સચિનનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, સચિન કરતા 54 ઇનિંગ્સ ઓછી રમીને મેજર માઈલસ્ટોન અચીવ કર્યો
આજે એશિયા કપ 2023ની સુપર-4 પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 114.29ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 94 બોલમાં અણનમ 122 રન બનાવ્યા છે. આ સાથે જ વિરાટ કોહલીએ વનડેમાં સૌથી ઝડપી 13 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. કોહલી પહેલાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને વનડેની 321 ઈનિંગમાં 13 હજાર રન પૂર્ણ કર્યા હતા. તો આજે કોહલીએ ધમાકેદાર બેટીંગ કરી સચિન તેંડુલકરનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ સચિન કરતાં 54 ઈનિંગ્સ ઓછીને રમીને આ રેકોર્ડ પોતાનાં નામે કર્યો છે. કોહલીએ આ કારનામું માત્ર 267 ઈનિંગમાં પૂર્ણ કર્યું છે.
કોહલીએ પોતાના વનડે કરિયરની 268મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ તે વનડેમાં સૌથી ઝડપી 13 હજાર રન કમ્પ્લીટ કરનાર બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે હતો. ઉલ્લેખનીય છે કે, સચિને 321મી ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકરે 16 માર્ચ 2004ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ રાવલપિંડી ખાતે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારે હવે 19 વર્ષ બાદ કોહલીએ સચિનનો આ રેકોર્ડ તોડ્યો છે, અને એ પણ પાકિસ્તાન સામે જ મેચ રમતી વખતે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે સુપર-4ની મેચ રમાઈ હતી, પરંતુ વરસાદના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી નહતી. જેથી આજે રિઝર્વ ડેના દિવસે રમત શરૂ થઈ હતી જેમાં લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનારા કેએલ રાહુલ અને ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બંનેએ સદી ફટકારી છે. રાહુલે 106 બોલ પર અણનમ 111 રન અને વિરાટ કોહલીએ 94 બોલ પર અણનમ 122 રન બનાવ્યા છે.