સ્કૂલોની ઓનલાઈન પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ ટેકસ્ટબુક લઈને બેસી જતા હોવા સહિતની ગેરરીતિ કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. કેટલાક કિસ્સામાં તો વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાઈ જતાં માતા-પિતાએ ઠપકો આપવો પડે છે કે હાથ ઉગામવો પડે છે. આ સંજોગોમાં પરિણામ એ આવે છે કે, બાળકો રિસાઈને એકાદ ટંક ખાવાનું તરછોડે છે અથવા તેમનો સ્વભાવ ચીડિયો બની જાય છે. આ ઉપરાંત બાળક એકાકી બની જાય છે. મનોચિકિત્સકોનું કહેવું છે કે, બાળકની ઓનલાઈન એક્ટિવિટી પર માતા-પિતાની નજર હોવી અત્યંત જરૂરી છે.
માતા-પિતા ઉશ્કેરાઈને હાથ ઉપાડે તો બાળકના માનસ પર વિપરીત અસર પડે છે
કિસ્સો –1: જવાબ જાણતો ન હોવા છતાં વધુ માર્ક
એક સ્કૂલે લીધેલી ધો.11ની ઓનલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીએ વધુ માર્ક મેળવતાં શિક્ષકે વીડિયો કોલ પર પ્રશ્નો પૂછ્યા હતા પણ વિદ્યાર્થી જવાબ આપી શક્યો ન હતો. અંતે શિક્ષકે વાલીને ફરિયાદ કરતાં વાલીએ હાથ ઉપાડ્યો હતો. શિક્ષક સામે ઓનલાઈન થયેલા અપમાનથી વિદ્યાર્થી ગુમસુમ રહેવા લાગ્યો હતો. અંતે વાલીએ તેને મનોચિકિત્સક પાસે લઇ જવાની ફરજ પડી હતી.
કિસ્સો –2: બે વિદ્યાર્થિનીએ ફોનમાંથી ચોરી કરી
ઓનલાઇન પરીક્ષા દરમિયાન લેપટોપની બાજુમાં બે વિદ્યાર્થિનીએ ફોન ચાલુ રાખ્યા હતા. પરીક્ષાની શરૂઆતમાં થોડા જવાબોની આપ – લે થઇ. પરંતુ ત્યારબાદ શિક્ષકનું ધ્યાન જતાં તેમણે બંનેને પરીક્ષા ન આપવા દીધી. એકના વાલીએ સ્કૂલની માફી માગી. પરંતુ બીજાના વાલીએ સંતાનને કાઉન્સેલિંગ માટે મનોચિકિત્સક પાસે લઈ જવું પડ્યું. વાલીને ડર હતો કે તેમના ગુસ્સાથી વિપરીત અસર થશે.
કિસ્સો –3; મિત્રને સાથે રાખી પેપર સોલ્વ કર્યું
એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ ઓનલાઇન પરીક્ષામાં લેપટોપની પાછળ પોતાના મિત્રને બેસાડીને જવાબ લખાવતો હોવાની વાત શહેરના એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીએ ફેકલ્ટીને કરી હતી. પરંતુ વિદ્યાર્થીનું સતત મોનિટરિંગ થતું હોવાથી વિદ્યાર્થી વધુ સંખ્યામાં એમસીક્યુ લખી શક્યો ન હતો. પરંતુ કોલેજ મેનેજમેન્ટ સુધી વિદ્યાર્થીનો આ કિસ્સો પહોંચ્યો હતો.
કેટલાક ગેમના વ્યસની બની ગયા
સિનિયર સાયકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભિમાણીએ જણાવ્યું હતું કે, ઓનલાઇન પરીક્ષામા જે કિસ્સા બની રહ્યાં છે તેના પર વાલીએ ખાસ નજર રાખવી જોઇએ. મારી પાસે એવા પણ કિસ્સા આવ્યા છે કે જેમાં બાળકો ઓનલાઇન ક્લાસ દરમિયાન ગેમ રમતા રમતા તેના વ્યસની બની જાય છે. ખાસ કરીને પતિ અને પત્ની બંને નોકરી કરતા હોય તેમણે બાળકોની ઓનલાઇન દરેક એક્ટિવિટી પર ખાસ નજર રાખવી જોઇએ.