મૌલવીની વાતનો ત્રણ યુવકોએ વિરોધ કરતા ધર્મ બહાર કાઢી મુકવાની ધમકી, 3 યુવકોએ ફિનાઇલ પીધું
નગીના મસ્જિદના મૌલવી દ્વારા બહાર-એ-શરિયત નામનું વ્હોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતુ
દેશમાં સ્વતંત્ર દિવસની ઉજવણી પહેલાં વિચિત્ર ઘટના બની છે. જેમાં પોરબંદરમાં દેશદ્રોહી પ્રવૃતિ કરવાનું કહેનારા મૌલવી વિરુદ્ધ રાજ્યના ગૃહમંત્રી અને જિલ્લા પોલીસ વડાને ઈ-મેઈલ કરી તેમજ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને લકડી બંદર પર 3 મિત્રોએ ફિનાઈલ ગટગટાવી લીધુ હતુ. જેમાં ત્રણેય મિત્રોએ મૌલવી વિરુદ્ધ દેશદ્રોહી પ્રવૃતિ કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યો હતો. પોરબંદરમાં મૌલવીનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં મુસ્લિમોએ રાષ્ટ્રગાન ન ગવાય, તિરંગાને સલામી ન અપાય એવી મૌલવીની વાતનો વિરોધ કરનારા 3 યુવકોએ ફિનાઇલ પીધું છે. યુવકોનો આક્ષેપ છે કે રાષ્ટ્રગાન બાબતે તેમને મૌલાના વાસીફ રઝા સહિત કેટલાક શખ્સો ધમકી આપતા હતા. પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરીને મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે મૌલાનાનું નિવેદન પણ સામે આવ્યું છે. મૌલાએ એમ પણ કહ્યું કે, આ તમામે દવા પીતા પહેલા 108ને ફોન કર્યો હતો. આ આખો સ્ટંટ છે. શાંતિ ડહોળવાનો માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફરિયાદને ડાયવર્ટ કરવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે. જેમાં આ તમામે દવા પીધી અને જે બાદ તેણે રાષ્ટ્રગીતને લઈને ષડયંત્ર બનાવ્યું. અમારી પાસે બધાજ પુરાવા છે અને આ તપાસનો વિષય છે. એટલે કે પોલીસ ખાતું તપાસ કરશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.’
આ તમામે મસ્જિદ ખાતે આવીને મારામારી કરી હતી. આ તમામ સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાયરલ કરતા હતા. આ લોકોનો ત્રાસ અનહદ વધતા અમે શનિવારે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 હેઠળ મૌલવી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના કીર્તિમંદિર પોલીસે વાયરલ વીડિયો ક્લિપની તપાસ શરૂ કરી છે. જેમાં યુવકોએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા બનાવવેલા વીડિયોમાં મૌલાના અને 7થી 8 જેટલા શખ્સો સામે ગંભીર આરોપ લગાવ્યા છે. વીડિયોમાં શકીલ કાદરી, સોહિલ ઈબ્રાહિમ પરમાર અને ઈમ્તિયાઝ સિપાઈ નામના ત્રણ યુવકોએ જણાવ્યું કે, આજે અમે ત્રણેય ઝેરી દવા પીવી છીએ. અમને મુસ્લિમ કોમમાં બદનામ કરવામાં આવી રહ્યા છે. અમને સાત-આઠ લોકો હેરાન કરી રહ્યા છે. અમારા પર ખોટી ફરિયાદો કરાવે છે. અમે કોઈ ગુનો નથી કર્યો છતાં અમને ખોટી રીતે હેરાન કરે છે. તેથી અમે દવા પીને આપઘાત કરીએ છીએ.
આ અંગે પોરબંદર SPએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નગીના મસ્જિદના મૌલવી દ્વારા બહાર-એ-શરિયત નામનું વ્હોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતુ. ગત જાન્યુઆરીમાં બે યુવકો દ્વારા આ ગ્રુપમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ કે કેમ તેમજ રાષ્ટ્રગીત ગાવા જોઈએ કે નહી? તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
જેના જવાબમાં મૌલવીએ યુવકોને જણાવ્યું હતું કે, રાષ્ટ્રગીતમાં ‘જય હો…જય હો…’ અને ‘ભારત ભાગ્ય વિધાતા’ જેવા શબ્દો આવતા હોવાથી મુસ્લિમોએ રાષ્ટ્રગાન ના કરવું જોઈએ. આટલું જ નહીં, મુસ્લિમોએ રાષ્ટ્રધ્વજ પણ ના ફરકાવવો જોઈએ અને તેને સલામી પણ ના આપવી જોઈએ. આટલું જ નહીં, મૌલવીએ યુવકોને દેશ વિરુદ્ધની પ્રવૃતિ કરવા માટે પણ કહ્યું હતુ.
નોંધનીય છે કે લાઈવ વીડિયોમાં દવા પીધા બાદ ત્રણેય યુવકોને હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ આ ત્રણેયની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. જે મામલે પોરબંદર કીર્તિમંદિર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં શાંતિ બેહાલ ન થાય તે માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહ્યું છે.