વડોદરામાં ભાજપના કાર્યકરોને બેરહમીપૂર્વક લાકડીથી ફટકારતા એક કાર્યકરનું મોત, ત્રણ આરોપીઓની ધરપકડ

sachin thakkar

વાહન પાર્કિંગ બાબતે થયેલી એક જૂની અદાવતમાં ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર પર હુમલો

વાહન પાર્કિંગ બાબતે થયેલી એક જૂની અદાવતમાં ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર પર હુમલો

વડોદરા શહેરમાં વાહન પાર્કિંગ બાબતે થયેલી એક જૂની અદાવતમાં ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર પરઅસામાજિક તત્ત્વોએ 2 દિવસ પહેલાં હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન તેમનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. હત્યારાઓએ સચિન ઠક્કર અને પ્રિતેશ ઠક્કરને લાકડીઓથી બેરહેમીથી માર માર્યો હતો જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે શખસ લાકડીઓથી બેરહમીપૂર્વક બંને યુવકને માર મારતા દેખાય છે. ગોત્રી પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને વીડિયોની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.

રીમાબેન સચિનભાઈ ઠક્કરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 25 જુલાઈના રોજ ગત રાત્રે 11.45 વાગ્યા સુધી મારા પતિ સચિન ઘરે આવ્યા નહોતા, જેથી મેં તેમને ફોન કર્યો હતો, ત્યારે તેમનો ફોન પોલીસકર્મીએ ઉપાડ્યો હતો અને મને જણાવ્યું હતું કે તમે ગોત્રી જનરલ હોસ્પિટલમાં આવો. સચિન અને પ્રિતેશને કોઈએ માર માર્યો છે, જેથી તેમને માથાના ભાગે ઈજા થઈ છે અને હાલમાં ભાનમાં નથી, જેથી હું, મારા સસરા અને મારો દીકરો ગોત્રી જનરલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને સચિનના મામાના દીકરા પ્રિતેશનો પરિવાર પણ ત્યાં આવ્યો હતો. મારા પતિને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને લોહી નીકળતું હતું તેમજ પ્રિતેશને પણ માથામાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી નીકળતું હતું. મારા પતિ ભાનમાં નહોતા અને પ્રિતેશભાઈ અર્ધબેભાન અવસ્થામાં હતા. તેમને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હું અને સચિન રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ ચકલી સર્કલ પાસે મિર્ચ મસાલા રેસ્ટોરાંની ગલીમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં હાજર હતા, ત્યારે અગાઉ પાર્કિગ કરવાની બાબતે ઝઘડાની અદાવત રાખી કારમાં બે-ત્રણ અજાણ્યા શખસમાં આવેલા આવ્યા હતા. જે કારનો નબર GJ-06-PJ-3068 હતો. તેમજ આરોપીઓ પૈકી એક પાર્થ બાબુલ પરીખ હોવાનું મને વાતચીતમાં જાણવા મળ્યું હતું. તેમણે લાકડીથી મારા પતિ સચિન તથા પ્રિતેશને માથામાં ફટકા માર્યા હતા. બન્નેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે ચીકુવાડી સ્થિત ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. સારવાર દરમિયાન આજે સચિન ઠક્કરનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે.

ભાજપ કાર્યકર સચિન ઠક્કરનું મોત થતાં ગોત્રી પોલીસે તમામ સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી પાર્થ બાબુલ પરીખ(ઉ.40) (રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, હરિભક્તિ કોલોની રેસકોર્સ, વડોદરા) વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી(ઉં.33), (રહે. નાગરવાડા સૈયદપુરા વડોદરા) અને વિકાસ લોહાણા(ઉં.30) (રહે.વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયારનગર, વડોદરા) સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં જાણવા મળ્યુ છે કે સચિન ઠક્કર અને પ્રિતેશને અસામાજિક તત્ત્વો સાથે વહન પાર્કિંગ બાબતે ઝઘડો થતાં તેણે ગોત્રી પોલીસને અરજી આપી હતી. જોકે અરજી બાબતે પોલીસે કોઈ તપાસ ન કરતાં અસામાજિક તત્ત્વોએ સચિન ઠક્કર પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જો ગોત્રી પોલીસે અરજીની તપાસ કરી હોત તો કદાચ સચિન ઠક્કર જીવતો હોત. અરજી સંબંધે કાયદેસરની કોઈપણ જાતની કાર્યવાહી ન કરી હોવાથી બેદરકારીના કારણે નાયબ પોલીસ કમિશનર, ઝોન-2એ પ્રવીણભાઈ ધુળાભાઈને સસ્પેન્ડ કર્યા છે અને ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપી પાર્થ પરીખ વડોદરાના નામચીન બાબુલ પરીખનો પુત્ર છે. બાબુલ પરીખ સામે 1990ના દાયકામાં ગુનાઓ નોંધાયેલા હતા. પિતા બાદ પુત્ર સામે પણ ગુનો નોંધાયો છે. પાર્થ પરીખ માલેતુજારનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.