સાળંગપુરમાં સ્વામી-ભક્તો વચ્ચે ચકમક જરી, પોલીસનાં ધાડાં ઉતારાયાં, ભીંતચિત્રો નજીક બેરિકેડ્સ લગાવાયાં

sarangpur

હનુમાનજી કોઈના દાસ નથી પરંતુ સનાતન ધર્મના બાપ છે : VHP

સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મામલે પરીસરમાં મીડિયા પર પ્રતિબંધ

કહો છો “કિંગ ઑફ સાળંગપુર” અને એજ કિંગને દાસ બતાવો છો : મહંત વિજયદાસજી

ધર્મની સાથે ચેડા થઇ રહ્યા છે તેને હિન્દુ સમાજ ક્યારેય સાખી નહિ લે

બોટાદ સાળંગપુરમાં હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રોનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. બજરંગબલીને દાસ તરીકે દર્શાવ્યા બાદ ભક્તોમાં ગુસ્સો અને રોષ આગની જેમ ફેલાઈ રહ્યો છે. પોતાની આસ્થાને ઠેંસ પહોંચતાં સમગ્ર ગુજરાતમાંથી ભક્તો સાળંગપુર આવીને રોષ વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લાં બે દિવસની તુલનાએ આજ સવારથી જ ભક્તોનો વધુ અવિરત પ્રવાહ ચાલુ છે. જ્યાં વિવાદાસ્પદ ભીંતચિત્રો લગાવવામાં આવ્યાં છે તે જગ્યા પાસે ગઈકાલ સુધી લોકોને જવા દેવામાં આવતા હતા, પરંતુ આજે તે જગ્યા પર બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યાં હતાં. દાદાની મૂર્તિ પાસે આજે પોલીસનાં ધાડાં હતાં. અંદાજે 15થી 20 પોલીસકર્મીઓનો કાફલો ઉતારી દેવાયો છે. એટલું જ નહીં, વિવાદાસ્પદ ભીંતચિત્રો પર જે પીળું કપડું લગાવી દેવામાં આવ્યું હતું એને પણ દૂર કરી દેવાયું છે.

સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ મામલે મંદિર પરીસરમાં મંદિર પ્રસાસન દ્વારા મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મીડિયામાં સતત સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ દર્શાવવામાં આવતા મીડિયા પર રોક લગાવવામાં આવી રહી છે. મંદિર પરીસરમાં વીડિયો કે બાઈટ નહિ કરવા મંદિર પ્રસાસન દ્વારા મીડિયાને કહેતા મીડિયા કર્મીઓમાં રોષ ફેલાયો છે. હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોને કારણે હિંદુ સાધુ-સંતો નારાજ છે. વિરોધ કરનારા સાધુ-સંતોએ આ શિલ્પચિત્રો દૂર કરવાની પણ માગ કરી છે.

સવારે 11 વાગ્યે ગુજરાતભરમાંથી આવેલા 100થી વધુ લોકો સાળંગપુર મંદિરના કોઠારી સ્વામીની ઓફિસ પર ધસી આવ્યા હતા. જ્યાં મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી ઉપસ્થિત નહોતા. આથી લોકોએ ત્યાં હાજર સ્વામીને રજૂઆત કરી હતી. સ્વામીએ પોતાના બચાવમાં શાસ્ત્રોનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી હાજર લોકોને સંતોષ થયો નહોતો. આમાં વાતચીત ઉગ્ર બનતા સ્વામીએ મોટા અવાજે લોકોને જતા રહેવા કહેતા હાજર લોકોમાં ગુસ્સે થયા હતા. અમુક લોકો તો સ્વામી તરફ ધરી ગયા હતા. જો કે હાજર પોલીસે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.

વિવિધ હિન્દુ સંગઠનો સાળંગપુર હનુમાનજી મંદિર પહોંચ્યા છે. જેમાં વડતાલના નૌતમ સ્વામીએ આપેલ નિવેદનને વખોડ્યું છે. તથા VHPએ જણાવ્યું છે કે ધર્મની સાથે ચેડા થઇ રહ્યા છે. હિન્દુ સમાજ ક્યારેય સાંખી નહીં લે. લોકોની માંગ સાથે નૌતમ સ્વામીએ રહેવું જોઈએ. હનુમાનજી કોઈના દાસ નથી પરંતુ સનાતન ધર્મના બાપ છે. કોઈપણ સંજોગોમાં આ ભીંતચિત્રોને હટાવીને જ રહેશું. વડતાલના નૌતમ સ્વામીએ આપેલ નિવેદનને હિન્દુ સંગઠનના આગેવાઓએ સખ્ત શબ્દોમાં વખોડીયું છે. તેમજ ધર્મની સાથે ચેડા થઇ રહ્યા છે તેને હિન્દુ સમાજ ક્યારેય સાખી નહિ લે. હિન્દુ સંગઠનના આગેવાનો સાળંગપુર મળવા પહોંચ્યા ત્યારે મંદિર પ્રસાશન દ્વારા તલ્લા ગલ્લા બતાવવામાં આવ્યા છે. કોર્ટ કચેરી કરતા લોકશાહી છે અને લોકોની જે માંગ છે તેની સાથે નૌતમ સ્વામીએ રહેવું જોઈએ તેમ VHP પ્રમુખ સતુભાઈ ધાધલે જણાવ્યું છે. સંત સમિતિમાંથી સનાતન ધર્મના ધર્મ ગુરુઓએ રાજીનામુ આપવું જોઈએ તેવી હિન્દુ સંગઠનોએ માંગ કરી છે. તેમજ બોટાદ જિલ્લાના VHP પ્રમુખે જણાવ્યું છે કે હનુમાજી મહારાજ કોઈના દાસ નથી પરંતુ સનાતન ધર્મના બાપ છે જેથી કોઈપણ સંજોગોમાં આ ભીંતચિત્રોને હટાવીને જ રહીશું.

ડાકોર દંડી આશ્રમના મહંતે પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયે ભીંતચિત્રો હટાવવા જોઈએ. આનાથી આખા વિશ્વમાં ખોટો મેસેજ ગયો છે તેમ વિજયદાસજીએ જણાવ્યું છે. સરકારને મધ્યસ્થી બનાવીને યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. ડાકોર દંડી આશ્રમના મહંત શ્રી વિજયદાસજી મહારાજે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે કહો છો “કિંગ ઑફ સાળંગપુર” અને એજ કિંગને દાસ બતાવો છો. કયા ધર્મશાસ્ત્રમાં લખ્યુ છે કે હનુમાનજીએ આવી રીતે દાસત્વપણુ આપનાવ્યુ હતુ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પ્રાર્થના કે ભીંતચિત્રો હટાવવા જોઈએ. આનાથી આખા વિશ્વમા ખોટો મેસેજ ગયો છે. સ્વામિનારાયણ ભગવાનની સેવા હનુમાનજીએ કરી છે તે વાત તદ્દન ખોટી છે.

