ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિ અને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાના હસ્તે તિરંગો ખેસ ધારણ કર્યો
એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઇન્ડિયા સંગઠન હેઠળ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે મળીને લડવાની વાત કરી રહી છે. ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 45,000થી વધુ વોટ મેળવનાર અર્જુન રાઠવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. તેઓ આજે અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે.
કોંગ્રેસમાં જોડાતી વખતે આદિવાસી નેતા અર્જૂન રાઠવાએ જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે. ભાજપને હરાવવા માટે અમે ગુજરાતમાં આવ્યા હતા પરંતુ અમે તેને હરાવી શક્યા નહીં અને કોંગ્રેસ પાર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં દેશમાં જે પરિવર્તન થવાનું છે એ પરિવર્તન ગુજરાતમાં પણ થાય એ ઉદ્દેશ્યથી હું અને મારા સાથીદારો આજે કોંગ્રેસમાં જોડાયા છીએ.
આમ આદમી પાર્ટીના નેતા અર્જુન રાઠવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને છોટાઉદેપુરના પ્રભારી મયંક શર્મા, કાંકરેજ વિધાનસભાના ચૌધરી સમાજના આગેવાન અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તથા પાટણ જિલ્લા પ્રભારી પ્રશાંત ચૌધરી, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ટ્રેડ વિંગ અને ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લો તથા ખેડબ્રહ્મા નગરપાલિકાના ઈન્ચાર્જ શિરીષ ત્રિવેદી, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી હસમુખ કાપડિયા, વડોદરા જિલ્લા યૂથ પ્રમુખ વિશાલ પટેલ, પાટણ જિલ્લા મહામંત્રી દેવેનભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા એસ. સી. સેલના પ્રમુખ શામળ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાન, હોદ્દેદાર, કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
બનાસકાંઠા જિલ્લા પંચાયતના ભાજપનાં ઉમેદવાર સોલંકી હેમરાજજી મુળજી, ભાજપનાં આગેવાન ઉપલાણા અશોક, પરેશ ચૌધરી, લાલજી ચૌધરી, ધવલ ચૌધરી, વિજય રાજપૂત, પ્રતાપજી રાજપૂત, કોમલબેન ચાવડા સહિત ભાજપનાં આગેવાનો પણ વિધિવત્ રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયાં હતાં. તો છેલ્લા કેટલાય સમયથી સક્રિય એવું વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટીના અધ્યક્ષ આદિત્ય રાવલ સમગ્ર હોદ્દેદાર સહિત કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે એમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય, બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. ભાજપ પર આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે ભાજપના શાસનમાં રાજ્યમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રિજ-પુલ તૂટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તૂટ્યું હોય એમ જણાતું નથી.