સુરતના બારડોલી તેમજ છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ, અનેક વિસ્તારો થયા જળમગ્ન

BardoliRain

મીંઢોળા તેમજ ઓરસંગ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સુરતના બારડોલીમાં સતત ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જેને કારણે બારડોલીના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે તો ભારે વરસાદને કારણે મીંઢોળા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ફાયર વિભાગ તેમજ પોલીસનો કાફલો હાલ લો લેવલ બ્રિજ ખાતે તૈનાત કરવામાં આવ્યો છે. બારડોલીના રામજી મંદિરની બાજુમાં આવેલ લો લેવલ કોઝવે પરથી પાણી પસાર થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તો સાથે સાથે, સામે પાર રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદના પગલે એક્વાડક્ટની સેફ્ટી વોલ પરથી પાણી પસાર થયું છે.

ધોધમાર વરસાદને પગલે મીંઢોળા નદીમાં પણ પૂરની સ્થિતિનુ નિર્માણ થયું છે. કોર્ટ સામેના ખાડા, તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદીના પાણી ઘૂસી ગયા હતા. લોકોના આખે આખા ઘર અને ઘર વખરી પાણીમાં ડૂબી ગયા હતા. 150થી વધુ ઘરોમાં મીંઢોળા નદીના પાણી ઘૂસી ગયા હતા. પશુધન, ઘાસચારો, સરસામાનને મોટું નુકશાન થયું છે. પૂરને કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. અચાનક ઊભી થયેલ પૂરની સ્થિતિને કારણે લોકોમાં સ્થાનિક તંત્ર પ્રત્યે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. હાલ વરસાતે નો વિરામ લીધો છે પરંતુ મીંઢોળા નદીની જળ સપાટી વધતા લોકો ખૂબ ચિંતિત બની રહ્યા છે.