રાજકોટથી આવેલા ભગવા ગ્રુપના સભ્ય અને દશનામ સેવા ગ્રુપના સેવક કૈલાશગીરી મનસુખગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે સાળંગપુર હનુમાનના ચિત્રનો જે વિવાદ થયો છે એ બાબતે અમે અધિકૃત વ્યક્તિને મળવા અહીં આવ્યા છીએ. તેમનું શું કહેવું છે અને હકીકત શું છે એ જાણવા માટે આવ્યા છીએ. આપણો દેશ લોકતાંત્રિક દેશ છે. બધા પોત પોતાની મેન્ટાલિટી પ્રમાણે કામ કરતા હોય છે. અમારા હિન્દુ સમાજને જે તકલીફ પડી છે એ માટે સાળંગપુર મંદિર ટ્ર્રસ્ટ શું કહેવા માંગે છે એ જાણવા માટે અમે આવ્યા છીએ. તેમણે કહ્યું, સનાતન ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે હનુમાનજી મહારાજ એ રુદ્રનો 11મો અવતાર છે. શિવનો અંશ ગણાય છે. અત્યારના બની બેઠેલા તકસાધુઓ એને પોતાના ચરણોમાં નમાવવા માંગે છે. તો એ વસ્તુ વાજબી નથી. જો રજૂઆત બાદ પણ નિવેડો નહીં આવે તો આંદોલન પણ કરીશું અને ઉપવાસ આંદોલન પર પણ ઉતરીશું. પરંતુ અમે એવું ઈચ્છીએ છીએ કે બને એટલો આનો સુખદ અંત આવે. બની બેઠેલા સાધુઓ પોતાનો રોટલો શેકવા માટે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરે છે. અમે વિનંતી કરીએ છીએ આ બંધ કરી દો અને બધાને એક લાકડીએ ન હાંકો. શિવ આદીકાળથી ચાલ્યા આવે છે. એ બાપનો પણ બાપ છે. એ આખી દુનિયાનો દાદો છે. એના અપમાન કરતાં અવારનવાર વીડિયો આવે છે તો મહેરબાની કરીને આ બંધ કરો. અમારા કહેવાથી જો સમગ્ર દુનિયાનું સારું થતું હોય તો અમે તેમને વંદન કરવા પણ તૈયાર છીએ. નહીંતર અમારી પાસે બીજા પણ રસ્તા છે. આ ચિત્રો છે એ શા માટે મૂકવામાં આવ્યા છે? એ ચિત્રો તથ્યહીન છે એટલે વહેલી તકે તેને હટાવો. અવારનવાર જે કોઈ સંપ્રદાય વિવાદમાં આવતા હોય એ ન આવે. સનાતન અને હિન્દુ સમાજ એક જ છે અને બધા એક થઈને રહે એટલી અમારી અરજ છે. સમાધાન નહીં મળે તો આનાથી વધુ લોકોને લઈને પાછા આવીશું. સમગ્ર હિન્દુ સમાજ અમારી સાથે છે.

રાજકોટના શિવકથાકાર અને ગોપનાથ મહારાજ મંદિરમાં સેવા બજાવતા ગૌસ્વામી બાપુએ કહ્યું, આ મૂર્તિની નીચે હનુમાનજીને નીચે નમાવીને જે બતાવવામાં આવ્યા છે, તેને હટાવવા માટેની રજૂઆત કરવા અમે સાળંગપુર આવ્યા છીએ. પણ છતા તેનો અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. વધુમાં બાપુએ કહ્યું, મંદિરના લોકો એમ કહે છે કે અમારા મોટા સ્વામી છે એ મિટિંગમાં છે એ આવશે અને એ જે કહેશે એ પ્રમાણે અમે તમને જવાબ આપીશું. અમે અત્યારે તો ખાલી જાણ કરવા માટે જ આવ્યા હતા. હજી તો જુનાગઢ, કાશી અને અયોધ્યામાં અમારા ઘણા દશનામી સમાજના જેને નાગા સાધુઓ કહેવાય છે, જેને વસ્ત્રોની જરૂર ન પડે અને દિશા જેના વસ્ત્રો બની જાય એ નાગા સાધુઓને લઈને અમે અહીં ધામા નાંખીશું. અમે અમારો ન્યાય લઈને ઝંપીશું. ભોળાનાથ તો આદિ-અનાદિ છે. ભોળાનાથ ક્યાં અને તમારા સ્વામી ક્યાં? આ વસ્તુ તો અમે સહન કરીશું જ નહીં. સનાતન ધર્મ માટે કાયા કુરબાન કરવા પણ તૈયાર છીએ.

