રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં પાણીની જાવક – 10,859 ક્યૂસેક, નર્મદા ડેમ 80 ટકા ભરાયો
ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા ગામોને સાવચેતીના પગલારૂપે સાવધ કરાયાં
ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 39,101 ક્યુસેક નોંધાઈ છે છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 46,729 ક્યૂસેક નોંધાઈ છે.રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં પાણીની જાવક 10,859 ક્યૂસેક થઈ રહી છે.જયારે કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક5,397 ક્યુસેક નોંધાઈ છે આમ છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 20 સે.મી.નો વધારોથયો છે જેને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે નર્મદા ડેમમાં ૬૭૪૧.૧૬ મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થતા હાલ નર્મદા ડેમ 80 ટકા ભરાયેલો છે.
હાલ પાણીની આવક – 39,101 ક્યુસેક, છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક – 46,729 ક્યૂસેક
નર્મદા જિલ્લા કલેકટર તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને અનુલક્ષીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને સાબદુ કર્યું છે. તેમજ જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદારો જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તકેદારી અને વોર્નિંગ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, વાંસલા, ગંભીરપુરા, સુરજવડ, સાંજરોલી અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના તિલકવાડા, રેંગણ, વાડિયા, વાસણ અને વિરપુર તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ, ગુવાર, રામપુરા, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા, ભદામ, રાજપીપલા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે વોર્નિંગ મેસેજથી સાવચેત કરવામાં આવ્યાં છે. તેમજ જરૂર જણાયે સ્થળાંતર પ્લાન અધ્યતન રાખવા પણ જણાવ્યું છે.