સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં પડી શકે છે ભારે વરસાદ
ગુજરાતમાં બે-ત્રણ દિવસથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે કરેલી આગાહી અનુસાર આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ 5 અને 6 ઓગસ્ટના રોજ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ સાયક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું હતું. સામાન્ય વરસાદ થવાથી પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી છે. જોકે જુલાઈ મહિનામાં ઉત્તર ગુજરત અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોને બાદ કરતા બાકીના ભાગોમાં મધ્યમ વરસાદ વરસ્યો હતો. જોકે આગામી સપ્તાહ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં પણ વધુ વરસાદ પડી શકે છે.