વક્ફ સુધારા બિલ પર JPC રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો, વિપક્ષનો હોબાળો, લોકસભા 10 માર્ચ સુધી સ્થગિત

jpcReport-Sansad

વકફ સુધારા બિલ પર JPC રિપોર્ટ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમાં રિપોર્ટ રજૂ થતાં જ વિપક્ષે રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો. કેટલાક વિપક્ષી સભ્યો પણ વેલમાં આવી ગયા હતા. રાજ્યસભામાં ભાજપના સાંસદ મેધા કુલકર્ણી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે લોકસભામાં JPC અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે રજૂ કર્યો હતો. બંને ગૃહોમાં વિપક્ષે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.

વિપક્ષનાં સૂચનો દૂર કરવામાં આવ્યા છેઃ ખડગે

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ‘આ JPC રિપોર્ટ ખોટો છે.’ વક્ફ બોર્ડ પરના JPC રિપોર્ટમાં ઘણા સભ્યોના અસંમતિપૂર્ણ મંતવ્યો છે. JPC રિપોર્ટમાં વિપક્ષી સભ્યો દ્વારા જે સૂચવવામાં આવ્યું હતું તેને દૂર કરવામાં આવ્યુ છે. તેમની અસહમતિઓ કાઢી નાખવામાં આવી છે. અમે વકફ પરના ખોટા રિપોર્ટને સ્વીકારીશું નહીં.

વિપક્ષ સંસદીય પ્રક્રિયા મુજબ જે ઇચ્છે તે ઉમેરી શકે છેઃ અમિત શાહ

આ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘કેટલાક વિપક્ષી સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો કે તેમનો અભિપ્રાય તેમાં સામેલ નથી.’ હું કહેવા માંગુ છું કે વિપક્ષી સભ્યો સંસદીય પ્રક્રિયા મુજબ જે ઇચ્છે તે ઉમેરી શકે છે. તેમના પક્ષને આ સામે કોઈ વાંધો નથી.

આ બિલ સામે સમગ્ર વિપક્ષ એકજૂટ છેઃ ડિમ્પલ યાદવ

સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે સમગ્ર વિપક્ષ આ બિલની વિરુદ્ધ છે. સરકાર મનસ્વી રીતે આ બિલ લાવી રહી છે. ધ્યાન ભટકાવવા માટે તેઓ સત્રના છેલ્લા દિવસે રિપોર્ટ લાવ્યા છે. આ બિલ સામે સમગ્ર વિપક્ષ એકજૂટ છે.

આ બિલ વક્ફને બચાવવા માટે નથીઃ ઓવૈસી

વક્ફ સુધારા બિલ પર AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- આ બિલ ગેરબંધારણીય છે અને બંધારણની કલમ 14, 15 અને 29નું ઉલ્લંઘન કરે છે. આ બિલ વક્ફને બચાવવા માટે નથી પરંતુ તેનો નાશ કરવા અને મુસ્લિમો પાસેથી મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાન છીનવી લેવા માટે છે. જોકે, લોકસભા સ્પીકરે ખાતરી આપી છે કે વિપક્ષી સાંસદોના 70% વાંધાઓ રિપોર્ટમાં સામેલ કરવામાં આવશે.

સરકારે વિપક્ષના સૂચનો કચરાપેટીમાં ફેંકી દીધાઃ સંજય સિંહ

જેપીસી સભ્ય અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે વક્ફ બોર્ડ પર જેપીસીમાં સમાવિષ્ટ વિપક્ષના મંતવ્યો દૂર કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો કે સરકારે વિપક્ષના સૂચનો કચરાપેટીમાં ફેંકી દીધા છે.

વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યું છેઃ જેપી નડ્ડા

વિપક્ષના આરોપોનો જવાબ આપતા, કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે જેપીસીમાં વિપક્ષના સૂચનોને કાઢી નાખવામાં આવ્યા નથી. વિપક્ષનો ઉદ્દેશ્ય ગૃહમાં ચર્ચા કરવાનો નહોતો પરંતુ પોતાની વોટ બેંક માટે સંખ્યા વધારવાનો હતો. નડ્ડાએ આરોપ લગાવ્યો કે વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યું છે.

કિરેન રિજિજુએ વિપક્ષના દાવાને નકારી કાઢ્યો

આ દરમિયાન, રાજ્યસભામાં, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે મેં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓની તપાસ કરી છે. રિપોર્ટમાંથી કંઈપણ દૂર કરવામાં આવ્યું નથી. આવો મુદ્દો કયા આધારે ઉઠાવી શકાય? વિપક્ષના સભ્યો બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરી રહ્યા છે જેમાં કોઈ તથ્ય નથી. આરોપો ખોટા છે. સમગ્ર કાર્યવાહી JPC દ્વારા નિયમો અનુસાર હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 6 મહિનામાં JPCના તમામ વિપક્ષી સભ્યોએ બધી કાર્યવાહીમાં ભાગ લીધો હતો. બધા અસંમતિ નોંધો અહેવાલના પરિશિષ્ટમાં જોડાયેલા છે. વિપક્ષ ગૃહને ગેરમાર્ગે દોરી શકે નહીં. કિરેન રિજિજુએ કહ્યું કે વક્ફ બિલ પર JPC રિપોર્ટમાંથી કોઈ અસંમતિ નોંધ દૂર કરવામાં આવી નથી.