ગામના માથાભારે શખ્સે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા 10થી વધુ લોકોની કિડની કાઢી લીધી
ભૂમસના એક યુવકે સમગ્ર મામલે ગંભીર આક્ષેપ કર્યા, બે લોકોએ અઢી-અઢી લાખમાં કિડની વેચ્યાનો સ્વીકાર કર્યો
સાત વર્ષ પહેલા પેટલાદ તાલુકામાં પણ કીડની કૌભાંડ સામે આવ્યું હતું
ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં 10 જેટલા લોકોની કિડનીનું વેચાણ કરી નખાયું હોવાનો એક યુવકે આક્ષેપ કરતાં ખળભળાટ મચ્યો છે. મહુધાનાં ભૂમસ ગામનો માથાભારે શખ્સ 30 થી 50 ટકાના દરે ગરીબોને વ્યાજે રૂપિયા આપતો હતો. જો રૂપિયા લેનારા વ્યાજ ના ભરી શકે, તો તેમની કિડની વેચીને રૂપિયાની વસૂલાત કરવામાં આવતી હતી. આવી રીતે આ શખ્સે ગામના 10 જેટલા લોકોની કિડની વેચી મારી હોવાનું સામે આવ્યું છે. ગામમાં રહેતા અશોક નામનો શખસ આમાં સંડોવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભૂમસ ગામના 10 જેટલા લોકોની કિડની વેચી નખાઈ હોવાની નામજોગ પોલીસ સમક્ષ રજૂઆત કરતાં પોલીસે તમામનાં નિવેદન નોંધવાની શરૂઆત કરી છે. તે પૈકીના બે લોકોએ આજે મીડિયા સમક્ષ પોતાની કિડની દિલ્હીમાં અઢી લાખ રૂપિયામાં વેચી નાખી હોવાનો સ્વીકાર પણ કર્યો હતો.
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભૂમસ ગામમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા ગોપાલ પરમાર નામના યુવકે આ સમગ્ર મામલાને લઈ ખેડા જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજથી એક વર્ષ અગાઉ ભૂમસ ગામમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા ગોપાલ પરમારે ભૂમસ ગામના માથાભારે શખ્સ અશોક પાસેથી 20 હજાર રૂપિયા 30 ટકાના વ્યાજે લીધા હતા. આ માટે ગોપાલ દર મહિને 4 હજાર રૂપિયા અશોકને ચૂકવતો હોવા છતાં તે વધારે પૈસાની માંગણી કરતો હતો.
આ દરમિયાન વધારે નાણાંની સગવડ ન થતાં અશોકે ગોપાલને જણાવ્યું હતું કે, હું તને પશ્ચિમ બંગાળના હાવડામાં નોકરી અપાવી દઈશ, જ્યાં તને મહિને 30 હજાર રૂપિયા પગાર મળશે. આ માટે તારો મેડિકલ રિપોર્ટ, આવકનો દાખલો જેવા કાગળો તૈયાર કરવા પડશે. મારી ઓળખાણ છે, હું મારા માણસો પાસે તને નોકરીનો બંદોબસ્ત કરી આપું છું, આથી ગોપાલ તૈયાર થઈ ગયો હતો અને 23 ફેબ્રુઆરી 2023ના રોજ અમદાવાદ જઈને પોતાનો મેડિકલ રિપોર્ટ પણ કરાવ્યો હતો. જે બાદ ગત એપ્રિલ મહિનામાં અશોક ગોપાલને નડિયાદથી હાવડા પશ્ચિમ બંગાળ મુકામે લઈ ગયો હતો. જ્યાં અશોક ઉપરાંત એક મહિલા સહિત અન્ય 3 ઈસમો હાજર હતા. જેમણે એક સ્ટેમ્પ પેપરમાં સહીઓ કરાવી હતી.
પશ્ચિમ બંગાળથી બે દિવસ પછી ગોપાલને દિલ્હી મુકામે હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાંના હાજર ડોકટરે હિન્દીમાં પૂછેલું કે “આપ અપની મરજી સે કિડની ડોનેટ કર રહે હૈ” ત્યારે ગોપાલને ખબર પડી કે આ તમામ લોકો તેમની સાથે છળકપટ કરી વિશ્વાસમાં લઈ નોકરીની લાલચ આપી તેમની કિડની કઢાવવા માટે લઈ ગયેલા હોવાનું જાણવા મળ્યું હતું, આથી ગોપાલે ત્યાં અઠવાડિયા સુધી રોકાયેલો અને ડોકટરે જણાવેલું કે રિપોર્ટ કઢાવવા પડશે, ત્યાર પછી ઓપરેશન થશે, પરંતુ ત્યાં અઠવાડિયા પછી ગોપાલ તકનો લાભ લઈ નીકળી ગયો હતા. આ બાદ પોતાના ગામ ભૂમસ પરત આવી ગયો હતો.
