આવતી કાલે સૂર્યોદય પહેલા વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે : વડતાલનાં મુખ્ય કોઠારી

મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ઈસરો સામે આવેલા શિવાનંદ આશ્રમમાં વડતાલ સંપ્રદાયના સંતોની વીએચપી કાર્યકરો અને સનાતન ધર્મનાં સાધુ-સંતો સાથે બેઠક પૂર્ણ

સનાતન ધર્મના સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોની બેઠકમાં નિર્ણય, સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો

બોટાદનાં સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણનાં દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રો મામલે છેલ્લા કેટલાય દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. સનાતનધર્મનાં લોકો સાધું-સંતો તેમજ ભાવિક ભક્તોમાં આ મામલે ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક સંગઠનોએ આ મામલે વિરોધ કર્યો છે ત્યારે હવે આ વિવાદાસ્પદ મામલો હવે સરકાર સુધી પહોંચ્યો છે. આજ રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને સ્વામિનારાયણ સંતો સાથે બેઠક યોજાઈ હતી. બંધબારણે થયેલી આ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સમાધાનની ફોર્મ્યુલા તૈયાર કરી દેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. આ બેઠક બાદ વડતાલનાં મુખ્ય કોઠારીએ આવતી કાલે સૂર્યોદય પહેલા સાળંગપુરમાં ભીંતચિત્રો હટાવવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં સંતોએ વિવાદ ન વધે તેવી વાત પણ કરી હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

વડતાલ સંપ્રદાયના સંતોએ સરકાર સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, હનુમાનજી મહરાજ સ્વામિનારાયણ ના કુળ દેવતા છે. હનુમાનજી પ્રત્યે અતુટ શ્રદ્ધા છે એટલે જ આટલી મોટી મૂર્તિની સ્થાપના કરી છે. અમે આશ્વાસન આપવા માગીએ છીએ કે અમે હિન્દુ ધર્મને નુકસાન નહીં થવા દઈએ.

ગાંધીનગર સીએમ નિવાસસ્થાને બેઠક પૂર્ણ કર્યા બાદ વડતાલ સંપ્રદાયના સંતોની હાલ ઈસરો સામે આવેલા શિવાનંદ આશ્રમ ખાતે VHP કાર્યકરો અને સનાતન ધર્મનાં સાધુ-સંતો સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં VHPમાંથી અશોક રાવલ અને અશ્વિન પટેલ, કલ્યાણરાયજી મહારાજ મંદિરના શષ્ટગૃહ યુવરાજ શરણમ કુમારજી, ઝુંડાલ સ્વામિનારાયણ સંપ્રદાયના પુરુષોત્તમચરણ શાસ્ત્રી, SGVPના બાલઅગમ સ્વામી, સનાતન ધર્મના સંતમાંથી ચૈતન્યશંભુ અને પરમાત્માનંદજી મહારાજ હાજર રહ્યા હતા. કેટલાક સાધુ-સંતો મોબાઈલથી લાઈવ પણ જોડાયા હતા. બે કલાકની આ બેઠક બાદ વડતાલ સંપ્રદાયના સંતો દ્વારા સરકારને બાંયધરી આપવામાં આવી છે કે, હિન્દુ ધર્મને નુકસાન નહીં થવા દેવાય. 36 કલાકમાં ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે. વિવાદનો સુખદ અંત આવવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.

વડતાલ પીઠાધીશ્વર આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વડીલ સંતોએ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ આપ્યો છે કે કોઈએ વિવાદાસ્પદ વાણીવિલાસ કરવો નહીં. વિશ્વ હિન્દુ પરિષદના સંતોના ચરણોમાં તથા હિન્દુ સમાજને પ્રાર્થના કરે છે કે આ વિવાદનો પૂર્ણ ઉકેલ લાવવા માટે સક્રીય પહેલ થયેલી છે. તેથી સૌ કોઈ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરે.

ઉલ્લેખની છે કે સાળંગપુર મંદિર ભીંતચિત્રોના વિવાદને લઇ સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટા ભાગના સાધુ-સંતો હાજર રહ્યા હતા. સાધુ-સંતો અને હિન્દુ સંગઠન ભેગાં થઈ તમામ વ્યૂહરચના બનાવી છે, જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કેટલાક નિર્ણય લીધા છે. એમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સનાતન સંતોએ બહિષ્કાર કર્યો હતો. લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના તમામ હોદ્દા પરથી નૌતમ સ્વામીને દૂર કરવામાં આવ્યા છે. સાળંગપુરમાં વિરોધ થયો, જેને અમે બિરદાવીએ છીએ. સંતો દરેક રીતે લડવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

સાણંદના લંબેનારાયણ આશ્રમ ખાતે સાળંગપુર મંદિર ભીંતચિત્રોના વિવાદને લઇ ડો. જ્યોતિરનાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર પુસ્તકોથી લઈ વિવિધ જગ્યાએ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે, ત્યારે આ ઠરાવોને પસાર કરી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવ્યો હતો.

બેઠકમાં પસાર કરવામાં આવ્યા છે તે ઠરાવો :

  • ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હનુમાન દાદા અને સનાતન ધર્મનાં દેવી-દેવતાનું અપમાન કરી ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે, જેની સરકારે નોંધ લઈને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન આપવામાં આવે.
  • સનાતન ધર્મના કોઈપણ સાધુ-સંતો આજથી સ્વામિનારાયણ મંદિરનો બહિષ્કાર કરી, સંતોને આવકારીશું નહીં અને તેમના આમંત્રણને સ્વીકારશું નહીં કે આપીશું પણ નહીં.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોએ કોઈપણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનાં નામ લેવાં નહીં.
  • ભારત સરકાર દ્વારા સનાતન ધર્મનાં પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહી થાય એવો કાયદો સંસદમાં પસાર કરવામાં આવે.
  • સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજો કરેલો હોય એ જગ્યા ખાલી કરી સરકારને પરત કરવી
  • સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મનાં શાસ્ત્રો, જેવા કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન, રામચરિત માનસ અને યજ્ઞ કર્મકાંડ ન કરવું.
  • સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણના સંતો સાચા છે, એવું સનાતન ધર્મની લાઈન ભૂસીને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવામાં આવે નહીં.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો ગજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટ દેવ માનતા હોય છે. સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓનું સ્થાપન કરવું નહીં.
  • સ્વામિનારાયણ સંપ્રદાયનાં શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મનાં હિન્દુ દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય એ ભાગને કાયમી દૂર કરવામાં આવે.
  • સ્વામિનારાયણ સંપ્રદાયમાં, જ્યાં પણ સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ સહજાનંદ સ્વામીને સર્વોપરિ હતાં, તેથી ભીંતચિત્રો અને ઔદીચ્ય ભંગને તાત્કાલિક હમેશાં માટે દૂર કરવાં.
  • સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો તેમનાં તાત્કાલિક રાજીનામાં લેવાં.
  • સનાતન ધર્મની કોઈપણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનોએ સ્ટેજ જ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું.
  • સમગ્ર ભારતમાં સંત સમાજ દ્વારા અને સનાતન ધર્મના નિવૃત્ત નાગરિકો દ્વારા ઉચ્ચ ન્યાય આપવો.