બોટમાં 30થી વધુ બાળકો સવાર હતાં, 10 બાળકો હજુ પણ ગુમ
2 લોકોને બચાવ્યા બાદ એક છોકરો અન્ય લોકોને બચાવવા જતા પોતે ડૂબી ગયો
મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં આજે 30 બાળકોથી ભરેલી બોટ નદીમાં ડૂબી ગઈ હતી. આ અકસ્માત ગાયઘાટ બેનિયાબાદ ઓપીમાં થયો હતો. બોટમાં 30થી વધુ બાળકો સવાર હતાં તે બધા જ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા. અત્યાર સુધીમાં 20 બાળકોને બહાર કાઢવામાં આવ્યાં છે. 10 બાળકો હજુ પણ ગુમ છે.
વધુ માહિતી પ્રમાણે ગ્રામજનોએ જણાવ્યું કે, સ્કૂલ નદીને બીજા છેડે આવેલી છે. જેથી સ્કૂલ જવા માટે વિદ્યાર્થીઓને બોટમાં બેસીને એક છેડેથી બીજા છેડે જતા હતા. દરરોજની જેમ આજે પણ 30થી વધુ બાળકો બોટમાં બેસી સ્કૂલે જઈ રહ્યા હતા ત્યારે પાણીનાં જોરદાર પ્રવાહના કારણે બોટ નદીમાં પલટી ગઈ હતી. બોટમાં સવાર બાળકોની ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. એસડીઆરએફની ટીમ ગાયઘાટ અને બેનિયાબાદ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બાગમતીમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ, મુખ્યમંત્રી નીતિશ કુમાર નવનિર્મિત પીકુ વોર્ડનું ઉદ્ઘાટન કરવા મુઝફ્ફરપુર પહોંચવાના છે. સીએમના આગમન પહેલાં જ આ મોટી દુર્ઘટના સર્જાતાં વહીવટી વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
બોટમાં 9મા અને 10મા ધોરણના બાળકો હતા જેઓ સ્કૂલે જઈ રહ્યા હતા. ગામના બીજા કેટલાક લોકો પણ બાળકો સાથે બોટમાં સવાર હતા. જેમાં કેટલાક લોકો કામ પર જઈ રહ્યા હતા. ગામના જ એક નજરેજોનારે જણાવ્યું કે એક છોકરાએ બે લોકોને બચાવ્યા હતા. ત્યાર બાદ તે અન્ય લોકોને બચાવવા માટે ફરીથી નદીમાં કુદયો હતો પરંતુ પાણીના ભારે વહેણના કારણે તે પોતે પણ પાણીમાં ડૂબી ગયો હતો.
ગામનો લોકોએ જણાવ્યું કે કે જે જગ્યાએ આ દુર્ઘટના થઈ છે ત્યાંના લોકો ઘણા વર્ષોથી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી પુલ બન્યો નથી તેથી લોકો શોર્ટકટ માટે બોટનો ઉપયોગ કરે છે.