સુરતમાં આદિવાસીઓની રેલીને કારણે 2 કિમી ટ્રાફિકજામ: બે કલાક વાહનચાલકો અટવાયા

adivasi rally

રિંગ રોડ બ્રિજ પર બે 108 ફસાતાં પોલીસે અધવચ્ચેથી જ પાછી વાળવી પડી
હોસ્પિટલ પહોંચવામાં મદદ કરી હતી માટે રસ્તો કાઢવો મુશ્કેલ બન્યું

આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે, યુનો દ્વારા 9 ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે જાહેર કરવામાં આવી છે. સુરતમાં આજે આદિવાસીઓ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી ત્યારે રિંગરોડ ઊતરતા આંબેડકરની પ્રતિમા ખાતેથી આ રેલીની શરૂઆત થઈ હતી. અંદાજે 1 કિમી લાંબી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા. રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી હતી. આ રેલીને કારણે રિંગ રોડ બ્રિજ પર 2 કિમીનો ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. જે 2 કિમીનું અંતર કાપતાં 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. જેમાં બે 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. જેને ટ્રાફિકના જવાનો દ્વારા પાછી વાળીને ડાયવર્ટ કરી ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. જો કે, રસ્તો કાઢવામાં પોલીસ માટે પડકારરૂપ બન્યું હતું. દિલ્હી ગેટ સાઈડથી રિંગરોડ ઊતરતા સુધી ટ્રાફિકજામ હતો. જેથી આ બે કિમી જેટલો રસ્તો કાપવામાં વાહનચાલકોને અંદાજે 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. જ્યારે આદિવાસીઓની રેલી ઉધના તરફ પહોંચતા રિંગરોડનો ટ્રાફિક હળવો થયો થતાં વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રિંગરોડ બ્રિજ પર પોલીસ ચોકી બનાવવામાં આવી છે. જો રિંગરોડ બ્રિજ પર ટ્રાફિક થાય તો ઝડપથી ટ્રાફિક ક્લિયર કરી શકાય. જો કે, રેલીના કારણે ટ્રાફિક જવાનોને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સહારા દરવાજાથી ચડતા રિંગરોડનો રસ્તો પણ બંધ કરી દીધો હતો. જેથી કોઈ ઇમર્જન્સી આવે તો રિંગરોડ પરથી યુ ટર્ન લઈ શકાય.
દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. સુરતમાં વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને 11 સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાય હતી.