21થી વધુ અલગ-અલગ ટ્રાફિક ગુનાના ભંગ બદલ વાહનચાલકોને મળશે ઈ-મેમો
AI સોફ્ટવેર તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પડાયું, વોન્ટેડ વ્યક્તિ, મિસિંગ બાળકો શોધવા પણ AI ઉપયોગી
ઈસ્કોન અકસ્માત બાદ શહેરમાં ટ્રાફિક રુલ્સને લઈને કોર્ટોરેશન તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા અનેક નિર્ણયો લેવાયા છે. હમણા થોડા દિવસ પહેલા જ ગુજરાત DGP વિકાસ સહાયે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને કહ્યું હતું કે હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવુ પડશે. ત્યારે હવા આ દિશામાં વધુ એક નિર્ણય લેવાંયો છે. શહેરની ટ્રાફિક સમસ્યા અને નિયમોનું પાલન થાય તે માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રાફિક રુલ્સ તોડનાર સામે કાર્યવાહી કરવા શહેરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. પરંતું તેમાંથી ઘણાખરા કેમેરા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. તો હવે સ્માર્ટ સિટીની ત્રીજી આંખ એટલે કે સીસીટીવી વધુ સ્માર્ટ બનાવવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. શહેરના CCTVને AI સોફ્ટવેર સાથે જોડવામાં આવશે. નવા સોફ્ટવેર બાદ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોનું આવી બનશે. નવા સોફ્ટવેરને કારણે 21થી વધુ ટ્રાફિકના નિયમોનાં ગુનાંનાં ભંગ બદલ મેમો અપાશે. હાલ માત્ર સિગ્નલ ભંગ અને સ્ટોપ લાઈન ભંગ બદલ મેમો આપવામાં આવે છે.
અમદાવાદ સ્માર્ટ સીટી કંપનીએ અમદાવાદ શહેરમાં ઓવર સ્પીડીંગ સહિત 21થી વધુ જુદા-જુદા પ્રકારના વાયોલેશન પકડવા માટે AI સોફ્ટવેર તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડી દીધાં છે. આ ટેન્ડર મંજુર થયા બાદ જુદા-જુદા 21થી વધુ જેટલા વિહિકલ એકટના ગુનાના ભંગ બદલ ઈ-મેમો આપવામાં આવશે. નવા સોફ્ટવેરના ડેવલપમેન્ટ બાદ ડ્રીંક કરી વાહન ચલાવવું, સીટબેલ્ટ વગર વાહન ચલાવવું, ચાલુ વાહને ફોન પર વાત કરવી, રોંગ સાઈડ પર જવું, વાહન પર કાળી ફિલ્મ લગાવેલી હોવી, વાહનોમાં વધુ પડતા મુસાફરો ભરવા, ફેન્સી નંબર પ્લેટ વગેરે અંગે માહિતી મળી શકશે.રોડ પર પડેલા ખાડા, રસ્તા પર રખડતા પશુઓ, રોડ પર રહેલા વાહનો પર પણ નજર રાખી શકાશે. શહેરમાં ઓવર સ્પીડિંગના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં આ સોફ્ટવેર દ્વારા કાર્યવાહી કરી શકાશે. ઓવરસ્પીડીંગના કિસ્સામાં પણ ઇ-મેમો આપી શકાશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ શહેરના 130 જંકશનો પર 1695 CCTV કાર્યરત કરવામાં આવ્યા છે. આ સોફ્ટવેરનાં ડેવલપમેન્ટ બાદ વોન્ટેડ વ્યક્તિ, મિસિંગ બાળકો શોધવા પણ AI ઉપયોગી નિવડશે અને સાથે સાથે કોઈ વોન્ટેડ વ્યક્તિ, મિસિંગ બાળકો વગેરેને શોધવા પણ ઉપયોગી થશે.