માતૃભૂમિ માટે અમદાવાદના શહીદ રત્નો શ્રી રંગાજી અને રત્નાજી ઠાકોરના બલિદાનની શૌર્યગાથા

mari mati maro desh

મારી માટી, મારો દેશ અભિયાન : અમદાવાદ જિલ્લો

તાજપુર ગામના નરબંકાઓએ અંગ્રેજોની માફી માગવાને બદલે સામી છાતીએ ગોળી ઝીલી મોત વહાલું કરેલું

શહીદ વીરોની શૌર્યગાથાનું યશોગાન કરતી ખાંભીઓ તાજપુર ગામે અડીખમ

ભારત ભૂમિ અને વીર શહીદો સમક્ષ નતમસ્તક થવાની એક ગૌરવપૂર્ણ તક એટલે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન. ભારતની આઝાદીના સુવર્ણ ઇતિહાસને સમજવા અને અનુભવવા માટે આ અભિયાન સ્વરૂપે આપણને સર્વોત્તમ તક મળી છે. ભારત અને ભારતીયો પર શાસન કરવાની અંગ્રેજોની દમનકારી નીતિ વિરુદ્ધ એક આગ અમદાવાદના સાણંદ તાલુકાના તાજપુર ગામે પણ ભડકી હતી. અને ત્યારબાદ આ આગ દાવાનળ થઈ વિસ્તરી અને અંગ્રેજી હકુમતના પાયાઓને લપેટી રાખ કરી દીધા હતા. આવો એ યશગાથાના શબ્દસાક્ષી બનીએ.

વર્ષ હતું ૧૮૫૭નું કે જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ દેશભરમાં વિસ્તરી ચૂકી હતી. અંગ્રેજી હકુમતને પહેલીવાર એવું લાગતું હતું કે ભારત છોડવું પડશે. ભારત માતાના વીર ક્રાંતિકારી પુત્રોએ છેડેલા બળવાથી ગોરાઓ હચમચી ગયા હતા. અને પછી તેમના સ્વભાવ પ્રમાણે ભારતીય સામે ભારતીયને લડવા માટે ઊભા કરી દેવાની ચાલ ગોઠવી.

અંગ્રેજ અફસર મિસ્ટર ટેલરે અમદાવાદના સૂબા સલામત ખાનને હુકમ કર્યો કે, ક્રાંતિકારીઓના બળવાને ડામવા તમારા દેશી સૈનિકોનો એક કાફલાને મોકલો. દરેક લશ્કરનો વડો અંગ્રેજ હતો. અને સૈનિકો ભારતીય હતા. અંગ્રેજ અફસરના હુકમ અનુસાર દેશી લશ્કર દોરાતું હતું.

એ વખતે સૂબાના લશ્કરમાં સાણંદ તાલુકાના તાજપુર ગામના બે વીરો રત્નાજી ઠાકોર અને રંગાજી ઠાકોર નોકરી કરતા હતા. આ બન્ને ભાઈઓને અંગ્રેજોની મેલી મુરાદની ગંધ આવતાં જ તેમણે સાથી જવાનોને આહવાન કર્યું કે, આપણા જ ભાઈઓ સામે આપણે લડવાનું કહેવામાં આવે છે. કારણ કે આપણે દેશદાઝ અને સ્વમાન ભૂલી ગયા છીએ. વળી રત્નાજી ઠાકોરે વાત કરી કે, મોઢેથી તોડવામાં આવતી કારતૂસો ઉપર ગાય અને ડુક્કરની ચરબીનું આવરણ છે. તેથી આપણે ભ્રષ્ટ થઈ રહ્યા છીએ. જેના કારણે ટુકડીના અન્ય સભ્યોમાં રોષ ભભૂકી ઊઠ્યો.

