હનુમાનજીનાં ભીંતચિત્રોને લઇ ઠેર ઠેર લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે
છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાતો મુદ્દો એકમાત્ર સાળંગપુર મંદિરનો છે, જ્યાં હનુમાનજી મહારાજનાં કેટલાંક ભીંતચિત્રોને લઇ વિવાદ સર્જાયો છે. એને કારણે ઠેર ઠેર લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ આ મામલે નિવેદન આપી ભીંતચિત્રો હટાવવાં જોઈએ તેવી માગ કરી છે.
ત્યારે હવે રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ આ મામલે મેદાને આવીને ભીંતચિત્રો હટાવવા માગ કરી છે. રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, મંદિરનો પુજારી હોય તો તેને પુજારી તરીકે રહેવાય એ એમ કહે કે હું ભગવાન છું તે ન ચાલે. વડોદરામાંથી સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.જ્યોતિર્નાથ બાબા કહ્યું કે, આવતીકાલે એક બેઠક સંતોની થવા જઈ રહી છે અને ત્યાર પછી નક્કી કરાશે તેની ઉપર આગળની કાર્યવાહી. તો બીજી તરફ સુરતથી પણ કરણી સેનાએ અલ્ટીમેટમ આપ્યું અને જો આ ચિત્રો હટાવવામાં નહીં આવે તો ધર્મયુદ્ધ છેડશે અને પરિણામ સારું નહીં આવે તેવા નિવેદનો સામે આવી રહ્યા છે.
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું મારૂતિનંદનનો ભગત છું, તેનું સન્માન જાળવવું જોઇએ. કોઈ મંદિરનો પુજારી હોય તો તેને પુજારી તરીકે રહેવાય એ એમ કહે કે હું ભગવાન છું તો તે ન ચાલે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે તો આ ભીંતચિત્રો દૂર કરવા જોઈએ તેવું મારું માનવું છે. શંકરાચાર્યથી કોઇ મોટું નથી તેની અપીલ સૌ લોકોએ માનવી જોઈએ. હિન્દુ સમાજમાં ભાગ પડે અને અન્ય લોકોને તેનો લાભ થાય તેવું ન કરવું જોઇએ.
આ સંદર્ભે કરણી સેનાના આગેવાન જેનીસ કાતરીયા એ જણાવ્યું કે, 4 સપ્ટેમ્બર સુધીમાં વિવાદિત પ્રતિમા અને ચલચિત્રો દૂર નહીં કરવામાં આવે તો કરણી સેનાના કાર્યકરો દ્વારા સાળંગપુર ખાતે કુચ કરવામાં આવશે. છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા આ વિવાદને પગલે હજારો શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. આગામી 4થી સપ્ટેમ્બર સુધી જો આ વિવાદાસ્પદ ભીંતચિત્રો દૂ૨ ક૨વામાં નહીં આવે તો મોટી સંખ્યામાં સાધુ-સંતો સહિત કરણી સેનાના કાર્યકરો સાળંગપુર પહોંચશે અને ભારે હલ્લાબોલ કરશે. જેનું પરિણામ સારું આવશે નહીં અને આ સાથે ત્યાં ધર્મયુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થશે. જેને લઇ ધર્મનું યુદ્ધ ન થાય તે પ્રકારે આગ્રહ કર્યો હતો.