લીંબડીના વસ્તડી ગામના રહેવાસી અને હાલ રાજકોટમાં વસવાટ કરતાં કીર્તિદાન જેઠારાજે કહ્યું, ‘મેં આમ તો અંધશ્રધ્ધાના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અનેક ખોટા ભુવાઓનો વિરોધ કર્યો છે. અહીં પણ આવો જ મુદ્દો છે. વારંવાર અમારા દેવી-દેવતાઓ પર ટિપ્પણી કરવામાં આવે છે. 242 વર્ષ પહેલાના તમારા સ્વામી આગળ તમે હનુમાન મહારાજને નતમસ્તક દેખાડો છો તો આ બાબતે અમારે જાણવું છે. તમારા એવા કયા ધર્મગ્રંથોમાં કે ઈતિહાસના પાનામાં લખ્યું છે કે તમે ડાયરેક્ટ અમને ટાર્ગેટ કરો છો.’ વધુમાં તેમણે કહ્યું, ‘હનુમાનએ મહાસત્તા છે. અમારા બચુભાઈ ગઢવી કહેતા કે આ મહાસત્તા સામે ઉભી હોય તે દિવસે આપણી સામે કોઈ ન હોય. ભલે પૈસાનો પાવર હોય કે પછી પોલિટિક પાવર હોય. મને એટલી ખબર છે કે અમારી સાથે અમારો નાથ હોય, અમારી સાથે અમારો બાપ હોય તો સામે ગમે તેવી સત્તા કેમ ન હોય પણ લડી લેવાની તેવડ છે. મને તો એવું લાગે છે કે સ્વામીનારાયણ સંપ્રદાયે હનુમાનજીને મથાળું બનાવ્યું છે. તેમને લાગે છે કે હનુમાનજીને પકડી લઈએ તો તેમનું કાર્ય સરળ થઈ જાય. મારે કોઈની માફી મંગાવી જ નથી. એક ચારણ તરીકે તો હું ત્યાં સુધી કહું છું કે અમારે માફી જોઈતી નથી અને માફી આપવી પણ નથી. અમારો મુદ્દો એટલો જ છે કે ઈતિહાસના પાને તમે દેખાડો કે ક્યાં અમારા દાદા નતમસ્તક થયા હતા. ક્યાં અમારા મહાદેવ નતમસ્તક થયા હતા. ક્યાં અમારા બ્રહ્મા-વિષ્ણુ તણાયા હતા. આ બાબત અમારે જોવી છે.’

મહેસાણાના કડીના નેહલબેન પટેલે કહ્યું, ‘હું તો સાળંગપુર પહેલી વાર જ આવી છું. પણ ખરેખર આવી તકતીઓ ના હોવી જોઈએ. હનુમાન ભગવાન રામ ભગવાન સિવાય કોઈને નમ્યા નથી. આ તકતીઓ કાઢી નાખવી જોઈએ.’

મૂળ પોરબંદરના અને હાલ વડોદરા રહેતા ભાવિનભાઈ વાઘે કહ્યું કે અમારા હ્રદયની લાગણી દુભાઈ છે. આ બીજી-ત્રીજી વખત બન્યું છે. બે વખત માફ કર્યા. એથી તેઓને લાગે છે કે આતો કોઈ કંઈ બોલતું નથી. એટલે તેમણે ત્રીજી વાર હનુમાનજીને નીચા બતાવ્યા. આવડી મોટી હનુમાનજીની મૂર્તિ બનાવી, પછી તેની નીચે આવું સામાન્ય ચિત્ર મૂકી દીધું એટલે મૂર્તિની વેલ્યુ ઓછી કરી નાખી. સ્વામિનારાયણનો વધુને વધુ 300 વર્ષનો ઈતિહાસ છે, પણ હનુમાનનો ઈતિહાસ ક્યારથી છે? એ સ્વામીઓ જે બધા વિધાર્થીઓને ભણાવે છે તો એમને શિક્ષણ શું આપશે? આવું જ કહેશે ને કે હનુમાન નાના અને નીલકંઠવર્ણી મોટા? અમારા અનેક હિન્દુ ભાઈ-બહેનોને લાગણી દુભાઈ છે. અમારી એટલી જ માંગણી છે કે ચિત્રો દૂર કરવામાં આવે અને સનાતન ધર્મની માફી માગે. તેમજ તેમની શિક્ષાપત્રી અને શાસ્ત્રોમાં આવું ક્યાં લખ્યું છે એ અમને દેખાડે. તેઓ એટલું યાદ રાખે કે અમારા સનાતન ધર્મ સામે એક આંગળી ચિંધશે તો ત્રણ આંગણી તમારા તરફ છે.

અન્ય સમાચાર માટે નીચે આપેલી લીંક ઉપર ક્લીક કરો.