આ વાત ધીરે ધીરે દેશના અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ. જેના કારણે દેશી સૈનિકોએ અંગ્રેજી હકુમત વિરુદ્ધ બંડ પોકાર્યું. એ વખતે મિ.ટેલરે રત્નાજી અને રંગાજી ઠાકોરને બીજા દેશી સૈનિકો સાથે અન્ય પ્રદેશમાં લડવા જવાનું ફરમાન કર્યું.

પરંતુ અમે અમારા જ ભાઈઓ સામે શસ્ત્રો નહીં ઉઠાવીએ તેવા નિર્ધાર સાથે રત્નાજી અને રંગાજી ઠાકોરની આગેવાનીમાં અમદાવાદના સૂબાના સૈન્યમાંથી 11 જવાંમર્દોએ અંગ્રેજો વિરુદ્ધ માથું ઊંચક્યું. આ દેશપ્રેમીઓએ અંગ્રેજોની ગુલામીની ધૂંસરી ફગાવી દીધી. અને મોતને મુઠ્ઠીમાં લઈને ભાગી છૂટ્યા.

રત્નાજી ઠાકોર તાજપુર ગામના વતની હતા તેથી છેલ્લે તેમણે પરિવારજનો અને ગામ લોકોને મળવાનું નક્કી કર્યું. તેઓ ગંગાજી અને અન્ય પાંચ સૈનિકો સાથે તાજપુર આવ્યા અને બીજા ક્રાંતિકારીઓ તેમનાથી છૂટા પડ્યા.

મિ.ટેલરે ધોળકાના કેપ્ટન મિ. પામને આ ક્રાંતિકારીઓને તાત્કાલિક ઝડપી લેવા હુકમ કર્યો. અને પોતે પણ આ સૈનિકોની પાછળ પડ્યો. જેથી ક્રાંતિકારીઓ ચારેય બાજુએથી ઘેરાઈ ગયા.

તાજપુર ગામે ઘેરાયેલા ક્રાંતિકારીઓ અંગ્રેજ અધિકારીઓના હાથમાં આવી ગયા. રત્નાજી અને રંગાજી સહિતના ક્રાંતિકારીઓને ઘેરીને હથિયાર હેઠા નાખી દેવા આદેશ કર્યો. અંગ્રેજ અધિકારીએ કહ્યું માફી માગી માગો અને અમારી સાથે અમદાવાદ ચાલો. પરંતુ વીરોએ મચક ન આપી. મોકો જોઈને રત્નજીએ મિ.ટેલરના હાથમાંથી બંદૂક આંચકી તેના તરફ જ ગોળી છોડી.

નસીબજોગે મિ.ટેલર બચી ગયો પણ તે જ સમયે બીજી ગોળી એન્ડરસનની બંદૂકમાંથી છૂટી અને રત્નાજીની છાતી સોંસરવી નીકળી ગઈ. અંગ્રેજોએ એકબાદ એક ક્રાંતિકારીઓની બેરહેમીથી હત્યા કરી. એ દિવસે તાજપુરનું પાદર વીરોના ધગધગતા લોહીથી રંગાઈ ગયું.

અંગ્રેજોની માફી માગવાનું તો દૂર રહ્યું પણ આ નરબંકાઓએ મા ભારતી અને આત્મસન્માન ખાતર સામી છાતીએ ગોળી ઝીલી મોતને ભેટવાનું પસંદ કર્યું.

આ તમામ ભડવીરોના નશ્વર દેહ તાજપુરના પાદરમાં પડ્યા પણ તેમના બલિદાનથી પ્રજ્વલ્લિત થયેલી સ્વતંત્રતાના અગ્નિએ દેશભરમાં અંગ્રેજોને દઝાડી મૂક્યા. આ શહીદ વીરોની શૌર્યગાથાનું યશોગાન કરતી ખામ્ભીઓ આજે પણ તાજપુર ગામે અડીખમ ઊભી છે.

અમદાવાદ સહિત ગુજરાતના સહુ નાગરિકો તરફથી રત્નાજી અને રંગાજી ઠાકોરના ચરણે શત શત નમન.