અમદાવાદમાં રહેતા 108 પાકિસ્તાની નાગરિકોને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર” એનાયત કરાયા

Indian-citizenship-Certificate

પાકિસ્તાની આશ્રિતોને મળી ભારતની નાગરિકતા: વર્ષ 2017થી અત્યાર સુધીમાં 1,149 લોકોએ પાકિસ્તાન છોડ્યું

ગુજરાતમાં તમે સૌ સલામતઃ હર્ષ સંઘવી

અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના સહયોગથી કલેકટર કચેરી પાસે આવેલી હોટલ સિલ્વર કલાઉડમાં પાકિસ્તાની આશ્રિતોને ભારતની નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108 શરણાર્થીને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ અવસરે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા? કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે, ‘મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.’ એટલુ જ નહિ આજે વસુધૈવ કુટુંબકમની ભાવના પણ સાર્થક થઈ છે. ગુજરાતમાં તમે સૌ સલામતીનો અનુભવ કરી શકશો. વર્ષ 2017થી અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં વસતા આવા 1,149 શરણાર્થીને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડિકે, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, નારણપુરાના ધારાસભ્ય જિતુ પટેલ, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, નરોડાનાં ધારાસભ્ય પાયલ કુકરાની, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, સિંઘ માઈનોરિટી કમિશનમાં સભ્યો, હેલ્પિંગ હેન્ડ સંસ્થાના સભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આ અવસરે ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને અભિનંદન પાઠવતાં કહ્યું કે, આજનો દિવસ તમારા જીવનમાં અતિમહત્ત્વનો છે. દર વર્ષે આ દિવસને તમે જન્મદિવસની જેમ જ ઊજવશો, એવો વિશ્વાસ છે. આજથી તમે મહાન ભારત દેશના નાગરિક બન્યા છો. નવા ભારતનના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. નાગરિક તરીકે તમને બધા અધિકારો મળશે તથા સરકારની તમામ યોજનાનો લાભ પણ ઉઠાવી શકશો. ગુજરાતમાં તમે સૌ સલામતીનો અનુભવ કરી શકશો, એવી ખાતરી પણ સૌને આપી હતી. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો, એવી અપેક્ષા છે. તેઓએ કહ્યું કે, આજે અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા 108 પરિવારોના ઘરોમાં દિવાળી જેવો માહોલ છે કેમ કે આજે તેઓ ભારતના નાગરિક બન્યા છે. ઘરમાં એક બાળકનો જન્મ થાય ત્યારે કેવો ખુશીનો માહોલ હોય છે તેવો જ માહોલ આજે આપ સૌના પરિવારજનોમાં દેખાઈ રહ્યો છે. આજનો દિવસ તમારા જીવનમાં અતિ મહત્ત્વનો છે. દર વર્ષે આ દિવસને તમે જન્મ દિવસની જેમ જ ઊજવશો, એવો વિશ્વાસ છે.

અત્યાર સુધીમાં કુલ 1149થી વધારે હિંદુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપીને નવજીવન આપનાર અમદાવાદના કલેક્ટર તથા સમગ્ર અમદાવાદ જિલ્લાની વહીવટી ટીમને હર્ષ સંઘવીએ અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરે ભારતનું નાગરિકત્વ મેળવનારા 108 હિંદુઓને અભિનંદન પાઠવ્યા હતા તથા પાકિસ્તાનના નિર્વાસિત હિંદુઓને ભારતનું નાગરિકત્વ આપવા સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓના ચહેરા પર ભારતીય નાગરિકતા મળ્યાનો સંતોષ વર્તાતો હતો. આ અવસરે અમદાવાદના કલેકટર પ્રવીણા ડી.કે, અમદાવાદના સર્વે ધારાસભ્યો, સિંધ માયનોરિટી માયગ્રન્ટ્સ એસોસીએશનના પ્રમુખ અને સભ્યો તેમજ પ્રમાણપત્ર સ્વીકૃતિ કરનાર 108 લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ 1149 પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે. એના પરિણામે જ આજે તમે ભારતના નાગરિક બની શક્યા છો. વડાપ્રધાનના પ્રયાસોથી નિર્વાસિતોને ઝડપથી નાગરિકતા મળે, એ શક્ય બન્યું છે, એમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરોને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે.

આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના એક નાગરિક અમદાવાદમાં શરણાર્થી તરીકે આવ્યા હતા. તેઓ ENT સર્જન હતા, પરંતુ પાકિસ્તાનની ડીગ્રી ભારતમાં માન્ય નહિ હોવાથી તેઓ ગાંધી રોડ પર ચપ્પલ વેચતા હતા. જૂના વાડજના તુલસીનગરમાં કેટલાક દલિતો કરાચીથી આવીને અહીં વસ્યા છે. પાકિસ્તાનના હૈદરાબાદમાં એમબીબીએસ કરનાર ડોકટર ગણેશ કુમારનો પણ સમાવેશ થાય છે. તેઓ છેલ્લાં 10 વર્ષથી ભારતમાં વસે છે. તેમણે 2013માં પાકિસ્તાન છોડ્યું હતું. તેમની ફેમિલીના કેટલાક સભ્યો હજી પાકિસ્તાનમાં જ છે. પાકિસ્તાનમાં મોંઘવારી અને સલામતી સહિતના પ્રશ્નો છે. ડો. ગણેશ કુમારના સસરા પાકિસ્તાનમાં પોલીસ-ઇન્સ્પેક્ટર હતા. તેમને ઘરની બહાર બોલાવીને ગોળી મારી દેવાઈ હતી તેમજ તેમનાં કુટુંબીજનોને દેશ છોડવા ધમકી અપાઈ હતી. તેમણે કહ્યું હતું કે એ સમયે 30થી 33 લોકો એકથી બે મહિનાના સમયગાળામાં ભારત આવ્યા હતા, જેમાંથી કોઈ રાજકોટ ગયું તો કોઈ અમદાવાદ આવ્યું. મૂળ પાકિસ્તાનના નાગરિકે જયપાલ મહેશ્વરીએ જણાવ્યું હતું કે તેઓ 2009થી ભારતમાં છે. 2018માં તેમના ફુઆને પાકિસ્તાનમાં ગોળી મારી દેવાઈ હતી. તેમને ગોળી મરાઈ ત્યારે તેમની પાસે 2થી 3 લાખ રૂપિયા હતા. પાકિસ્તાનમાં લોટ 200 રૂપિયે કિલો છે. આજે ભારતીય નાગરિકતાનો તાજ અમારા માથા પર સજ્યો છે. ઉપરાંત સ્નેહાએ જણાવ્યું હતું કે તે છેલ્લાં 11 વર્ષથી પરિવાર સાથે ભારતમાં આવીને વસી છે. તે અત્યારે ધોરણ 11માં અભ્યાસ કરે છે. તેને એન્જિનિયર બનવું છે. તે પાંચ વર્ષની હતી ત્યારથી પાકિસ્તાન છોડ્યું છે. પાકિસ્તાનમાં છોકરીઓને આઝાદી નથી, ત્યાં છોકરીઓ બહાર નીકળી શકતી નથી.