ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને કોર્ટની રાહત મળી તો તથ્યનાં પિતાને મળ્યો ઝટકો

TathyaPatel

જેલમાં તથ્યને ઘરનું જમવાનું મળશે તેમજ તથ્ય અઠવાડિયામાં એક વખત સગાને મળી શકશે અથવા ફોન પર વાત કરી શકાશે, RTOએ તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કર્યું,
તથ્યનાં પિતા પ્રજ્ઞેશ પટેલનાં જામીન નામંજૂર કરવામાં આવ્યા, તેમનાં પર ધાકધમકી આપવાનો આરોપ

અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ પર બેફામ રીતે કાર ચલાવી 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલની ગ્રામ્ય કોર્ટમાં અરજી આવી હતી જેમાં તેણે જેલના બદલે બહારનું અથવા ટિફિન વ્યવસ્થાની માગ કરી હતી. જેલમાં સગા સબંધીઓને મળવા માટે વધુ સમયની પણ માગ કરી હતી તેમજ અભ્યાસ પૂરો કરવો હોવાથી બુક લાવવા દેવા કોર્ટમાં માગ કરાઇ હતી.. જેના પર કોર્ટે રાહત આપી છે. જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્યને બે સમય ઘરનું જમવાનું મળશે તેમજ અઠવાડિયામાં એક વખત સગાને મળવા અથવા ફોન કરી શકાશે.

વધુમાં અમદાવાદ આરટીઓએ તથ્ય પટેલનું લાઇસન્સ પણ રદ કર્યુ છે. છેલ્લા છ મહિનાની અંદર તથ્ય પટેલે ત્રણ અકસ્માત સર્જ્યા હતા. તથ્ય પટેલ નવ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોલીસે આરટીઓને અરજી આપી હતી. આ અરજી પ્રમાણે આરટીઓએ તથ્ય પટેલના લાઈસન્સને રદ કર્યું છે. અમદાવાદ ઇસ્કોન અકસ્માત કેસમાં 9 લોકોના ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. ચાર્જશીટમાં અકસ્માત બાદ કરાયેલા જુદા-જુદા રિપોર્ટ્સનો સમાવેશ થાય છે. મોટા ભાગના રિપોર્ટ FSL સંલગ્ન છે, જે પરથી સ્પષ્ટ થાય છે કે ટેક્નિકલ રિપોર્ટ બરાબર છે તેમજ અકસ્માત માનવક્ષતિને લઈને થયો છે.

ઈસ્કોન અકસ્માત કેસનાં આરોપી તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર

તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે 140 કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા.