સૌર મિશન Aditya-L1 આવતી કાલે એટલે કે 2 સપ્ટેમ્બરે સવારે 11:50 વાગ્યે લોન્ચ કરાશે
ઈસરોનું ચંદ્રયાન સફળ થયા બાદ હવે સૂર્ય પર જવા માટેનું નવું મિશન Aditya-L1 સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈસરો સૂર્યનો અભ્યાસ કરવા માટે 2 સપ્ટેમ્બરે સવારે 11:50 વાગ્યે એનું સૌર મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. એનું નામ Aditya-L1 રાખવામાં આવ્યું છે. Aditya-L1 લોન્ચિંગ માટે તૈયાર છે. લોન્ચની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. Aditya-L1ને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્પેસ પોર્ટ પરથી લોન્ચ કરવામાં આવશે.
ભારતના પ્રથમ સૌર મિશન Aditya-L1ના લોન્ચિંગ પહેલા ઈસરોના વૈજ્ઞાનિકોએ Aditya-L1ના નાના મોડલ સાથે આંધ્રપ્રદેશના તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન વેંકટેશ્વરની પૂજા-અર્ચનાં કરી દર્શન કરીને તેમનાં આશીર્વાદ માગ્યા હતા. તેમણે આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી.
જો બધું બરાબર રહ્યું તો Aditya-L1 શનિવારે એટલે કે 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. Aditya-L1 અવકાશયાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર આવેલા L1 (લેગ્રેન્જિયન પોઈન્ટ) પર સૌર કોરોનાના દૂરસ્થ અવલોકનો અને સૌર પવનના સીટુ અવલોક કરશે. ઈસરોના વૈજ્ઞાનિકો માટે કોઈ મોટા મિશન પહેલા પ્રખ્યાત પહાડી મંદિરમાં પ્રાર્થના કરવા જવીએ સામાન્ય પ્રથા છે. જુલાઈમાં તેમણે ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પહેલા પણ મંદિરમાં પ્રાર્થના કરી હતી.
SAC-ISRO અમદાવાદના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈએ જણાવ્યું કે, ”આદિત્ય L1 ભારતનું પ્રથમ ઓબસેરવટોરી-ક્લાસ સ્પેસ બેઝ્ડ સૌર મિશન છે. આ પહેલાં અમે ભાસ્કર નામનું સેટેલાઇટ લોન્ચ કરી ચૂક્યા છીએ એટલે આ વખતે આદિત્ય નામ પસંદ કર્યું છે. જે સૂર્યના 12 નામ પૈકી એક નામ છે. આગામી 2 સપ્ટેમ્બરે આદિત્ય L1 લોન્ચ કર્યા બાદ તે સૂર્યના L1 પોઈન્ટ સુધી પહોંચવામાં ચાર મહિના જેટલો સમય લેશે એટલે કે 147 દિવસનો સમય લાગશે. આદિત્ય L1માં 590 કિલો પ્રોપલ્શન ફ્યૂલ અને 890 કિલો બીજી સિસ્ટમ છે આમ કુલ વજન 1480 કિલો છે. આ સૂર્ય મિશનમાં ડેટા અને ટેલીમેટ્રી જેવા કમાન્ડ માટે યુરોપિયન, અમેરિકન, સ્પેનિશ અને ઓસ્ટ્રેલિયાની સ્પેશ એજન્સીનો સપોર્ટ લીધો છે.”