અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને 21 જુલાઈએ અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે કોર્ટ રૂમમાં પોલીસે આરોપીને હાજર કર્યો હતો. પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતાં તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. હવે તથ્ય તેના પિતા સાથે સાબરમતી જેલમાં સાથે રહેશે.
ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જ્યો ત્યારે જેગુઆર કાર 142.5 કિમી પ્રતિ કલાકની ઝડપે તથ્ય ચલાવતો હતો. આ વાતનો ઘટસ્ફોટ ગાંધીનગર FSL રિપોર્ટમાં થયો છે. આરોપીના ચારેય મિત્રોને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એ.પરમારની ચેમ્બરમાં લઈ જવાયા છે. ત્યાં તેમના સાક્ષી તરીકે નિવેદન લેવાશે. સૌ પહેલાં શ્રેયાને ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં લઈ જવાઇ હતી. બીજા નંબરે શાન, ત્યાર બાદ ત્રીજા નંબરે ધ્વનિને અને છેલ્લે માલવિકાને નિવેદન લેવા બોલાવાઈ હતી. ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નિવેદન લેવાનું ચાલી રહ્યું છે. અકસ્માત સમયે તથ્યની કારમાં સવાર તેના મિત્રોના સાક્ષી તરીકે નિવેદન લેવાઈ રહ્યાં છે, જેનું વીડિયો રેકોર્ડિંગ કરાઈ રહ્યું છે.