સાઉદી અરબમાં વિદેશી કામદારો માટે કામ કરવાનું હવે સરળ બનશે. સાઉદી અરબના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે બુધવારે વિદેશી કામદારોને લગતા શ્રમ કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારાઓને લાગુ કરવામાં આવ્યા છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું વિઝન-2030 અને નેશનલ ટ્રાન્સફોર્મેશન કાર્યક્રમ અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો છે. એના દ્વારા વિદેશી કામદારોને ઘણા નવા અધિકાર મળશે.
સાઉદી અરબના આ નિર્ણયથી ભારતીયોને ઘણો જ ફાયદો થશે. સાઉદી અરબમાં લગભગ 26 લાખ ભારતીયો કામ કરે છે. સાઉદીની રાજધાની રિયાદમાં આયોજિત પ્રેસ-કોન્ફરન્સમાં સાઉદી અરબના માનવસંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રમ કાયદામાં સુધારો માર્ચ 2021થી લાગુ થઈ જશે.
નોકરી પણ બદલી શકશે વિદેશી કામદાર
આ સુધારા લાગુ થયા બાદ કામદારોને સાઉદીમાં રહેવા દરમિયાન પોતાની નોકરી બદલવાની આઝાદી મળશે. સાઉદી અરબનું શ્રમ મંત્રાલય આ બાબતે અવરોધરૂપ નહીં બને. અત્યારસુધી સાઉદી અરબમાં કફાલા સિસ્ટમ લાગુ હતી, જે હેઠળ નિયોક્તાઓને તે અધિકાર મળેલો હતો કે તેમની મંજૂરી વિના વિદેશી કામદારો નોકરી નહીં બદલી શકે અને કર્મચારીઓનું દેશ છોડીને જવાનું પણ તે નિયોક્તાઓની ઇચ્છા પર નિર્ભર હતું.
વધુ સારી તકો મળશે
નવા સુધારા બાદ, વિદેશી કામદારો નોકરી બદલવા ઉપરાંત સ્વયં એક્ઝિટ અને ફરીથી રી-એન્ટ્રી વિઝા માટે વિનંતી કરી શકશે અને તેમનું ફાઇનલ એક્ઝિટ વિઝા પર પણ તેમનો સંપૂર્ણ અધિકાર રહેશે. હવે આ બધા માટે નિયોક્તાની પરવાનગીની જરૂર રહેશે નહીં. બધાને સ્વચાલિત મંજૂરી મળી જશે. આનાથી તમામ ભારતીયોને કામ કરવા માટે વધુ સારી તકો મળશે.
કફાલા સિસ્ટમના કડક કાયદાઓ દૂર થશે
નાયબ પ્રધાન અબ્દુલ્લા બિન નાસિર અબુથનેનએ જણાવ્યું હતું કે અમે દેશમાં કામદારો માટે વધુ સારું શ્રમબજાર અને કામદારો માટે કામ કરવા માટેનું સારું વાતાવરણ ઊભું કરવા માગીએ છીએ. શ્રમ કાયદામાં આ સુધારાથી વિઝન 2030ના ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં મદદ મળશે. કફાલા સિસ્ટમમાં આ સુધારાનો ફાયદો એક કરોડ જેટલા વિદેશી કામદારોને મળશે, જે સાઉદી અરબની કુલ જનસંખ્યાના ત્રીજા ભાગની છે. સાઉદી અરબ આ સુધારા હેઠળ સૌથી પ્રતિભાશાળી કામદારોને આકર્ષવા માગે છે. આનાથી સાઉદીના બજારમાં એક સ્પર્ધાત્મક વાતાવરણ પણ બનશે. સાઉદી અરબ સ્થાનિક લેબર બજારમાં આવું વાતાવરણ ઇચ્છે છે, જેમાં કામ આપનાર લોકોની સાથે કામદારોને પણ ફાયદો થશે.
શું છે કફાલા સિસ્ટમ
સાઉદી અરબની કફાલા સિસ્ટમ કામદારો પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જે કામદારો અન્ય દેશોમાંથી અહીં આવે છે અને અહીં કામ કરે છે તેવા વિદેશી કામદારો પાસે દમનથી બચવાનો કોઈ રસ્તો નથી હોતો. કામદાર પોતે નોકરી છોડી શકતો પણ નથી, દેશ બહાર જવા માટે પણ તેના નિયોક્તાની પરવાનગી લેવી જરૂરી છે. તેઓ નિયોક્તાની પરવાનગી લીધા વગર ન તો નોકરી બદલી શકે છે અને ન તો પોતાના દેશમાં પરત જય શકે છે. એટલું જ નહીં, ઘણા નિયોક્તાઓ તેમના કામદારના પાસપોર્ટ પણ જપ્ત કરી લે છે અને સરળતાથી પરત પણ આવતા નથી.
કતારે પણ કર્યો છે શ્રમ કાયદામાં સુધારો
કતાર 2020માં ફિફા વર્લ્ડ કપની યજમાની કરનાર છે, જેને ધ્યાનમાં રાખીને કતારે પણ શ્રમ કાયદાને ઉદાર બનાવ્યો છે. માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે સાઉદીના સુધારાથી વિદેશી કામદારોને ફાયદો મળશે, પણ કેટલાક કાયદાકીય પ્રતિબંધોને સંપૂર્ણ રીતે દૂર કરવાની જરૂર છે. એક્ટિવિસ્ટનું કહેવું છે કે પ્રવાસી કામદારો માટે હજી પણ એ ફરજિયાત છે કે નિયોક્તા તેમને સાઉદી આવવા માટે જ સ્પોન્સર બને ત્યારે જ તેઓ આવી શકશે, આવી સ્થિતિમાં તે કામદારો પર હજી પણ નિયંત્રણ નોકરી આપનારાની પાસે રહેશે.
સાઉદીની કફાલા સિસ્ટમ હેઠળ પ્રવાસી કામદારો પાસે કોઈ અધિકાર ન હતો કે તેમના નિયોક્તાના શોષણથી તેઓ બચી શકે, કારણ કે તેમને દેશ છોડવાનો અને નોકરી બદલવાનો પણ હક નથી. આવી સ્થિતિમાં મલોકો દ્વારા વિદેશી કામદારો સાથે મનમાની કરવામાં આવતી હતી. તેમની પાસે વધુ કલાકો સુધી કામ કરાવવામાં આવે છે અને માલિકો પગાર આપવાની પણ આનાકાની કરે છે.
કાયદામાં સુધારો સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030નો ભાગ છે. ક્રાઉન પ્રિન્સ સલમાન ઈચ્છે છે કે સાઉદી અરબ વિદેશી રોકાણકારોએ માટે મહત્ત્વનો દેશ બને અને ખાનગી સેકટરનો વિસ્તાર થાય, સાથે જ સાઉદીની અર્થવ્યવસ્થાની તેલ પરની નિર્ભરતાને ઘટાડી શકાય.