બગોદરા-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોનાં ઘટનાં સ્થળે મોત, 10 ઈજાગ્રસ્ત

ચોટીલા દર્શન કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં અકસ્માત થયો હતો

અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, આ ઘટનામાં 10 લોકોના મોત થયાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં 5 મહિલા, ત્રણ બાળકો અને બે પુરુષોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર અકસ્માત થયો છે.

પ્રાથમિક જાણકારી પ્રમાણે કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતી મિની ટ્રક અચાનક ઊભેલી ટ્રકની પાછળ છોટા હાથી ઘૂસી જતા 10 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે. 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

છોટા હાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા. 10ના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 10ને ઈજા પહોંચી છે. તેમાં પણ 10માંથી 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકો કપડવંજના સુણદા ગામના રહેવાસીઓ છે. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુખ વ્યક્ત કરતા લખ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.