ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળશે ફાયદો, 75 લાખ નવા ઉજ્જવલા કનેક્શનનું વિતરણ કરશે
મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આજે કેબિનેટની બેઠકમાં ગેસ સિલિન્ડરના ભાવ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડર (14.2 કિગ્રા) પર 200 રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે. સરકાર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો થશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર દીઠ રૂપિયા 200ની વધારાની સબસિડીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે હવે દિલ્હીમાં કિંમત 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા, ભોપાલમાં 908 રૂપિયા, જયપુરમાં 906 રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમત 30 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસથી લાગુ થશે.
આ વર્ષે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારનું આ પગલું ઘણું મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ મોદીએ ઓણમ અને રક્ષાબંધનના તહેવાર પર ભાવમાં ઘટાડો કરીને બહેનોને મોટી ભેટ આપી છે. દેશના 33 કરોડ ગ્રાહકોને તેનો લાભ મળશે. આ નિર્ણયથી નાણાકીય વર્ષ 2023-24માં સરકાર પર 7,680 કરોડનો બોજ પડશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર 75 લાખ નવા ઉજ્જવલા કનેક્શનનું વિતરણ કરશે. ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં અત્યારસુધીમાં 9.5 કરોડથી વધુ કનેક્શન આપવામાં આવ્યાં છે. સરકારે આ યોજનાની સબસિડી પર નાણાકીય વર્ષ 2022-23માં કુલ 6,100 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
છેલ્લા ગણા સમયથી એટલે કે જૂન, 2020થી મોટા ભાગના લોકોને એલપીજી સિલિન્ડર પર સબસિડી મળતી ન હતી. હવે માત્ર ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર અપાતાં લોકોને જ 200 રૂપિયાની સબસિડી મળે છે. આ માટે સરકાર લગભગ 6,100 કરોડ રૂપિયા ખર્ચે છે. જૂન 2020માં દિલ્હીમાં સબસિડી વિનાનું સિલિન્ડર 593 રૂપિયામાં મળતું હતું, જે હવે વધીને 1103 રૂપિયાનું થઈ ગયું છે. રાજસ્થાનમાં કોંગ્રેસે આ વર્ષે 1 એપ્રિલથી BPL પરિવારોને રૂ.500માં ગેસ આપવાની યોજના અમલમાં મૂકી છે. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. બંને રાજ્યોમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી છે.
ઉજ્જવલા યોજનામાં અરજી કરવા માટેની યોગ્યતા :
- અરજદાર સ્ત્રી હોવી જોઈએ.
- મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- મહિલા BPL પરિવારની હોવી જોઈએ.
- મહિલા પાસે BPL કાર્ડ અને રેશન કાર્ડ હોવું જોઈએ.
- અરજદારના પરિવારના કોઈપણ સભ્યના નામ પર એલપીજી કનેક્શન ન હોવું જોઈએ.
મમતાએ કહ્યું, ‘આ છે INDIAનો દમ…’
મમતા બેનર્જીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘અત્યાર સુધી… છેલ્લા 2 મહિનામાં INDIA ગઠબંધ દ્વારા માત્ર 2 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ અમે જોઈ રહ્યા છીએ કે, એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે…’ મમતાએ વધુમાં લખ્યું કે, ‘આ છે INDIAનો દમ…’
લાલુ યાદવે પણ પીએમ મોદી પર સાધ્યું નિશાન
ઉલ્લેખનિય છે કે, 31મી ઓગસ્ટનારોજ મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓ સામેલ થવાના છે… આ ગઠબંધનની પ્રથમ અને બીજી પેટલ પટણા અને બેંગલુરુમાં યોજાઈ હતી… મુંબઈમાં યોજાનારી બેઠક પહેલા રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું… તેમણે કહ્યું કે, ‘મુંબઈમાં નરેન્દ્ર મોદીની ગરદન પર ચઢવા જઈ રહ્યા છીએ, અમે લોકો આજના દિવસે… નરેન્દ્ર મોદીનું ગળુ પકડી રાખ્યું છે, હટાવવાનું છે…’ લાલુએ ઈન્ડિયા ગઠબંધનની બેઠક માટે મુંબઈ રવાના થતા પહેલા પટણા એરપોર્ટ પર આ નિવેદન આપ્યું…
‘2024ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો સફાયો થઈ જશે’
લાલુ યાદવે કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું હતું કે, ગઠબંધનનું ઈન્ડિયા નામ રાખ્યા બાદ ભાજપનું જીવવનું મુશ્કેલ થઈ ગયું છે. અમે લોકો દેશભરમાં ભાજપ વિરુદ્ધ મજબુતીથી લડીશું… 2024ની લોકસભા ચૂંટણીમાં એક-એક બેઠક પર સીધો મુકાબલો થશે… એક તરફ ભાજપ હશે તો બીજીતરફ INDIA ગઠબંધનના ઉમેદવારો હશે… INDIA નામની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. હવે 2024ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો સફાયો થઈ જશે.
31 ઓગસ્ટે યોજાશે INDIA ગઠબંધનની ત્રીજી બેઠક
ઉલ્લેખનિય છે કે, અગાઉ ઈન્ડિયા ગઠબંધનની 2 બેઠકો યોજાઈ ગઈ છે… લાકસભા ચૂંટણી-2024માં ભાજપને પડકાર ફેંકવા 31 ઓગસ્ટે ઈન્ડિયા ગઠબંધનની 2 દિવસીય ત્રીજી બેઠક મુંબઈમાં યોજાવાની છે.