ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ કર્ફ્યુ રાત્રિ દરમિયાન છે. પરંતુ રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા વિચારી રહી છે. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરોમાં શનિવાર અને રવિવારના દિવસે એટલે કે સપ્તાહાંત દરમિયાન દિવસનો કર્ફ્યુ અમલી બનાવાશે. તદુપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનો મોટા પાયે ભંગ થતો જોવા મળે છે તેવા પાનના ગલ્લા, ચાની કીટલી, નાસ્તા અને પાણીપૂરીની લારી અને સ્ટ્રીટફૂડના આઉટલેટ્સ પર પણ સદંતર પ્રતિબંધ મુકાઇ શકે છે. હાલ આ મુજબની સત્તાવાર જાહેરાત કરાઇ નથી, પરંતુ ગુરુવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે. દરમિયાન રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું છે કે રાજ્યમાં ફરી લૉકડાઉનના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચાર ખોટા છે અને સરકારની આવી કોઈ વિચારણા નથી.
અમદાવાદ સહિત મહાનગરોમાં 55 હજાર કોરોનાના બેડ છે તેમાંથી 45,000 ખાલી- રૂપાણી
મુખ્યમંત્રીએ અગાઉ વડાપ્રધાન સાથેની કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારીને 55,000 કરાઇ છે તેમાંના 82 ટકા એટલે 45 હજાર બેડ ખાલી છે. કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે ધનવંન્તરી રથની સંખ્યા વધારીને 1700 કરાઇ છે. અમદાવાદ શહેરમાં 125થી વધુ કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ ટેસ્ટ થયાં છે, જ્યારે રાજ્યમાં રોજના 70 હજાર આસપાસ ટેસ્ટ થઇ રહ્યાં છે. લગ્નો અને જાહેર સમારોહમાં પણ લોકોની સંખ્યામર્યાદા 200 થી ઘટાડીને 100 કરવામાં આવી છે.
મોદીએ વિડીયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી
દેશમાં જ્યાં કોરોના સંક્રમણના સૌથી વધુ પ્રમાણમાં નવા કેસો નોંધાઇ રહ્યાં છે, તથા એક્ટિવ દર્દીઓ એટલે કે સાજા ન થયાં હોય તેવાં દર્દીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હોય તેવાં આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરવા વિડીયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં સંક્રમણની સ્થિતિ કાબૂમાં હોવાનું જણાવ્યું હતું. આ કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ બેઠકમાં ભાગ લેનારાં આઠેય રાજ્યોમાં ગુજરાત નવા કેસો અને એક્ટિવ કેસોના મામલે સૌથી ઓછા આંકડા ધરાવે છે.
કોરોના નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યમાં 55 હજાર આઈસોલેશન બેડ ઉપલબ્ધ
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવી છે. હાલમાં લગભગ 55 હજાર આઈસોલેશન બેડ ઉપલબ્ધ છે જેમાં 82 ટકા એટલે કે લગભગ 45 હજાર બેડ ખાલી છે. કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 108ની એમ્બ્યુલન્સ સેવા વધુ પ્રભાવિ બનાવવામાં આવી છે. જેથી કરીને કોરોના સંક્રમિત દર્દીઓને યોગ્ય હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળી રહે આ ઉપરાંત 104 હેલ્પલાઈન દ્વારા લોકોને ઘરે બેઠા કોવિડ સંબંધિત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેનો અત્યાર સુધીમાં 2 લાખ 78 હજારથી વધુ લોકોએ લાભ લીધો છે. બોન્ડ ધરાવતા ડોક્ટરોને એપીડેમિક એક્ટ અંતર્ગત તાત્કાલિક હાજર થવા જણાવાયું છે. જનરલ સર્વેલન્સ અને કોમ્યુનિટી સર્વેલન્સ ટીમોની સંખ્યા મોટા પ્રમાણમાં વધારવામાં આવી છે.
ધનવંન્તરી રથની સંખ્યા વધારાઈ
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે 1100 ધનવંન્તરી રથ કાર્યરત હતા જેની સંખ્યા વધારીને 1700 કરવામાં આવી છે. આ રથ દ્વારા ડોર સ્ટેપ ઓપીડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે ખૂબ લોકપ્રિય બની છે. આ સેવાનો અત્યાર સુધીમાં 1.52 લાખ લોકોએ લાભ લીધો છે જેમાં શરદી, ઉધરસ સહિત વિવિધ રોગોના દર્દીઓ સામેલ છે.
22મીએ કેન્દ્રની ટીમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે કોરોનાની સ્થિતિની ચર્ચા કરી હતી
રાજ્યમાં RT-PCR ટેસ્ટીંગ અને એન્ટીજન ટેસ્ટીંગ વધાર્યું
તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે રાજ્યમાં RT-PCR ટેસ્ટીંગ અને એન્ટીજન ટેસ્ટીંગનું પ્રમાણ મોટી માત્રામાં વધાર્યું છે, જે અંતર્ગત આવતીકાલે લગભગ 70 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે સંજીવની કોરોના ઘર સેવા – હોમ આઈસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 700 સંજીવની રથના માધ્યમથી દૈનિક 3 હજાર કોલ્સ ઉપર સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની દૈનિક દેખભાળ કરીને તેમનો ઘરે બેઠા સારવાર આપે છે જ્યારે કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 125થી વધારે કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હાઈવે, રેલ્વે સ્ટેશન, કોમર્શિયલ બિલ્ડીંગો જેવા સ્થળોએ પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ ટેસ્ટ વિવિધ સ્થળોએ કરવામાં આવ્યા છે.
18 હજારથી વધુ વરિષ્ઠ નાગરિકો વડીલ સુખાકારી સેવાનો લાભ લીધો
તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરના વરિષ્ઠ નાગરિકોને કોવિડથી બચાવવા અને તેમને યોગ્ય ઈલાજ માટે વડીલ સુખાકારી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા અંતર્ગત વડીલોના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરીને દવાઓ આપવામાં આવે છે. આ સેવાનો અત્યાર સુધીમાં 18 હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો છે એટલે કે ગુજરાત સરકાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણને રોકવા અને કોરોના સંક્રમિત દર્દીઓને સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે.