આગામી લોકસભા ચૂંટણીમાં આપનાં ધારાસભ્ય ચૈતર વસાવા ભરુચથી લડશે

Mansukh vasava V/S Chaitar Vasava

ભાજપનાં કદાવર નેતા અને 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવાને આપશે ટક્કર

કેજરીવાલની લીલીઝંડી મળ્યા પછી ચૈતર વસાવાએ મીડિયા સામે આ જાહેરાત કરી છે

આગામી લોકસભા ચૂંટણી 2024ને લઇને રાજકીય પક્ષો દ્વારા ગ્રાઉન્ડ લેવલે તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લી બે ટર્મથી રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપ વિજયી થઇ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ભાજપના તમામ બેઠકો પર જીતની હેટ્રિકને રોકવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે તેવી જાહેરાત આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જાહેરાત થતાં આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનો મૂંઝાયા છે. એક બાજુ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં હોંશેહોંશે ગયા તો હવે બંને સાથે થઈ ગયા. પણ ગઠબંધનની જાહેરાત થતાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઘણા નેતાઓએ અત્યારથી લોકસભાની ટિકિટ મેળવવા દિલ્હી ફોન ડાયલ કરવાના શરૂ કરી દીધા છે. ગુજરાતમાં ટિકિટ મેળવવા ઈચ્છતા નેતાઓ દિલ્હી સુધી ‘છેડા’ એડાડે તે પહેલાં જ આમ આદમી પાર્ટીમાંથી દેડિયાપાડા સીટ જીતેલા ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ ગઠબંધનની જાહેરાતના બીજા જ દિવસે ઘોષણા કરી દીઘી છે કે પોતે ભરૂચ સીટ પરથી ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઊતરશે. કહેવાય છે કે, કેજરીવાલની લીલીઝંડી મળ્યા પછી ચૈતર વસાવાએ મીડિયા સામે આ જાહેરાત કરી છે. આગામી દિવસોમાં જો બંને વચ્ચે ગઠબંધનમાં ચૂંટણી લડાશે તો ટિકિટની ફાળવણી બાબતે જોવાનું રસપ્રદ રહેશે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક યુવા આદિવાસી નેતા તરીકે ઉભર્યા છે. ડેડિયાપાડા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ચૈતર વસાવા સતત આદિવાસી સમાજના પ્રશ્નોને સરકાર સમક્ષ ઉઠાવી રહ્યાં છે. વધુમાં ચૈતર વસાવાએ જણાવતા કહ્યું હતું કે, વિધાનસભાના પરિણામ મુજબ જોઈએ તો રાજ્યની બારડોલી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર અને જામ જોધપુર બેઠક પર અમે બીજા નંબરે રહ્યા છીએ. એટલે આગામી દિવસોમાં આ બેઠકો પર અમારું ફોકસ રહેશે અને I.N.D.I.A ટીમના ગઠબંધનમાં અમે આટલી સીટનો દાવો કરીશું.
વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની ઈચ્છા અનુસાર હું લડવા તૈયાર થયો છું. લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. જેથી હું ભરૂચ લોકસભાની ચૂંટણી લડીશ. જોકે ભરૂચ બેઠક પર ભાજપનાં સાંસદ આદિવાસી નેતા મનસુખ વસાવા સતત ચૂંટણી જીતતા આવ્યા છે. કોંગ્રેસને અનેક પ્રયાસો કર્યા પરંતુ આ બેઠક પર ભાજપને પરાસ્ત કરી શકી નથી. તેવામાં ચૈતર વસાવાએ આ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મનસુખ વસાવાની આ સાતમી ટર્મ છે. ચૈતર વસાવાનો મનસુખ વસાવાની સામે જીતનો દાવો કરવો અઘરો છે. કેમકે ભરૂચ સંસદ મત વિસ્તારમાં સાત વિધાનસભાઓમાં 6 વિધાનસભા ભાજપ પાસે છે. જ્યારે એકમાત્ર ડેડિયાપાડા વિધાનસભા આમ આદમી પાર્ટી પાસે છે.

નોંધનીય છે કે, ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર પ્રથમ વખત 1951માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. એ સમયે કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટ વિજેતા બન્યા હતા. આ બેઠક પરથી ભાજપ 1989થી જીતતું આવ્યું છે. જોકે જે પ્રકારે આદિવાસી સમાજમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા છે. તેને જોતા આ બેઠક પર આગામી લોકસભાની ચૂંટણીમાં તે મનસુખ વસાવાને ટક્કર આપી શકે છે. હવે મતદારોનો મિજાજ જ નક્કી કરશે કે ભરૂચ સીટ પર આપ અને કોંગ્રેસના ગઠબંધન બાદ ચૈતર વસાવા બાજી મારશે કે છેલ્લા 6 ટર્મથી એકધારા જીતતા આવતા ભાજપના સિનિયર અને લોકપ્રિય નેતા પોતાની સાતમી ટર્મ પણ તેમના નામે કરશે.