વડોદરા કોમી વૈમનસ્યમાં કટ્ટરપંથી ગ્રુપ ‘આર્મી ઓફ મહેંદી’ ગ્રુપનું નામ સામે આવ્યું
40-50 લોકોને નિશાન બનાવ્યા, 3 વખત વોટ્સએપ ગ્રુપ બદલ્યા
આર્મી ઓફ મહેંદી- એક એવું ગ્રુપ કે જેના સભ્યો ધરાવે છે કટ્ટર માનસિકતા, પરંતુ તેઓ કોમ માટે નહીં પરંતુ બ્લેક મેલિંગ કરવા માટે મુસ્લિમ યુવતીઓનો પીછો કરતા અને હિન્દુ યુવક સાથે ઝડપી પાડી માર મારી અને પૈસા પડાવતા હોવાની વિગતો સામે આવી છે. આખરે પાપનો ઘડો ભરાયો અને કટ્ટરપંથી ગ્રુપ પર ગાળિયો કસાયો છે.
વડોદરા શહેરમાં વિવિધ વોટ્સએપ ગ્રુપ બનાવી કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં અત્યાર સુધીમાં ગોત્રી પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે. 9 ઇસમોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કેસની તપાસ વડોદરા પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. આ ઉપરાંત વિવિધ એજન્સીઓ પણ પોલીસના સંપર્કમાં છે. આ ઉપરાંત સેન્ટ્રલ આઇબીની ટીમે વડોદરામાં આવીને તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે આતંકી કનેક્શન અંગે પણ તપાસ શરૂ કરી છે.
પકડાયેલા 5 આરોપીઓનાં નામ:
આકિબ અલી મહેબુબ અલી સૈયદ (રહે. હુશેની ચોક, જેતલપુર ગામ, વડોદરા)
મોસીન જીકરુલા પઠાણ (રહે. ધુલ ધોયાવાડ, ફતેપુરા, વડોદરા)
નોમાન અબ્દુલ રશિદ શેખ (રહે. કોર્પોરેશન દવાખાનાની સામે, મહેબુબપુરા, નવાપુરા, વડોદરા)
અબરારખાન અનવરખાન સિંધી (રહે. 202, મરીયમ કોમ્પ્લેક્ષ, તાંદલજા, વડોદરા)
મોઇન ઇબ્રાહિમ શેખ (રહે.રેઇન બશેરા, એકતાનગર, સલાટવાડા રોડ, વડોદરા)
અગાઉ પકડેયાલા આરોપીઓનાં નામ:
મુસ્તકીમ ઇમ્તિયાઝ શેખ (રહે. ફતેપુરા, વડોદરા)
બુરહાનબાબા નન્નમિયા સૈયદ (રહે.હિના કોમ્પ્લેક્સ, પાણીગેટ, વડોદરા)
સાહિલ સહાબુદ્દીન શેખ (રહે.પીરામિતાર મહોલ્લો, રાજમહેલ રોડ, વડોદરા)
વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, 25 ઓગસ્ટના રોજ એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં લઘુમતિ કોમની એક મહિલા સાથે એક છોકરો હતો. તેની સાથે કેટલાક શખ્સો મારપીટ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે, બીજા ધર્મના છોકરા સાથે તમે કેમ અફેર રાખો છો. જેને પગલે વડોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી અને 3 આરોપીની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં 500 લોકોનું ગ્રુપ બનાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. એક ધર્મની યુવતી બીજા ધર્મના છોકરા સાથે જોવા મળે તો તેની પર વોચ રાખતા હતા. છોકરી કઇ ગાડીમાં ગઇ, છોકરો અને છોકરી ક્યાં મળે છે તેની વોચ રાખતા હતા. આવા છોકરા-છોકરીઓ મળે તેમની સાથે મારપીટ કરતા હતા અને તેમના વીડિયો બનાવતા હતા. વીડિયો બનાવીને વાઇરલ કરતા હતા અને કેટલાક કિસ્સાઓમાં છોકરીના માતા-પિતાને બ્લેકમેઈલ પણ કરતા હતા. છોકરીઓની સગાઇ અને લગ્ન તોડાવતા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ગ્રુપના મેમ્બર્સની ઓળખ શરૂ કરી હતી અને 73 જેટલા લોકોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે અને મોબાઇલ પણ ચેક કરવામાં આવ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગ્રુપના એડમિનનો સમાવેશ થાય છે. આ લોકો વીડિયો વાઇરલ કરીને કોમી એકતા ડિસ્ટર્બ કરતા હતા. અમુક કેસોમાં મોબ લિચિંગ થઇ જવાની પણ શક્યતાઓ ઉભી કરી દેતા હતા અને યુવતી સાથેના યુવકોને ખૂબ માર મારતા હતા. આ ઉપરાંત 9 જેટલા લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે શરૂઆતમાં હુસૈની આર્મી નામનું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં 500 મેમ્બરને જોડ્યા હતા. જ્યારે કોઇ વીડિયો વાઇરલ થાય તો ગ્રુપ બદલી નાખતા. તેઓએ પછી આર્મી ઓફ મહેંદી ગ્રુપ બનાવ્યું હતું અને છેલ્લે એક વીડિયો વાઇરલ થયો અને પોલીસના હાથે લાગ્યો. તેઓએ ફરીથી ગ્રુપ બદલી નાખ્યું અને લશ્કર-એ-આદમ નામથી ગ્રુપ બનાવ્યું હતું. પછી લોકોએ ગ્રુપ છોડવાનું ચાલુ કરતા છેવટે તેમાં 254 મેમ્બર આ ગ્રુપમાં હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ કેસમાં ભાવનગર, અમદાવાદ, આણંદ સહિતના રાજ્યના અન્ય શહેરોના ગ્રુપોના મેમ્બર સાથે અહીંના ગ્રુપના મેમ્બરો સંપર્કમાં રહેતા હતા. આ લોકો રાજ્યના દરેક શહેરોના ગ્રુપને છોકરા-છોકરીઓની માહિતી મોકલતા રહેતા હતા. આ લોકો વીડિયો અન્ય ગ્રુપમાં વાઇરલ કરતા હતા. જેને કારણો સોશિયલ મીડિયાના માધ્યમથી દેશભરમાં વીડિયો વાઇરલ થઈ જાય છે એની સાથે કોટ્સ લખીને લોકોને ભ્રમિત કરે છે. જેથી કોમી વૈમન્સ્ય ફેલાય છે. હાલ તેની તપાસ ચાલી રહી છે. હાલ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.
તેઓએ ઉમેર્યું હતું કે, આ ગ્રુપના ફંડિગને લઇને કોઇ માહિતી મળી નથી, પરંતુ આ લોકોને બહારથી કોઇ ફંડિગ મળ્યું છે કે નહીં, તેની તપાસ કરવામાં આવી રહી છે. આ આરોપીઓ લારીવાળા, ફાલુદાવાળા છે અને આ લોકો સાથે સંપર્કમાં હોય છે. આ લોકોનું મોટિવ એ હતું કે, અમારા ધર્મની છોકરી બીજા કોઇ ધર્મના છોકરા સાથે ન જવી જોઇએ અને તેમની કોમના હીરો બનવા માટે કામ કરતા હતા. આતંકી સંગઠન સાથેના કનેક્શનને લઇને અમે તપાસ કરી રહ્યા છીએ, પરંતુ હજી સુધી કોઇ પુરાવા મળ્યા નથી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે 8 આરોપીઓઓના 8 મોબાઇલ જપ્ત કર્યાં છે અને તેમાંથી ડિલીટ કરાયેલા ડેટ રિકવર કરવા મોબાઇલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. આ લોકોના મોબાઇલમાંથી વાંધાજનક ચેટ અને ઓડિયો મળ્યા છે. અમે લોકો તમામ એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ. અમદાવાદમાં એક વીડિયો વાઇરલ થયો હતો. જે વિક્ટીમ ફરિયાદ કરવા આવશે તેમની ગુપ્તતા જાળવવામાં આવશે. લોકો ડરના માર્યાં સામે આવી રહ્યા નથી. અમે વિક્ટીમનો સામેથી કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી 40થી 50 લોકોને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
હાલમાં એક હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીને માર મારતો એક વિડીયો વાયરલ થયો. જેની તપાસમાં વડોદરાની ગોત્રી પોલીસ એક્શનમાં આવી. જેમાં આર્મી ઓફ મહેંદી નામના કટ્ટરપંથી ગ્રુપનો હાથ હોવાનું બહાર આવ્યું અને હવે આ કેસમાં એક બાદ એક ખૂબ ગંભીર ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ ગ્રુપનો એક ઓડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોને આધારે પોલીસે આર્મી ઓફ મહેંદી ગ્રુપ ના 3 એડમીન મુસ્તકિમ શેખ, બુરહાન સૈયદ અને સાહિલ શેખની ધરપકડ કરી હતી અને બે દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ ગ્રુપની પૂછપરછ હાથ ધરી ને વધુ પાંચ આરોપીઓ આકીબ સૈયદ, મોહસીન પઠાણ,નોમાન શેખ,અબરાર સિંધી અને મોઇન શેખની ધરપકડ કરી હતી. સાથે 73 લોકો ની પૂછપરછ હાથ ધરી 9 શકમંદની અટકાયત પણ કરી છે. એટલે કે 17 લોકોની ધરપકડ અને અટકાયત કરવામાં આવી છે.