વડાપ્રધાને મહિલાઓનાં ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને કહ્યું- આજે દરેક મહિલાનો આત્મવિશ્વાસ આકાશને સ્પર્શી રહ્યો છે
પૂર્ણ બહુમતીવાળી સરકાર હોય ત્યારે આવા મજબૂત નિર્ણયો લેવામાં આવે છે : મોદી
આ એક રેકોર્ડ છે કે આ કાયદાને સંસદના બંને ગૃહોમાં વ્યાપક સમર્થન મળ્યું
લોકસભા અને રાજ્યસભામાંથી મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન બિલ) પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. અહીં પાર્ટીની મહિલા કાર્યકરોએ તેમનું અભિવાદન કર્યું અને આભાર માન્યો હતો. ભાજપ કાર્યાલય પર પહોંચતા જ વડાપ્રધાને મહિલા કાર્યકરોનાં ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.
ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીની મહિલા કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવા માટે તેઓએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. શુક્રવારે સવારથી જ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ભાજપ કાર્યાલયની બહાર હાજર રહ્યા હતા અને ગુલાલ ઉડાડીને અને મીઠાઈઓ વહેંચીને બિલ પાસ થયાની ઉજવણી કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સંપૂર્ણ બહુમતીવાળી સરકાર હોય છે ત્યારે આવા મજબૂત નિર્ણય લેવામાં આવે છે. મહિલા મતદારોને શ્રેય આપતાં તેમણે કહ્યું કે અમારી માતા-બહેનોએ ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ભાજપને મજબૂતીથી સત્તામાં આવવાની તક આપી. તેમણે કહ્યું કે, આજે હું દેશની દરેક માતા, બહેન અને પુત્રીને અભિનંદન આપું છું. ગઈકાલે અને તેના આગલા દિવસે એટલે કે 20 અને 21 સપ્ટેમ્બરે આપણે બધાએ એક નવો ઈતિહાસ રચાતો જોયો. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને આ તક મળી છે. આ દિવસ અને આ નિર્ણયની દરેક ભાવિ પેઢીમાં ચર્ચા થશે.
વડાપ્રધાનમોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે :-
- આજે દરેક મહિલાનો આત્મવિશ્વાસ આકાશને સ્પર્શી રહ્યો છે. સમગ્ર દેશની માતાઓ, બહેનો અને પુત્રીઓ ઉજવણી કરી રહી છે. તે આપણને આશીર્વાદ આપી રહી છે. અમે ભાજપના કાર્યકરો કરોડો માતાઓ અને બહેનોનાં સપનાં પૂરાં કરવાના ધન્ય બન્યા છે. આ આપણા માટે ગર્વ કરવાનો દિવસ છે.
- આ કોઈ સામાન્ય કાયદો નથી. આ નવા ભારતનો જયઘોષ છે. આ બહુ મોટું અને મજબૂત પગલું છે. મહિલાઓનું જીવન સુધારવા માટે મોદીએ જે ગેરંટી આપી હતી તેનો આ સીધો પુરાવો છે. હું ફરી એકવાર મારા દેશની દરેક માતા, બહેન અને પુત્રીને અભિનંદન આપું છું.
- ક્યારેક કોઈ નિર્ણયમાં દેશનું ભાગ્ય બદલવાની ક્ષમતા હોય છે. અમે આવા નિર્ણયના સાક્ષી છીએ. છેલ્લા ઘણા દાયકાઓથી દેશ જેની રાહ જોઈ રહ્યો હતો એ સપનું હવે સાકાર થયું છે. દેશ માટે આ ખાસ સમય છે. ભાજપના દરેક કાર્યકર્તા માટે પણ આ ખાસ છે.
- ભાજપ આ કાયદા દ્વારા મહિલાઓની ભાગીદારી માટે 3 દાયકાથી પ્રયાસ કરી રહ્યું હતું. આ અમારી પ્રતિબદ્ધતા હતી. અને આજે અમે તે પૂર્ણ કર્યું છે. આમાં ઘણા અવરોધો હતા. પરંતુ જ્યારે ઈરાદો હોય, ત્યારે તે મુશ્કેલીઓને પાર કરીને પણ પરિણામ લાવે છે.
- આ એક રેકોર્ડ છે કે આ કાયદાને સંસદના બંને ગૃહોમાં વ્યાપક સમર્થન મળ્યું હતું. પાર્ટી અને વિપક્ષે પણ રાજનીતિમાંથી બહાર આવીને સમર્થન કર્યું. હું દરેકનો આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. 20 સપ્ટેમ્બરે લોકસભામાં 7 કલાકની ચર્ચા બાદ આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. તેની તરફેણમાં 454 અને વિરોધમાં 2 મત પડ્યા હતા. આ બિલ 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહમાં હાજર તમામ 214 સાંસદોએ બિલને સમર્થન આપ્યું અને બિલ પાસ થયું. હવે આ બિલને બિલ વિધાનસભાઓમાં મોકલવામાં આવશે. 50% વિધાનસભાઓ દ્વારા પસાર થયા પછી, તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. તેમની સહીથી તે કાયદો બની જશે.