સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં પધાર્યા મહિલા અને બાળકલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા

Bhanuben Babariya
  • દેશના પ્રથમ અને અનોખા ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની વિશેષ મુલાકાત લેતા મંત્રી ભાનુબેન બાબરીયા
  • એકતાનગરના પ્રવાસ દરમિયાન પોતાના બાળકને ન્યુટ્રિશન પાર્કમાં લાવવા વાલીઓને અનુરોધ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટ, એકતામોલ, સરદાર સરોવર ડેમ, નૌકા વિહાર સહિત ખલવાણી પ્રવાસન સ્થળની પણ મુલાકાત લીધી

રાજપીપલા : સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં આવેલા વિવિધ પ્રકલ્પોમાના બાળકો માટે તૈયાર કરવામાં આવેલા એક અનોખા ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્કની ખાસ મુલાકાત લીધી હતી.

બાળકોનું પોષણ એ માતા-પિતાની સાથે રાજ્ય-રાષ્ટ્રનો પણ વિષય છે. આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે માટે બાળકોની દરકાર લેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે તૈયાર થયેલા ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બાળકો માટે તૈયાર કરાયેલો દેશનો પ્રથમ અને અનોખો થીમ પાર્ક છે. જે ભારત સહિત સમગ્ર વિશ્વમાં બાળકો અને માતા પિતા માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યો છે, ત્યારે મંત્રી ભાનુબેન બાબરીયાએ મુલાકાત દરમિયાન ન્યુટ્રી ટ્રેન રાઇડમાં સફર કરીને પ્રત્યેક માર્ગે આવતા ફળશાક ગૃહમ, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણ પૂરમ અને સ્વસ્થ ભારતમ જેવા ન્યુટ્રીસિયશ સ્ટેશન્સની મુલાકાત લીધી હતી. દ્રશ્ય શ્રાવ્ય માઘ્યમથી પોષણના જુદા જુદા પાસાઓથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મ્ત થકી માહિતગાર કરવાની આ પદ્ધતિથી પણ મંત્રી પ્રભાવિત થયા હતા.

આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, બાળકોને પોષણ વિષયક માહિતી ઉપલબ્ધ કરાવવા માટે ચિલ્ડ્રન પાર્ક સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. અહીંની મુલાકાત બાદ માતા-પિતા પણ પોતાના બાળકના પોષણ અને આરોગ્યની કાળજી લઈને બાળકનો યોગ્ય ઉછેર કરી શકે છે. વડાપ્રધાનના સહી પોષણ, દેશ રોશનના મંત્રને આ પાર્ક સાચા અર્થમા ચરિતાર્થ કરી રહ્યું છે. વાલીઓ પણ પોતાના બાળકને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં લાવવા અનુરોધ કર્યો હતો.

ઉપરાંત, રોજબરોજના જીવનમાં શારીરિક પ્રવૃત્તિ અને યોગ અપનાવવા તેમજ ભારતના રમત-ગમત ક્ષેત્રે ગુરુ-શિષ્ય પંરપરા વિશે બાળકોને સમજ કેળવવા સહિત આભાસી ટેનિસ-ક્રિકેટ ગેમ્સ, ફન ફીલ્ડ ડાન્સ પ્લેટફોર્મ, આઈસ હોકી વગેરે જેવી ઘણી રમતોથી બાળકોના સર્વાંગી વિકાસમાં વધારો કરતી પ્રવૃતિઓથી પણ મંત્રી ખૂબ પ્રભાવિત થયા હતા.

ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં બાળકોને હોલોગ્રામ થકી કૃષિ, વાવેતર, માવજત તેમજ તાજા શાકભાજી અને ફળો અને મળતા આવશ્યક પોષકતત્વો, દૂઘ અને દૂઘની બનાવટોનું મહત્વ, સારા સ્વાસ્થ્ય માટે ઘરે રાંઘેલો આહાર આરોગવા પ્રેરિત કરવામાં આવે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ દરમિયાન મંત્રી ભાનુબેન બાબરીયાએ મેઝ ગાર્ડન, મિયાવાકી ફોરેસ્ટ, એકતામોલ, સરદાર સરોવર ડેમ, નૌકા વિહાર સહિત નર્મદા નદીના વહેતા નીર, ડુંગરાળ અને લીલોતરી વચ્ચે આવેલ ખલવાણી પ્રવાસન સ્થળની પણ મુલાકાત લઈને અતિપ્રસન્ન થયા હતા.