ગૌરક્ષકો નાગરો ડમ્પિંગ સાઈટ પર વીજશોકથી મોતને ભેટેલી ગાયોને લઈને રજૂઆત કરવા ગયા હતા
કચ્છમાં ગૌરક્ષો દ્વારા ભૂજ નગર પાલિકાના પ્રમુખને થપ્પડ મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભૂજના નાગરો ડમ્પિંગ સાઈટ પર વીજશોક લાગવાથી કેટલીક ગાયોના મોત થયા હતાં. ભુજ નગરપાલિકા વિસ્તારમાં ગાયના મોત મામલે રજૂઆત કરવા આવેલા ગૌરક્ષકોમાંથી એક ગૌરક્ષકે ઉશ્કેરાઈને નગરપાલિકાના પ્રમુખ પર હુમલો કરતાં ચકચાર મચી છે. આશ્ચર્યની વાત એ છે કે રજૂઆત સમયે ત્રણથી ચાર પોલીસકર્મીની હાજરી હોવા છતાં હુમલાની ઘટના બની હતી. હુમલાની ઘટનાથી વ્યથિત થયેલા પ્રમુખ રડી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભૂજમાં નાગરો ડમ્પીંગ સાઈટ પર વીજશોક લાગતાં કેટલીક ગાયોના મોતને લઈને ગૌરક્ષકોની એક ટીમ ભુજ નગરપાલિકા પર રજૂઆત માટે પહોંચી હતી. ગૌરક્ષકોએ ઉગ્ર રીતે રજૂઆત કરી રહ્યા હોવા છતાં પ્રમુખ શાંતિથી તમામને સાંભળી રહ્યા હતા. અનેક વખત રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી નહીં થતાં આજે પણ પાલિકામાં રજૂઆત કરી હતી. આ સમયે પાલિકામાં પોલીસની અગાઉથી જ હાજરી હતી. ગૌરક્ષકો ઉગ્ર સ્વરે પાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરને રજૂઆત કરી રહ્યાં હતાં. આ સમયે અચાનક એક ગૌરક્ષક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પાલિકા પ્રમુખને પોલીસની હાજરીમાં જ થપ્પડ મારી દીધી હતી. ત્યાર બાદ પોલીસે તમામને બહાર કાઢ્યા હતાં. હુમલાની ઘટના બાદ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરના નિવાસસ્થાને રાજકીય અને સામાજિક અગ્રણીઓ સ્નેહીજનોની ભીડ ઊમટી પડી છે. આ વિશે ઘનશ્યામ ઠક્કરના પુત્ર વરુણ ઠક્કરે વકીલની સલાહ બાદ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી.
ભુજ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ ઘનશ્યામ ઠક્કર પર હુમલાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ઘટનાથી વ્યથિત થયેલા પ્રમુખ રડી પડ્યા હતા. ઘનશ્યામ ઠક્કરે કહ્યું હતું કે નાગોર ડમ્પિંગ સ્ટેશન પર કચરાના ઢગલા પર ગાયને શોટ લાગતાં મોત થયું હતું. આ દુઃખદ ઘટના હતી. આજે હું નગરપાલિકાથી નીકળી રહ્યો હતો ત્યારે 20 લોકો આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા એટલે હું બેસી ગયો હતો. જે લોકો હતા તેમણે મને ઘેરીને ગાળો આપી હતી. આવેદનપત્ર આપવા માટે પાંચને બોલાવ્યા હતા, પણ પંદર આવી ગયા હતા. આવેદનપત્ર આપતી સમયે વાત ચાલુ હતી ત્યારે એક છોકરાએ મારા પર હુમલો કરી દીધો. આ બનાવથી હું ખૂબ જ વ્યથિત છું. ગાય મરી છે એનું મને દુઃખ છે. મારી ટર્મના 7 દિવસ બાકી છે ત્યારે આ ઘટના બની. મેં શું ભૂલ કરી છે કે તમે મારા પર હુમલો કરો છો. પોલીસની હાજરીમાં તમે મને મારો છો. મારો વાંક શું?. જનસંઘ પરિવારમાંથી આવું છું. આ શહેરની ઘણીબધી સેવા કરી છે. આ ષડયંત્ર કરવાનું કારણ શું? જે લોકોએ આ કામ કર્યું છે તેને પરમાત્મા સદબુદ્ધિ આપે.