ઉપરવાસમાં વરસાદના પગલે સરદાર સરોવર ડેમના 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલાયા

sardarsorvarDam

સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 136.11 મીટર પહોંચી, પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક
વડોદરા જિલ્લાનાં 3 તુલાકાનાં કુલ 25 ગામોને એલર્ટ આપવામાં આવ્યું

મધ્યપ્રદેશમાં થયેલ વરસાદના પગલે નર્મદા ડેમમાંપાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. આજે સવારે સરદાર સરોવર ડેમની સપાટી 136.11 મીટર નોંધાઈ હતી. પાણીની આવકમાં સતત વધારો થતા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના અત્યારે ડેમના 5 દરવાજા ખોલાયા છે.

પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ. કરવામાં આવી રહ્યા છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પૂરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બપોરે 12 વાગ્યે 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 1,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં પાણીની સપાટી 136.11 મીટર છે. પાણીની આવક 9,38,060 ક્યૂસેક, 3 કલાકમાં સરેરાશ આવક 6,82,791 ક્યૂસેક છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 41,919 ક્યૂસેકની જાવક છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડોદરા જિલ્લાના 25 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

મહત્ત્વનું છે કે, ઇન્દિરા સાગરના 12 ગેટ 10 મીટર ખોલાયા છે. તેમજ પાવર હાઉસના આઠ યુનિટોમાંથી કુલ 9.89 લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત થતા સરદાર સરોવરમાં આવક વધી છે. તો બીજી બાજુ ઓમકારેશ્વર ડેમમાંથી સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેની સાથે નર્મદાના સરદાર સરોવર ડેમ જ દર કલાકે જળ સપાટી 3થી 4 સેમીનો વધારો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે 16થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 18 સપ્ટેમ્બરે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ પડી શકે છે. આ તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી સહિત કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. સંપૂર્ણ ડેમ ભરાવામાં 3.26 મીટર બાકી છે. આજે નર્મદા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગ મુજબ આજે શનિવારે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.