વડાપ્રધાન મોદીએ ઈસરોનાં વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા કહ્યું કે તેઓ દેશને નવી ઊંચાઈએ લઈ ગયા

Modi

‘ચંદ્રયાન-3 મિશનની સફળતા કોઈ સામાન્ય સફળતા નથી : પીએમ મોદી
તમે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે, દેશને ગૌરવ અપાવ્યું છે : પીએમ મોદી

પીએમ મોદીએ ISRO ચીફની પીઠ થપથપાવી, વૈજ્ઞાનિકો સાથે ગ્રુપ ફોટો પડાવ્યો
કમાન્ડ સેન્ટર પહોંચ્યા તો 5 મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ રહ્યો

પીએમ મોદીએ કહ્યું : ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જે જગ્યાએ લેન્ડ થયું હતું, હવે તે બિંદુ ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે
23 ઓગસ્ટે ભારતે ચંદ્ર પર ધ્વજ ફરકાવ્યો તેથી તે દિવસ ભારતમાં ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે મનાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની વિદેશ યાત્રા પૂરી કરીને દેશ પરત ફર્યા છે, તેઓ વિદેશયાત્રાથી સીધા બેંગ્લુરુ પહોંચ્યા હતા. તેઓ આજે બેંગલુરુમાં ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ પહોંચ્યા. અહીં તેઓ ભારતના મૂન મિશન ચંદ્રયાન-3માં સામેલ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. આ સાથે તેમણે ભારતના પ્રથમ ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મહિલા વૈજ્ઞાનિકોની મહત્વપૂર્ણ ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. ત્યાં ISROના ચીફે તેમને ચંદ્રયાન-3 વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન-3 ટીમના વૈજ્ઞાનિકોને મળવા શનિવારે બેંગલુરુમાં ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેઓ વૈજ્ઞાનિકોને મળ્યા. ઈસરોના વડા એસ. સોમનાથે ઈસરો કમાન્ડ સેન્ટર ખાતે પીએમ મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. પીએમએ સોમનાથને ગળે લગાવીને તેની પીઠ થપથપાવી હતી. પોતાનું ભાષણ પૂરું કર્યા પછી પીએમ મોદી મહિલા વૈજ્ઞાનિકોની વચ્ચે પહોંચ્યા અને હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું. જ્યારે પીએમ કમાન્ડ સેન્ટર પહોંચ્યા ત્યારે વૈજ્ઞાનિકોએ 5 મિનિટ સુધી તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું. ઈસરોના વડાએ પીએમને ચંદ્ર પર પ્રજ્ઞાન રોવર લેન્ડિંગની તસવીર રજૂ કરી હતી. ચંદ્રયાન-3નું મોડલ આપીને સન્માન કર્યું.

એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશના વૈજ્ઞાનિકો દેશને આટલી મોટી ભેટ આપે છે, ત્યારે જે દ્રશ્ય મેં બેંગ્લોરમાં જોયા હતા, તે ગ્રીસ અને જોહાનિસબર્ગમાં પણ જોઈ રહ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાના દરેક ખૂણે માત્ર ભારતીયો જ નહીં, પરંતુ જેઓ વિજ્ઞાનમાં વિશ્વાસ રાખે છે અને ભવિષ્ય જુએ છે, માનવતાને સમર્પિત તમામ લોકો આવા જોશ અને ઉત્સાહથી ભરેલા છે. જ્યારે હું વિદેશમાં હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે જો હું ઈન્ડિયા જઈશ તો પહેલા બેંગ્લુરુ જઈશ. સૌ પ્રથમ તો હું વૈજ્ઞાનિકોને નમન કરીશ.

પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન ‘જય જવાન, જય અનુસંધાન’ ના નારા પણ આપ્યા હતા. ત્યાં હાજર લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, હું કહીશ જય વિજ્ઞાન અને તમે કહેશો જય અનુસંધાન. પીએમ મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો આભાર માન્યો હતો. ત્યાં આવેલા લોકોનો આભાર માનતા પીએમ મોદીએ કહ્યું કે આ અહીં પ્રવચનો કરવાનો સમય નથી, કારણ કે મારું મન વૈજ્ઞાનિકો સુધી પહોંચવા માટે ઉત્સુક છે.

પીએમ મોદીએ ઈસરોની મહિલા વૈજ્ઞાનિકો સાથે થોડીવાર વાત કરી, પછી તેમની સાથે ફોટો સેશન કરાવ્યું. 23 ઓગસ્ટ, 2023 ના રોજ સાંજે 6:04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કરનાર ભારત પહેલો દેશ બન્યો. બેંગલુરુમાં ઈસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘ચંદ્રયાન-3 મિશનની સફળતા કોઈ સામાન્ય સફળતા નથી. તમે સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે, દેશને ગૌરવ અપાવ્યું છે. આમાં મહિલા વૈજ્ઞાનિકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ‘શિવ શક્તિ’ બિંદુ (ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરનું સ્થળ જ્યાં ‘વિક્રમ’ લેન્ડર ઉતર્યું હતું) આવનારી પેઢીઓને વિજ્ઞાનને ગંભીરતાથી લેવા અને લોકોના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરવા પ્રેરણા આપશે. પીએમ મોદીએ કહ્યું કે ‘લોકોનું કલ્યાણ એ અમારી સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે.’ ઐતિહાસિક ચંદ્ર ઉતરાણ પર ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ દેશને નવી ઊંચાઈએ લઈ ગયા.

વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તમે જાણો છો કે સ્પેસ મિશનના ટચડાઉન પોઈન્ટને નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. ભારતે ચંદ્રના તે ભાગને નામ આપવાનું નક્કી કર્યું છે જેના પર આપણું ચંદ્રયાન-3 ઉતર્યું હતું. ચંદ્રયાન-3નું મૂન લેન્ડર જે જગ્યાએ લેન્ડ થયું હતું, હવે તે બિંદુ શિવ શક્તિ તરીકે ઓળખાશે.

બીજી જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે 23 ઓગસ્ટે ભારતે ચંદ્ર પર ધ્વજ ફરકાવ્યો. હવેથી તે દિવસ ભારતમાં નેશનલ સ્પેસ ડે તરીકે મનાવાશે. વડાપ્રધાને એ પણ ધ્યાન દોર્યું કે નિષ્ણાતો કહે છે કે ભારતનો અવકાશ ઉદ્યોગ થોડા વર્ષોમાં $8 બિલિયનથી વધીને $16 બિલિયન થઈ જશે.