રસ્તા પર ભારે ટ્રાફિક જામ દેખાતા તેમજ ફરજ પર કોઈ ટીઆરબી જવાન હાજર ન રહેતા તેઓ રોષે ભરાયા હતા
સુરત: સોશિયલ મિડીયા પર આજે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સુરતનાં ધારાસભ્ય જાહેરમાં ટીઆરબી જવાનને ખખડાવતા જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણી આજે સવારે એકટિવા પર તેમની પત્ની સાથે મીની બજાર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં ટ્રાફિક જામ થઈ રહ્યો હતો અને ફરજ પરનાં એક પણ ટીઆરબી જવાન ટ્રાફિક નિયંત્રણ કરવામાં હાજર હતો નહીં. જેથી તેમણે આજુબાજુ નજર કરતા એક ટીઆરબી જવાન બાઈક પર બેસી મોબાઈલમાં વ્યસ્ત હતો. જેથી તેઓ ખૂબ જ ગુસ્સે થયા હતા અને ટીઆરબી જવાના પાસે આવ્યા અને જાહેરમાં જ ખખડાવી નાખ્યો હતો. ત્યાં હાજર લોકોએ પણ ટ્રાફિકના પગલેટી આરબી જવાનનું ધ્યાન દોર્યું હતું. કુમાર કાનાણીએટીઆરબી જવાન પાસે જઈ પૂછ્યું કે, અહીયા ઉભા કેમ નથી રહેતો? ત્યારે સામે ટીઆરબી જવાને તેમની સામે દલીલ કરતા ધારાસભ્યનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો અને કહ્યું કે, તને બેસવાનો પગાર આપીએ છીએ. ત્યાં ઉભા રહીને મોબાઈલમાં શું કરે છે. તને આનો પગાર આપીએ છીએ. જ્યારે સામે પક્ષે ટીઆરબી જવાને કહ્યું કે, કામ ન હતું એટલે બેઠો હતો. ત્યાર બાદ કાનાણી બોલ્યા કે કામ હોય કે ન હોય નોકરી કરો છો તો અહિયાં ઉભા રહીને ટ્રાફીકનું નિયમન કરો. હાલમાં આ ઘટનાને લઈ ધારાસભ્યના આ આક્રમક વલણનો વિડીયો લઈ સોશિયલ મીડિયા પર લોકોએ વાયરલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પોતાના નિવેદનને અને પોતાની સરકાર સામે પ્રશ્રોને લઈ આક્રમક રીતે રજૂઆત કરતા સુરતના બેબાક ધારાસભ્ય કુમાર કાનાણી સતત કોઈને કોઈ નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે. પ્રજાના પ્રશ્નોને લઈ પોતાની સરકાર સામે પડવામાં પણ તેઓ ખચકાતા નથી. તેઓ તેમના વિસ્તારમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈ અવાર-નવાર શહેર પોલીસ કમિશનર સુધી ફરિયાદ કરતા હોય છે. આજે તેઓ સવારે વિસ્તારમાંથી જઈ રહ્યા હતા. ત્યારે ટ્રાફિક વિભાગની નિષ્ક્રિતા જોતા સવાલો ઉઠાવ્યા હતા અને ટીઆરબી જવાન પર વરસી પડ્યા હતા.