પીરાણા- પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદેસર ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ મામલે FSLની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. FSLની એક ટીમ આજે સવારે ઘટનાસ્થળે પહોંચી છે અને કેમિકલ ફેકટરીમાં કઈ રીતે બ્લાસ્ટ થયો અને ક્યાં ક્યાં કેમિકલ હતા તે અંગે તપાસ શરૂ કરી છે. ગઈકાલે FSLની ટીમે જે સેમ્પલ લીધાં હતાં તે કેમિકલ એટલાં જ્વલનશીલ હતાં જેને જે પ્લાસ્ટીકની બોટલ અને થેલીમાં લેવામાં આવ્યાં હતાં. તે થેલી અને બોટલ પણ ઓગળી ગઈ હતી. બાદમાં FSLની ટીમે કાચની બોટલો મંગાવીને સેમ્પલો લેવા પડ્યાં હતાં. સાથે જ સવારે બે જેસીબી મશીનોની મદદથી સમગ્ર કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. તેમજ ફેકટરી ચલાવનાર હિતેશ સુતરિયાની નારોલ પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.
ફેકટરી ચલાવનાર હિતેશ સુતરિયા નારોલ પોલીસ સ્ટેશનમાં
ઘટનાસ્થળે પોલીસબંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. સેકટર 2 જેસીપી ગૌતમ પરમારે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો, જેમાં હાઇડ્રોજન પેરોકસાઈડ અને ઇથેનોલ-મિથેનોલ જેવાં બેથી ત્રણ કેમિકલ વાપરી કેટાલિસ્ટ બનાવાતો હતો, જેમાં આ કેમિકલ વપરાતું હતું. ઘટના મામલે હાલમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવશે. કંપનીનું ગોડાઉન બિટુ ભરવાડ નામની વ્યક્તિનું છે અને હિતેશ સૂતરિયા નામની વ્યક્તિએ ભાડે રાખ્યું હતું. દસ્તાવેજી પુરાવા અને FSLના અભિપ્રાય બાદ આ મામલે ગુનો નોંધવામાં આવશે. કેમિકલ ક્યાંથી લાવતો હતો, એની પાસે લાઇસન્સ હતું કે કેમ તેમજ એને સ્ટોરેજ માટે કોઈ વ્યવસ્થા હતી કે કેમ, તમામ પાસા પર તપાસ કરી ગુનો નોંધી કાર્યવાહી થશે. હિતેશ સૂતરિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે.