તા. ૧ થી ૧૪ ઓગસ્ટ સમગ્ર આણંદ જિલ્લામાં ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરાશે: જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવી

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ’મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાનના સુચારૂ આયોજન અર્થે બેઠક મળી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૯ મી ૩૦ ઓગસ્ટ દરમિયાન ’મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં માતૃભૂમિને વંદન કરવાની સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોને પણ વંદન કરાશે. આણંદ જિલ્લામાં આ અભિયાનના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતુ કે, ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આણંદ ખાતે કરવામાં આવશે. આ ઉજવણીની સાથે આ વર્ષે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ગામોમાં અમૃત સરોવર અથવા ગામના જળાશય કે પછી શાળા/કૉલેજ કે પંચાયતના પ્રાંગણમાં દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોના નામવાળી તકતી સ્થાપિત કરવામાં આવશે, તમામ શાળા, ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્રો તેમજ જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવશે, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ’મેરી માટી, મેરા દેશ’ અભિયાન દરેક ગામથી તાલુકા મથક સુધીની માટી યાત્રા યોજવામાં આવશે. ગામોની માટી ભેગી કરીને તાલુકા દિઠ એક કળશ ભરવામાં આવશે, જેને દિલ્હી પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ગામનાં બાળકો, યુવાનો અને નાગરિકો પાંચ પ્રણ માટે પણ પ્રતિજ્ઞાબદ્ધ થશે. હાથમાં માટી કે માટીનો દીવો લઈને તેઓ આ પ્રતિજ્ઞા લઈ એની સેલ્ફીને ખાસ વેબપેજ પર અપલોડ કરશે.

કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને આગામી તા. ૧ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન સમગ્ર જિલ્લામાં ખાસ સફાઈ ઝુંબેશ ચલાવવા આહવાન કરીને જિલ્લાની તમામ શાળાઓના બાળકોની આરોગ્ય તપાસ કરવા સુચવ્યું હતું.

કલેકટરશ્રીએ સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા અને ઉજવણીના ૩ દિવસ પહેલા જિલ્લાની તમામ તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, સેવા સદન, મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, ગ્રામ પંચાયતોને રોશનીથી સજાવીને આનંદિત વાતાવરણ ઉભુ કરવા જણાવી સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે તા. ૧૪ મી ના રોજ જિલ્લા કક્ષાએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને “ say no to drugs “ કાર્યક્રમ યોજાશે તેમ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી પ્રવિણ કુમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રજાપતિ, નાયબ કલેક્ટરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.