કિડની કાઢી હોવાની વાત ઉપજાવી કાઢેલી હોવાનો ખુલાસો થયો
જુગારી અરજદારે રચ્યું હતું સમગ્ર તરકટ, માન્યામાં ન આવે તેવું ખૂલ્યું
ખેડા જિલ્લાના મહુધા તાલુકાનાં ભૂમસ ગામમાં વ્યાજનાં બદલામાં કીડની કાઢી લેવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં વ્યાજનાં બદલામાં કિડની કાઢવાનું કૌભાંડ જ ન થયાનો ખુલાસો થવા પામ્યો છે. ગોપાલે 20 હજાર રૂપિયા ન આપવા માટે સમગ્ર વાત ઉપજાવી કાઢી હતી. પોલીસ દ્વારા અરજદારની પૂછપરછ અને મોબાઈલ લોકેશન આધારે તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસની પૂછપરછમાં ગોપાલ પરમારે કબુલાત કરી હતી, કે કિડની કાઢી હોવાની વાત ઉપજાવી કાઢેલી હોવાનો ખુલાસો કર્યો હતો.
આ કેસની તપાસ કરી રહેલી LCBએ અરજદાર અને આક્ષેપીત સામાવાળાની ટેક્નીકલ સર્વેલન્સ તેમજ CDR ડીટેલ્સ આધારે યુક્તિ-પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા સમગ્ર બનાવ બાબતે ખોટી અરજી કરવામાં આવી હોવાનું તેમજ આ સમગ્ર સ્ટોરી ઉપજાવી કાઢેલી હોવાનું સામે આવ્યું છે.
અરજદારોએ કબુલાત કરી કે દિલ્લીમાં કિડની કાઢવાની વાત નકારી કાઢી છે. તેમજ ગોપાલ પરમારે અશોકભાઈ પાસેથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારે બંગાળમાં કીડનીનાં બદલામાં રૂપિયા મળશે તેવી વાતને આધારે ગોપાલ અને અશોકભાઈ હાવડા ગયા હતા. હાવડાથી એક લાખ રૂપિયા પણ મળ્યાનો ખુલાસો કર્યો હતો. કિડનીનું ઓપરેશન થાય તે પહેલા ગોપાલ અને અશોકભાઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાં બાદ પોલીસ દ્વારા બંગાળનાં લોકોની પણ તપાસ શરૂ કરી છે. અરજદારોએ 6 થી 7 વર્ષ પહેલા કિડની કાઢવાનો બનાવ બન્યો હોવાનું સ્વીકાર્યું હતું.
આ કેસમાં અરજદાર ગોપાલભાઈએ સામેવાળા અશોક પરમાર પાસેથી 20 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જો કે ગોપાલ પૈસા પરત આપવા માંગતો ના હોવાથી તેણે સબક શીખવવા માટે આખી સ્ટોરી ઉભી કરી હોવાનું સામે આવ્યું છે.
ભૂમસ ગામમાં રહેતા ગોપાલ પરમાર નામનાં સખ્શે આક્ષેપ કર્યો હતો કે ભૂમસ ગામનો માથાભારે શખ્સ 30 થી 50 ટકાના દરે ગરીબોને વ્યાજે રૂપિયા આપતો હતો. જો રૂપિયા લેનારા વ્યાજ ના ભરી શકે, તો તેમની કિડની વેચીને રૂપિયાની વસૂલાત કરવામાં આવતી હતી. આવી રીતે આ શખ્સે ગામના 10 જેટલા લોકોની કિડની વેચી દીધી હતી. આવી અરજી પોલીસમાં પણ કરી હતી. જોકે આ સમગ્ર મામલે ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સ્પષ્ટતા કરીને તમામ અહેવાલને રદીયો આપ્યો હતો.