હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટે 27% અનામત: અગાઉ 10 ટકા બેઠક હતી,
સામાજિક રીતે અન્યાય થવાની પૂરેપૂરી શક્યતા, SC-STની બેઠકમાં કોઈ ફેરફાર નહીં
રાજ્યમાં OBC અનામતને લઇ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આજે ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકાર જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. જેના પર ચૂંટણીઓમાં OBC અનામતમાં વધારો કરવામાં આવ્યો છે.
આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં ઝવેરી કમિશનનો અહેવાલ મૂકવામાં આવ્યો હતો. 2022માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી અને 2023માં અહેવાલ મળ્યો અને 3 મહિનામાં આ ભલામણનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. અહેવાલ જાહેર થયા બાદ નજીકના ભવિષ્યમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય એવી શક્યતા છે તેમજ ઓબીસી અનામતનો રિપોર્ટ પણ સરકારે જાહેર કર્યો છે. સ્થાનિક સ્વરાજમાં ઓબીસી અનામત મુદ્દે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યું છેકે, હવેથી જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતમાં ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવશે. કુલ અનામતથી 50 ટકે વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવશે.હોદ્દાઓ માટે પણ 50 ટકાની મર્યાદામાં 27 ટકા અનામત આપવામાં આવશે. શહેરી વિસ્તારમાં ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. હાલના સીમાંકન પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ભાજપનું માનવું છે કે, અમે 10 ટકામાંથી 27 ટકા અનામત આપી છે. જ્યારે કોંગ્રેસનું માનવું છે કે આ અમારી લડતની
જીત છે.
સામાજિક રીત જોઇએ તો ઓબીસી સમાજની વસ્તી વધારે છે ત્યાં 27 ટકા અને વસ્તી ઓછી છે ત્યાં પણ 27 ટકા અનામત લાગુ પડશે. એટલે સામાજિક રીતે અન્યાય થવાની પૂરેપૂરી શક્યતા છે. જેમ કે બનાસકાંઠામાં ઓબીસી સમાજની વસ્તી 70 ટકા છે તો ત્યાં 27 ટકા જ અનમાત મળશે અને ભરૂચમાં ઓબીસી સમાજની વસ્તી 5 ટકા છે તો ત્યાં પણ 27 ટકા અનામત મળશે આ રીતે જોવા જઈએ તો સંતુલન ખોરવાઇ શકે છે. આ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ-કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આયોગની રચના કરવામાં આવી છે. ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાવાર અનામત આપી છે, કુલ બેઠકો કરતાં 50 ટકાથી વધે નહીં એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 27 ટકા અનામત અનુસુચૂતિ જાતિ, અનુસુચૂતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે જે બેઠક છે એ માટે ભલામણ કરી છે, એટલે કે એસસી, એસટી અને ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષ કરતા પણ લાંબા સમયથી અનેક પંચાયતોમાં ઓબીસી બેઠકો ખાલી પડી છે.
હવે ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 9 જિલ્લા અને 61 તાલુકામાં આદિવાસી વસતિ 50 ટકા કરતાં વધારે છે. આ વિસ્તારમાં વસતિ પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. 10 બેઠક ઓબીસીને આપીએ છીએ એ ચાલુ રહેશે. જો 25થી 50 ટકા વસતિ હશે તો નિયમ પ્રમાણે બેઠક આપવી એટલે ઓબીસી બેઠક ઘટી જાય એમ છે, એટલે એવા કિસ્સામાં સરકારે 10 ટકા અનામત યથાવત્ રાખી છે. યુનિટનો અભ્યાસ કર્યા બાદ 27 ટકા એ 50 ટકા કરતાં વધે નહીં એ જોવામાં આવશે. બાકીનો રહેલો ગેપ આપીએ છીએ. કુલ બેઠકના 50 ટકા બેઠક અનામત, એટલે કે 27 ટકા અનામત સાથે થાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભલામણ સ્વીકારી હોય અને એમાં પણ ઓબીસીને મહત્ત્વ અને પ્રતિનિધિત્વ મળી રહે એટલે ખૂબ ઝડપથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય એમાં સરકારને રસ છે. હાલનું જે સીમાંકન એ પ્રમાણે ચૂંટણી યોજાશે. વસતિ પ્રમાણે રિઝર્વેશન કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામા આવી હતી. આ દરમિયાન જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે તેને 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ ઝવેરી પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો. અધ્યક્ષ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષતામાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા OBC સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર કરાયેલ 27% અનામત અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, નામદાર સુપ્રીમ કોર્ટની ભલામણો ધ્યાનમાં રાખીને આયોગની રચના કરી ગુજરાતની 52% વસ્તી અને 146થી વધુ જાતિનો સમાવેશ થાય છે, તેવા OBC સમાજને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા અનામત આપવાનો મહત્વનો નિર્ણય કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું.