સનાતન ધર્મની ટીકા કરનાર ઉદયનિધિની મુશ્કેલી વધી : 262 મોટી હસ્તીઓએ સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો

udhaynidhi

તમિલનાડુના CM એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મની ટીકા બાદ રોષ ભભુક્યો

14 જજ, 130 બ્યૂરોકેટ્સ, 118 નિવૃત્ત સૈન્ય અધિકારીઓએ SCને હસ્તક્ષેપ કરવા માંગ કરી

સનાતન ધર્મને બિમાર કહેનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ 262 વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટને ચિઠ્ઠી લખી છે. આ લોકોએ સુપ્રીમ કોર્ટને મામલામાં હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. આ 262 લોકોમાં 14 જજ, 130 બ્યૂરોકેટ્સ, 118 નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સામેલ છે. તેમણે સ્ટાલિન સામે કોઈ એક્શન ન લેવા મામલે તમિલનાડુ સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. દિલ્હી હાઈકોર્ટના જજ રહેલા એસ.એન.ઢીંગરા અને શિપિંગ સેક્રેટરી ગોપાલ કૃષ્ણએ પત્ર લખવાની પહેલ શરૂ કરી હતી. તેમણે કોર્ટને ઉદયનિધિ સ્ટાલિનના નફરતભર્યા ભાષણના પ્રચારને રોકવા, જાહેર શાંતિ જાળવવા અને વ્યવસ્થા સંભાળવા માટે વિચાર કરવાની માંગ પણ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, ઉદયનિધિ સ્ટાલિને ભારતમાં એક મોટા વર્ગ વિરુદ્ધ નફરત ફેલાવતું ભાષણ આપ્યું છે. ભારત બંધારણમાં ધર્મનિરપેક્ષ દેશ છે, તેથી આ નિવેદન સીધું બંધારણ વિરુદ્ધ છે. ઉપરાંત પત્રમાં જણાવાયું છે કે, તમિલનાડુ સરકારે સ્ટાલિન વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, જે કાયદાનું ઉલ્લંઘન છે. પત્રમાં અગાઉના સુપ્રીમ કોર્ટના એક નિર્ણયને ટાંકીને જણાવાયું છે કે, ‘2021માં સુપ્રીમ કોર્ટે નફરત ફેલાવતા ભાષણો અથવા નિવેદનો પર રાજ્ય સરકારોને તુરંત કાર્યવાહી કરવાનો ઓર્ડર આપ્યો હતો.’ તેથી તમિલનાડુ સરકારે કાર્યવાહી કરવામાં મોડુ કર્યું, જે સુપ્રીમ કોર્ટનું અપમાન છે. ઉદયનિધિએ 2 સપ્ટેમ્બરના રોજ ભાષણ દરમિયાન સનાતન ધર્મની તુલના ડેન્ગૂ, મેલેરિયા અને કોરોના સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મચ્છર, ડેન્ગૂ, ફીવર, મલેરિયા અને કોરોના, આ એવી વસ્તુઓ છે, જેનો વિરોધ કરી શકાતો નથી પરંતુ તેને ખતમ કરવું જરૂરી છે.’

ઉદયનિદિએ રવિવારે સાંજે કહ્યું હતું કે, હું ફરી કહી રહ્યો છું કે, મેં માત્ર સનાતન ધર્મની ટીકા કરી છે અને સનાતન ધર્મ સમાપ્ત કરી દેવો જોઈએ. આ વાત હું સતત કહીશ. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ઉદયનિધિના નિવેદન અંગે કહ્યું કે, કોંગ્રેસનું વિઝન ખૂબ જ સ્પષ્ટ છે – તમામ ધર્મોની સમાનતા. અમે દરેકની માન્યતાઓને માન આપીએ છીએ, પરંતુ તમારે સમજવું પડશે કે તમામ રાજકીય પક્ષોને તેમના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. ઉદયનિધિના નિવેદન સામે ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયાએ કહ્યું હતું કે, ઉદયનિધિ સ્ટાલિને દેશની 80 ટકા વસતીના નરસંહારનું આહ્વાન કર્યું છે. જોકે તેના જવાબમાં ઉદયનિધિએ કહ્યું કે, મેં કોઈ નરસંહારની વાત કરી નથી. હું મારા નિવેદન પર કાયમ છું. હું ફક્ત હાંશિયામાં ધકેલાયેલા અને નાતન ધર્મને કારણે પીડિત સમુદાયો તરફથી વાત કરી રહ્યો છું.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ ચોતરફ હંગામો જોવા મળી રહ્યો છે. સ્ટાલિનના નિવેદન અંગે ઘણા નેતાઓ તેમની પ્રતિક્રિયા આપી ચુક્યા છે, ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, હું પણ સનાતન ધર્મથી આવું છું. આપણે બીજાના ધર્મનું સન્માન કરવું જોઈએ. બીજાના ધર્મ અંગે બોલવું ખોટું છે. અગાઉ દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ સ્ટાલિનના નિવેદન અંગે કેજરીવાલને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સચદેવાએ કેજરીવાલને કહ્યું હતું કે, તેઓ તેમના ગઠબંધનના પાર્ટનરની વાત પર નિવેદન આપે… સચદેવાએ કહ્યું હતું કે, કેજરીવાલનું મૌન દિલ્હીના લાખો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યો છે. ત્યારે સચદેવાના આક્ષેપોનો અરવિંદ કેજરીવાલે જવાબ આપ્યો છે.