અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, તોડ્યા તમામ રેકોર્ડ, જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી
હવામાન વિભાગે ઈન્દોર ડિવિઝનમાં 16-17 સપ્ટેમ્બરે અતિશય વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું
મધ્યપ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુશળધાર વરસાદના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે નદીમાં પાણીનું સ્તર વધી ગયુ છે, અને તેને લીધે અનેક લોકો ફસાયા હતા. બચાવ ટીમ તથા SDRFની ટીમને આ અંગે માહિતી મળતા જ ટીમ કામમાં જોડાઈ ગઈ હતી. હવામાન વિભાગે ઈન્દોર ડિવિઝનમાં 16-17 સપ્ટેમ્બરે અતિશય વરસાદનું રેડ એલર્ટ પણ જારી કર્યું છે.
હવામાન વિભાગે ઈન્દોર ડિવિઝનમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલથી અહીં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આખા શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ઈન્દોરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની સામે પાણી ભરાઈ ગયા છે. આ અંગે લોકોને પૂછતા જાણવા મળ્યુ કે છેલ્લા ચાર વર્ષથી આવો વરસાદ થયો નથી. ગઈકાલથી આજ સુધી ઈન્દોરમાં સાત ઈંચ વરસાદ થઈ ગયો છે. સતત વરસાદને કારણે ઈન્દોરના યશવંત સાગર તળાવમાં દરવાજા ખોલવા પડ્યા.
શુક્રવારે થયેલા ભારે વરસાદ બાદ હવે શનિવારે પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. શનિવારે સાંજના 4 વાગ્યા સુધીમાં 266.02 મિલીમીટર એટલે કે 11 ઈંચ વરસાદ થયો છે. ઈંદોરમાં સરેરાશ કરતા વધારે વરસાદ થઈ ચુક્યો છે. શહેરમાં સરેરાશ વરસાદનો આંકડો 36.5 ઈંચ છે. હવામાન વિભાગે સતત ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મેયર પુષ્યમિત્ર ભાર્ગવ, કલેક્ટર ઇલ્યા રાજા ટીએ સાવચેતીના ભાગરૂપે અધિકારીઓને એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે નદી, નાળા અને નાળાઓ ઉપર પાણી વહી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા આવા સ્થળોએ વાહનો બહાર ન કાઢવાની અપીલ કરવામાં આવી છે. વહીવટીતંત્રે કહ્યું છે કે વહેતા પાણીમાં વાહનોને બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી પર કાર્યવાહી કરવામાં આવશે. વરસાદના કારણે ઈન્દોરના રાજકુમાર નગર, શેરપુર બાગ, સિકંદરાબાદની શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે.
ઈન્દોરમાં એમઆર 10 બ્રિજ પાસે સર્વિસ લેન પર એક મિની બસ પાણીમાં ડૂબી જવાની જાણ થઈ હતી. આ સમય દરમિયાન, બસમાં 10 થી 15 મુસાફરો હતા, જેમને એસડીઆરએફની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અન્ય એક ઘટનામાં પૂર્વ મંત્રીનો પુત્ર તેના થાર ગાડી સાથે નદીમાં તણાઈ ગયો, પરંતુ ઘણી મહેનત બાદ તેને બચાવી શકાયો. કોઈ જાનહાનિના સમાચાર નથી.