જો કે આ બાબતની કિડની કાઢવાના માસ્ટરમાઈન્ડ અશોકને થતાં તેણે ગોપાલ સાથે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે માથાભારે અશોકના ત્રાસથી કંટાળેલા ગુપાલે મહુધા પોલીસનો સંપર્ક કર્યો હતો અને અરજી કરીને પોલીસ સુરક્ષાની માંગણી કરી હતી. પોતાની અરજીમાં ગોપાલે પોતાના જ ગામ ભૂમસના 10થી વધુ લોકોની આવી રીતે કિડની કાઢી હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ તો પોલીસે ગોપાલની અરજીના આધારે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
આ બનાવ મામલે જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે અરજી મળતાં અમે એની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે. સાથે સાથે અરજદારે બે અરજી આપી છે, જેમાં એક તો વ્યાજનાં નાણાં મામલે અને અન્ય બીજા દિવસે આ કિડની કાઢી લીધા બાબતે. જોકે અરજદારે જે પ્રમાણે આક્ષેપો કર્યા છે એ મુજબ અમે સામેવાળી વ્યક્તિની પણ પૂછપરછ આદરી હતી, જેમાં તેણે પોતાના પક્ષમાં જણાવ્યું હતું કે અમે દિલ્હી ગયા જ નથી. હાલ જે આક્ષેપો કર્યા છે એ બાબતે અરજદાર અને અરજીમાં સામેલ લોકોનાં નિવેદનો લીધાં છે. તેમની પૂછપરછ કરી રહ્યા છે, પણ હાલ સુધી કિડની કાઢી લેવા અંગેનો કોઈ નક્કર પુરાવો હાથ લાગ્યો નથી. આમ છતાં તપાસ ચાલુ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ 6-7 વર્ષ અગાઉનો કેસ છે, જે મામલે આણંદ પોલીસમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી. હાલ કયા સંજોગો અનુસાર આ ફરીથી અરજી કરી છે અને અરજીમાં કેટલું તથ્ય છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
ગોપાલ દ્વારા પોલીસ સમક્ષ જે અરજી કરવામાં આવી છે એમાં ભૂમસ ગામના કેટલાક લોકોનાં નામ લખ્યાં છે. તેમની પોલીસ પૂછપરછ કરી રહી છે. ત્યારે ભૂમસ ગામની એક વ્યક્તિએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે પૈસાની જરૂર હોવાથી છ-સાત વર્ષ અગાઉ મેં કિડની વેચી હતી. જે-તે સમયે અશોકને વાત કરતાં તેમણે કહ્યું હતું કે એક ભાઈબંધ છે તે બતાવીશ, એમ કહ્યું હતું અને એ બાદ દિલ્હી લઈ ગયા બાદ કિડની કઢાવી દીધી અને એ બાદ પૈસા લઈને હું આવી ગયો હતો. મને અઢી લાખ રૂપિયા મળેલા. આ જૂનો કેસ હોવા છતાં આ અશોક અને ગોપાલ બંને લડ્યા હશે એમાં અમારા નામ આ ગોપાલે લખાવી દીધા છે. જ્યારે બીજી વ્યક્તિએ કહ્યું હતું કે આ ગોપાલભાઈ અને અશોકભાઈ વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો, એમાં અમારાં નામ આ ગોપાલભાઈએ લખાવ્યા છે, જેથી તેનો જવાબ લેવા પોલીસે બોલાવ્યા છે. 9 વર્ષ પહેલાં મારાં દીકરા-દીકરીના લગ્ન હોવાથી મેં મારી કિડની અઢી લાખમાં આપી હતી.
પેટલાદ તાલુકાના પંડોળી ગામમાં રહેતો એક યુવક આજથી સાતેક વર્ષ અગાઉ એકાએક ગુમ થયો હતો. પરિવારજનોએ ઘણી શોધખોળ કર્યાં બાદ પણ આ યુવકની ભાળ મળી ન હતી, જોકે થોડા દિવસો બાદ યુવક ઘરે પરત ફર્યો હતો. એ વખતે તેની એક કિડની ગાયબ હોવાનું પરિવારજનોના ધ્યાનમાં આવતાં મસમોટું કિડનીકૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કિડનીના દલાલો આ યુવકને દિલ્હી લઈ ગયા હતા અને ત્યાં જ તેની મરજી વિરુદ્ધ કિડની કાઢી લેવામાં આવી હતી, જેથી સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં પંડોળી ગામના 11 સહિત કુલ 13 જેટલા યુવકની કિડની કાઢીને વેચી દેવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. આ તમામ યુવકોને કિડનીના બદલામાં 2થી 3 લાખ સુધીની રકમ આપવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી હતી. આ કેસ પેટલાદ કોર્ટમાં ચાલ્યો હતો. કેસમાં ભોગ બનનારનાં નિવેદનો બાદ યોગ્ય પુરાવાના અભાવે આરોપીઓનો છુટકારો થયો હતો.