શિક્ષણ:સ્કૂલ દરમિયાન વિદ્યાર્થીને કોરોના થાય તો અમારી જવાબદારી નહીં: સંચાલકો

દિવાળી પછી સ્કૂલો શરૂ કરવાને લઇને સ્કૂલ સંચાલકોએ મંતવ્યોમાં સ્પષ્ટપણે માગ કરી છે કે, સ્કૂલ દરમિયાન વિદ્યાર્થીને કોરોના થાય તો પણ સ્કૂલોની પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ જવાબદારી રહેશે નહીં, સાથે ઓફલાઇન સ્કૂલો શરૂ થયા બાદ ઓનલાઇન પણ ક્લાસ ચાલુ રાખવા શક્ય ન હોવાથી માત્ર ઓફલાઇન જ ક્લાસ ચાલુ રહેશે.

શિક્ષણમંત્રીની સૂચનાથી ગ્રામ્ય ડીઇઓ દ્વારા મગાવવામાં આવેલા મંતવ્યોમાં સ્કૂલ સંચાલકોએ સ્કૂલો શરૂ કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ સ્કૂલો શરૂ કરવાને લઇને જો કોઇ અનહોની થાય તો તેને માટે સ્કૂલ સંચાલકોને જવાબદાર ઠેરવવામાં આવે નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે સ્કૂલોને બે કરતાં વધુ પાળી ચલાવવાની મંજૂરી આપવામાં આવે. ઉપરાંત ક્લાસમાં નક્કી કરેલી સંખ્યાના વિદ્યાર્થીઓને દરરોજ ન બોલાવતાં દિવસો નક્કી કરવામાં આવે અને તે પ્રમાણે જ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે.

પરિસ્થિતિ પ્રમાણે વર્ગ શરૂ કરવાની માગણી
સ્કૂલ સંચાલકોએ પોતાના મંતવ્યો આપતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં ધો.10 અને 12 શરૂ કરવાં જોઇએ. ત્યારબાદ તેના પરિણામો અને સ્થિતિને આધારે અન્ય ધોરણો શરૂ કરવાં જોઇએ.