વિદેશ મંત્રાલયે પ્રેસ-કોન્ફરન્સ યોજી વિઝા સેવાઓથી લઈને દરેક સવાલોના જવાબ આપ્યા

arindam-bagchi

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના કેનેડા પર આકરા પ્રહાર

ખાલિસ્તાન સાથે જોડાયેલા પુરાવા કેનેડાને અનેક પ્રસંગોએ આપ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને કેનેડામાં ભારતના વિઝા એપ્લિકેશન સેન્ટરે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ વિવાદ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ‘કેનેડામાં હાઈ કમિશન અને કોન્સ્યુલેટ સુરક્ષાને લઈને ચિંતિત છે. તેઓ ધમકીઓનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમની સામાન્ય કામગીરી પર અસર પડી રહી છે, તેથી હાઈ કમિશન અને કોન્સ્યુલટ વિઝા અસ્થાયી રૂપે વિઝા અરજીઓ પ્રદાન કરવામાં અસમર્થ છે. એની સમીક્ષા કરવાનું ચાલુ રહેશે.’

વિદેશ મંત્રાલયે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેણે વિઝા સેવાઓથી લઈને દરેક સવાલોના જવાબ આપ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ‘આ કેસમાં અમુક અંશે પૂર્વગ્રહ છે. અમને લાગે છે કે આક્ષેપો મુખ્યત્વે રાજકીય રીતે પ્રેરિત છે.’

ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ પર અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે ખાલિસ્તાન સાથે જોડાયેલા પુરાવા કેનેડાને અનેક પ્રસંગોએ આપ્યા છે, પરંતુ કોઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘એ વાત સાચી છે કે G-20 દરમિયાન ટ્રુડોએ મોદી સમક્ષ નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ PM મોદીએ તેને સદંતર ફગાવી દીધો હતો.’

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આજે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેનેડા ખાલિસ્તાની અલગતાવાદીઓને “સુરક્ષિત આશ્રયસ્થાન” પ્રદાન કરે છે, જ્યારે પાકિસ્તાને તેમને ભંડોળ પૂરું પાડ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે વિઝા સેવાઓ સંબંધિત નિર્ણયની આપણા નાગરિકો પર કોઈ અસર નહીં થાય. મોટી સંખ્યામાં કેનેડિયન રાજદ્વારીઓ ભારતમાં છે, જ્યારે કેનેડામાં એટલા ભારતીય રાજદ્વારીઓ નથી. આવી સ્થિતિમાં વધુ કેનેડિયન રાજદ્વારીઓ પરત જશે, જેથી આ સંખ્યા બરાબર થઈ શકે.

કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સુરક્ષા વધારવાના પ્રશ્નના જવાબમાં અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે માનીએ છીએ કે સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. કેટલીક જગ્યાએ અમારી પોતાની સુરક્ષા વ્યવસ્થા પણ છે, પરંતુ જાહેરમાં એની ચર્ચા ન કરવી એ યોગ્ય નથી.

ભારત-કેનેડા વિવાદ પર બાગચીએ કહ્યું હતું કે અમે પૂરી પાડવામાં આવેલી કોઈપણ ચોક્કસ માહિતીને જોવા માટે તૈયાર છીએ, પરંતુ હજુ સુધી અમને કેનેડા તરફથી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. અમારા તરફથી, કેનેડામાં રહેતા કેટલાક લોકો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધિત ચોક્કસ પુરાવા કેનેડા સાથે શેર કરવામાં આવ્યા છે, પરંતુ તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.

મીડિયા અહેવાલો અનુસાર, વિઝા સેવાઓને સ્થગિત કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, જ્યારે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક મેસેજ પોસ્ટ કર્યો હતો, જેમાં કહ્યું હતું કે ‘ભારતીય મિશન તરફથી મહત્ત્વપૂર્ણ સૂચના: 21મી સપ્ટેમ્બર 2023 [ગુરુવાર]થી ભારતીય વિઝા સેવાઓ નવી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.’ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. કોવિડ-19 પછી ભારતે વિઝા સસ્પેન્ડ કર્યા હોય એવો આ પહેલો બનાવ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એમ પણ કહ્યું હતું કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. આ બધાથી વિપરીત ભારતે કેનેડાને ઘણા લેખિત દસ્તાવેજો જમા કરાવ્યા છે. આમ છતાં ત્યાં આશરો લઈ રહેલા ખાલિસ્તાનીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ટ્રુડોનું નિવેદન રાજકીય રીતે પ્રેરિત છે. ભારત-કેનેડાના સંબંધો દિવસે ને દિવસે વણસતા જાય છે. ખાલિસ્તાન મામલે બંને દેશ માટે તણાવ વધતાં ભારત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે અને કેનેડાના નાગરિકો માટે વિદેશ મંત્રાલયે વિઝા સેવા સ્થગિત કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે 18 જૂન 2023 અને રવિવારની સાંજે કેનેડાના બ્રિટિશ કોલંબિયા સ્થિત ગુરુદ્વારાના પાર્કિંગ સ્થળે એક કારની ડ્રાઇવિંગ સીટ પર ખાલિસ્તાની ટાઇગર ફોર્સનો ચીફ હરદીપ સિંહ નિજ્જર બેઠો હતો. અચાનક ત્યાં ભરાવદાર શરીર અને ઊંચી હાઇટની બે વ્યક્તિ પહોંચી તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દે છે. આ ફાયરિંગમાં નિજ્જરનું ઘટનાસ્થળે જ મોત થઈ જાય છે. નિજ્જરને ભારતે ભાગેડુ જાહેર કરી દીધો હતો અને તેના પર 10 લાખનું ઈનામ હતું.