હિમાચલપ્રદેશનાં સોલનમાં આભ ફાટતાં 7 લોકોનાં મોત, શિમલામાં ભૂસ્ખલનથી શિવ-મંદિર ધરાશાયી

Shimla-landslide

શિમલામાં ભૂસ્ખલનથી 9 લોકોનાં મોત, 25થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા

ભૂસ્ખલનને કારણે શિમલા-ધરમશાલા સહિત લગભગ 500 રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ

હવામાન વિભાગે જાહેર કર્યું ભારે વરસાદનુ એલર્ટ

સાવચેતીના પગલારૂપે રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી

દેશના બે રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બંને રાજ્યોમાં પ્રલય જેવી સ્થિતિ છે. આ રાજ્યોના ઘણા જિલ્લા વરસાદને કારણે ડૂબી ગયા છે. હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. હિમાચલ પ્રદેશના સમરહિલ વિસ્તારમાં આવેલું શિવ બાવડી મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું. જેના કારણે અહીં હાજર 25થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં 2 બાળકો સહિત 5 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. બાકીનાની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. શ્રાવણ સોમવારના કારણે મંદિરમાં સવારથી જ ભીડ જોવા મળી હતી.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી સંબંધિત ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 20 લોકોના મોત થયા છે. મંડી અને સોલનમાં વાદળ ફાટવાના કારણે 12 લોકોના મોત થયા છે. ઉના, કિન્નૌર અને લાહોલ-સ્પીતિના ત્રણ જિલ્લાઓને બાદ કરતાં હવામાન વિભાગે રાજ્યના તમામ 9 જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હિમાચલ પ્રદેશમાં આકાશમાંથી આફત બનીને વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજ્યની નદીઓ તણાઈ રહી છે. અવિરત વરસાદને કારણે સાવચેતીના પગલારૂપે રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ભૂસ્ખલનને કારણે શિમલા-ધરમશાલા સહિત લગભગ 500 રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ છે. વહીવટીતંત્ર વતી લોકોને નદી-નાળા અને ભૂસ્ખલનવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ (શાળાઓ, કોલેજો) 14 ઓગસ્ટે બંધ રહેશે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. શિમલામાં પર્વત તૂટીને સમરહિલના શિવ મંદિર પર પડ્યો હતો. જેને કારણે કાટમાળ નીચે લગભગ 24થી વધુ લોકો દટાયાની આશંકા છે અને અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. પહાડ પરથી હજુ પણ પથ્થરો પડી રહ્યા છે. કાટમાળની સાથે મંદિરની ટોચ પર ચારથી પાંચ વૃક્ષો પડી ગયાં હતાં. NDRFની ટીમની સાથે SDRF, ITBP, પોલીસ અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. JCB મશીનથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

શિવ મંદિરમાં દર સોમવારે ખીર બનાવવામાં આવે છે. ખીર બનાવનાર નરેશે જણાવ્યું કે તેઓ સવારે મંદિરમાં આવ્યા ત્યારે કેટલીક વસ્તુઓ ઘરે ભૂલી ગયા હતા. તેથી મંદિરેથી ઘરે પરત ફર્યા અને ઘરેથી ફરી મંદિરે પહોંચતા જ ભૂસ્ખલન શરૂ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે દુર્ઘટના સમયે મંદિરમાં બે સુથાર, એક નેપાળી અને કેટલાંક લોકો હાજર હતા. સ્થાનિક લોકોએ તે જ સમયે નેપાળીને કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો. પરંતુ કેટલાક લોકો મંદિરની અંદર ફસાયેલા છે. મંદિરમાં 6 થી 7 લોકો ખીર બનાવી રહ્યા હતા. તેમણે ફોન કરીને કહ્યું કે તેઓ સુરક્ષિત છે, પણ અત્યારે તેઓ ક્યાં છે તેની ખબર નથી. મંદિરના કાટમાળમાં એક વ્યક્તિએ તેના સંબંધીને ફોન કરીને વહેલી તકે બચાવવાની વિનંતી કરી હતી. બીજી તરફ પીડિતાના સંબંધી કિશોર ઠાકુરે કહ્યું કે તેનો ભત્રીજો પણ અંદર દટાયેલો છે.

ઘટનાનાં જાણ થતા સીએમ સુખવિંદર સિંહ સુખુ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર કાટમાળ હટાવવાનું કામ કરી રહ્યું છે. ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજી તરફ સીએમના મીડિયા એડવાઈઝર નરેશ ચૌહાણે કહ્યું કે, 10થી 15 લોકો ફસાયા હોવાની આશંકા છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી સંબંધિત ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 21 લોકોના મોત થયા છે. મંડી અને સોલનમાં વાદળ ફાટવાના કારણે 12 લોકોના મોત થયા છે. તો, શિમલા શહેરના સમર હિલ વિસ્તારમાં એક શિવ મંદિરમાં ભૂસ્ખલનથી 9 અન્ય લોકોના મોત થયા છે. હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. સાવચેતીના પગલારૂપે રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. હિમાચલના ઘણા જિલ્લાઓમાં 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના સોલનના મમલીકના ધાયાવાલા ગામમાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાના કારણે 7 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સોલનના પોલીસ અધિક્ષક ગૌરવ સિંહે જણાવ્યું કે મૃતકોની ઓળખ હરનામ (38), કમલ કિશોર (35), હેમલતા (34), રાહુલ (14), નેહા (12), ગોલુ (8) અને રક્ષા (12) તરીકે થઈ છે.

ઉત્તરાખંડના ચમોલીમાં ગત રાત્રિથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થયો છે અને લોકોના ઘરથી લઈને દુકાનોમાં પાણી આવી ગયા છે. ઉત્તરાખંડના દેહરાદૂન, ટિહરી, પૌરી, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે હરિદ્વાર સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ છે. હરિદ્વારમાં ગંગા નદી ખતરાના નિશાનથી એક મીટર ઉપર વહી રહી છે. મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન બાદ ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે.