એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, શ્રીલંકાને 19 રનથી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

women cricket team

એશિયન ગેમ્સની ક્રિકેટ ઈવેન્ટમાં ભારતનો આ પહેલો મેડલ છે
આજના જ દિવસે એર રાઈફલ ટીમે 10 મીટરની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. સોમવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શ્રીલંકા સામે ફાઈનલમાં ટક્કર થઈ હતી. જેમાં ભારતે શ્રીલંકાને 19 રને હરાવ્યું વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે ભારતની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એશિયન ગેમ્સની ક્રિકેટ ઈવેન્ટમાં ભારતનો આ પહેલો મેડલ છે અને એશિયન ગેમ્સમાં આજે ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે આ પહેલા એર રાઈફલ ટીમે 10 મીટરની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બંને ગોલ્ડ મેડલ સોમવારે જ આવ્યા હતા. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીતવાના કારણે ભારત મેડલ ટેલીમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. ભારત પાસે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ છે.

19મી એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં ભારતે શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પહેલા ભારતીય મહિલા ટીમે પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવ્યું હતું, જ્યારે શ્રીલંકાએ બીજી સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને છ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતે 20 ઓવરમાં 116 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી હતી. આ સાથે જ ભારત આ મેચ 19 રને જીતી લીધી હતી. સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 45 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 40 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શેફાલી વર્મા 9, રિચા ઘોષ 9, હરમનપ્રીત કૌર અને પૂજા વસ્ત્રાકર 2-2 રન કરીને આઉટ થઈ હતી. શ્રીલંકા માટે ઉદેશિકા પ્રબોધનીએ 3 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ, સુગંધિકા કુમારીએ 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ અને ઈનાકો રણવીરાએ 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ : સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), રૂચો ઘોષ(વિકેટકીપર), દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, તિતાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ

શ્રીલંકાની ટીમ : ચમારી અટાપટ્ટૂ(કેપ્ટન), અનુષ્કા સંજીવની(વિકેટકીપર), વિશમી ગુણરત્ને, નીલાક્ષી ડી સિલ્વા, હાસિની પરેરા, ઉદેશિકા પ્રબોધની, ઓશાદી રણસિંઘે, ઈનોકા રણવીરા, ઈનોશી પ્રિયદર્શની, કવિશા દિલહારી, સુગંધિકા કુમારી