વરસાદને કારણે બળી રહેલા પાકને પુનઃ જીવનદાન મળ્યું છે. ડાગરની રોપણી કરેલ ખેડૂતોમાં ખુશીનો માહોલ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થઇ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે સારા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત સુરત અને નર્મદા, દાદરા અને નગર-હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉંચે ચઢ્યો હતો. હવામાન વિભાગની આગાહી બાદ છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં સમી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં આવેલા પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં જમાલપુર, નરોડા, નિકોલ, કુબેરનગર અને સરદારનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલ સાંજના અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના પાલડી, આશ્રમ રોડ, નવાવાડજ, વાડજ, સાબરમતી, ચાંદખેડા, ઉસ્માનપુરા, સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત સરખેજ, નારોલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. વરસાદી ઝાપટું પડવાના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.
સુરતમાં ગતરોજથી વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સુરતમાં અંદાજે 20 દિવસ બાદ ફરી મેઘરાજાની મહેર શરૂ થઈ છે. આજે સવારથી જ સમગ્ર શહેરમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ એક મીમી જેટલો હળવો વરસાદ પડ્યો છે. તહેવારની રજામાં વરસાદી માહોલના પગલે વાતાવરણ ખુશનુમા થઈ ગયું છે. આ ઉપરાંત સિદ્ધપુરમાં ભારે પવન સાથે મેઘરાજાએ રીએન્ટ્રી મારી હતી. તો બીજી તરફ સવારથી ડાંગ જિલ્લાના લગભગ ત્રણે તાલુકાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. તેમજ શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ઉપર કાળમીંઢ શીલા તથા માટીનો મલબો ધસી પડ્યો હતો.
ખેડા જિલ્લામાં પણ લાંબા સમયના વિરામ બાદ આજે સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. મહેમદાવાદ, હલધરવાસ જેવા વિસ્તારમાં મુસળધાર વરસાદ વરસ્યો છે. નડિયાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ અન્ય તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. સમી સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસતા નોકરીયાત વર્ગ સહિતને ઘરે જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહીસાગરના લુણાવાડામાં શુક્રવારે બાપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ નોકરિયાત વર્ગ અને કામ ધંધેથી પરત ઘરે જતા લોકોને રસ્તાઓ પર ઢીંચણ સમાં પાણી ભરાઈ જતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બુધવાર સાંજથી ડાંગમાં વરસાદે જોર પકડ્યું હતું. આજે વહેલી સવારથી ડાંગ જિલ્લાના લગભગ ત્રણે તાલુકાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. મૂશળધાર વરસાદના કારણે વઘઈ-આહવા રોડ પર ભવાનદગડ ગામે મહાકાય વૃક્ષ રસ્તા પર તુટી પડતાં વાહન વ્યવહાર બંધ થયો હતો. જ્યારે ડાંગનાં નીચાણવાળા કોઝવે તેમજ ડુબાઉ પુલ ઉપરથી પાણી ફરી વળતા વાહન ચાલકો થંભી ગયા હતા. આહવા સહિત સાપુતારા તેમજ તળેટી વિસ્તારમાં ગલકુંડ, શામગહાન તેમજ સુબીર અને વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. ગિરિમથક સપુતારામાં વરસાદના કારણે આલ્હાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. મુશળધાર વરસાદ થતાં સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો. ડાંગ જિલ્લામાં વરસી રહેલા એકધારા વરસાદને પગલે આજે શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ઉપર કાળમીંઢ શીલા તથા માટીનો મલબો ધસી પડ્યો હતો. સ્થાનિક વહીવટી તંત્રે યાતાયાત પ્રભાવિત થાય તે પહેલાં તરત જ આ મલબો હટાવવાની કવાયત હાથ ધરી છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.