લેપટોપ વાપરવા બદલ મુસાફર પાસેથી 88 રૂપિયા ભાડું વસુલ્યું
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં રોજ સેંકડો મુસાફરો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. આજે ઉત્તર અરવલ્લી જિલ્લાના મોડાસામાં એસટી બસમાં કંડક્ટર દ્વારા લેપટોપ વાપરવા માટે ટિકિટ ભાડુ વસુલ કરવાની ઘટનાં સામે આવી છે. કંડક્ટરે બસમાં લેપટોપ પર કામ કરી રહેલા મુસાફરને લેપટોપની ટીકીટ આપીને તેમની પાસેથી 88 રૂપિયા ભાડુ વસૂલ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને એસટીના કંડક્ટર સામે કાર્યવાહી કરવાની ચર્ચાઓ શરુ થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસાથી અમદાવાદ જતી બસમાં બેંક કર્મચારી પાસેથી બસમાં લેપટોપ વાપરવા બદલ કંડક્ટરે બે લેપટોપની ટીકીટ આપી તેનું 88 રૂપિયા ભાડું લીધું હતું. જેની ટીકીટ આપી તેમાં પણ લગેજ ચાર્જનો કોઈ ઉલ્લેખ ન હતો. બસમાં લેપટોપ વાપરવા બદલ ભાડું લેવામાં આવતા બેંક કર્મચારી હચમચી ગયા હતા. જે બાદ તેઓએ સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર મામલો બહાર લાવવા પ્રયાસ કરાયો હતો. આ અંગેની જાણ ST વિભાગને થતાં એસટી વિભાગ દ્વારા બસના કંડક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે મોડાસા એસટી બસ સ્ટેન્ડના ડેપો મેનેજર એચ.આર. પટેલે મીડિયાને જણાવ્યું કે, અંતોલી-અમદાવાદ લોકલ બસમાં કંડક્ટર દ્વારા લેપટોપની જે ટિકિટ આપવામાં આવેલ છે. તે બાબતે આમ તો નિયમ અનુસાર લેપટોપની ટિકિટ આપવાની થતી હોતી નથી. પરંતુ ઈલેક્ટ્રિક વીજ ઉપકરણ કે જે સીટની જગ્યા રોકે છે તેની ટિકિટ આપવાની થતી હોય છે. સોશિયલ મીડિયા દ્વારા જે ફરિયાદ મળી છે તેનું રિફંડ કરવામાં આવશે. તેમજ ફરજ પર હાજર કંડક્ટર કે જેમણે લેપટોપની ટિકિટ આપી તેમનું નિવેદન લેવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે.