દિલ્હીની જામા મસ્જિદ ઉપરાંત ઘણી મસ્જિદો, ઇદગાહ, દરગાહ અને કબ્રસ્તાનોના નામ પણ આ યાદીમાં સામેલ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર દરમિયાન જામા મસ્જિદ વક્ફ બોર્ડને સોંપવામાં આવી હતી
હાઈકોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા બાદ કોર્ટે વક્ફ બોર્ડની અરજી ફગાવી દેતા હવે નોટિસ ફટકારવામાં આવી
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકારના શાસનકાળમાં દિલ્હીમાં સ્થિત જામા મસ્જિદને કેન્દ્રએ વકફ બોર્ડને સોંપી દીધી હતી. શહેરી વિકાસ મંત્રાલયે હવે એને પાછી લેવા નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે દિલ્હી વકફ બોર્ડની 123 સંપત્તિઓ પાછી લેવા માટે નોટિસ ફટકારી છે. જેમાં દિલ્હીની જામા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારનું શહેરી વિકાસ મંત્રાલય દેશની રાજધાની દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પાછી લેશે. વક્ફ બોર્ડે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પિટિશનમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આ તમામ મિલકતોની તોડફોડ અને રિપેરિંગનું કામ અન્ય કોઈએ કરવું નહીં, પરંતુ હાઈકોર્ટે ગત મે મહિનામાં અરજી ફગાવી દીધી હતી. મંત્રાલયે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી હતી.
આ યાદીમાં જે જામા મસ્જિદ પાછી લેવાની છે તે લાલ કિલ્લા પાસે રહેલી જામા મસ્જિદ નથી પરંતુ તે સેન્ટ્રલ દિલ્હી વિસ્તારમાં આવેલી છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે ગેરકાયદે રહેલી વકફ બોર્ડની સંપત્તિઓ પર બે સંસદીય સમિતિના રીપોર્ટ રજૂ કર્યા હતા. જેના આધાર પર દિલ્હી વકફ બોર્ડની 123 સંપત્તિઓને હવે સરકાર જપ્ત કરી લેશે. આ સંપત્તિમાં મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનનો સમાવેશ થાય છે. મંત્રાલયે દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને એક પત્ર લખીને આ અંગેની વિશેષ જાણકારી આપી છે.
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર દરમિયાન 2014માં વક્ફ બોર્ડને મિલકતો સોંપવામાં આવી હતી. તેમાંથી 61 જમીન અને વિકાસ કાર્યાલય (LNDO) ની માલિકીની હતી અને બાકીની 62 મિલકતો દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) ની માલિકીની હતી. 2015માં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારે કહ્યું હતું કે તે આ પ્રોપર્ટીના ટ્રાન્સફરની તપાસ કરશે. જે સંપત્તિઓને જપ્ત કરવા નોટિસ ફટકારી છે તે સંપત્તિ પહેલા સરકાર પાસે હતી. આ જપ્તીની સાથે જરૂરી દસ્તાવેજ મોકલવા માટે પણ કેન્દ્ર સરકારે જણાવ્યું છે. જેથી કરીને બોર્ડ એવી સ્પષ્ટતા કરી શકે કે, આ સંપત્તિઓ એમને શા માટે આપવી જોઈએ. હાઈકોર્ટમાંથી કોઈ રીતે રાહત ન મળ્યા બાદ કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે વકફ બોર્ડને નોટિસ ફટકારી છે.