ્યું કે, અમે મહિલાઓ વિશે વાત કરી રહ્યાં છીએ. મહિલાઓના સાહસ અને ભૂમિકાની વાત કરી રહ્યાં છીએ. હું એક સાહસી મહિલાને બોલાવવા માંગીશ જે દૂર્ભાગ્યપૂર્ણ હેતુઓના કારણે પોતાના ઘરમાં કેદ રહ્યાં બાદ પહેલીવાર સામે આવી છે. નુપુરનું સ્વાગત દર્શકોએ જય શ્રી રામના નારા સાથે કર્યું. વિવેક અગ્નિહોત્રિએ કહ્યું કે, આ ફિલ્મ વિજ્ઞાન પર છે અને હું તેને રાજકિય મુદ્દો નથી બનાવવા માંગતો પણ મેં તેમને આ મંચ પર બોલાવ્યા છે કારણ કે ઘણી યુવતીઓ અને ભારતીયોનું સાહસ વધશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એક ટીવી ડિબેટમાં નુપુર શર્માએ પૈગમ્બર મોહમ્મદ સાહેબને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. તે બાદ તેની વિરૂદ્ધ ભારત સહિત દુનિયાના અનેક ઈસ્લામિક દેશોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયું. તેને મારી નાખવા સુધીની ધમકી મળવા લાગી અને તે બાદથી નુપુર જાહેર જીવનથી દુર થઈ હતી.