આંદોલનના 10 વર્ષ સુધી કેસ પાછા ખેંચાયા ન હતાં. જોકે, હવે 10 વર્ષ બાદ આ કેસ પરત ખેંચવામાં આવ્યા
ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, મનોજ પનારા, રેશ્મા પટેલ તેમજ અનેક પાટીદારો સામે તોડફોડ, શાંતિ ડહોળવાનો પ્રયાસ, રાજદ્રોહ સહિત વિવિધ ધારાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતાં. ત્યાર બાદ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. આંદોલનના 10 વર્ષ સુધી કેસ પાછા ખેંચાયા ન હતાં. જોકે, હવે 10 વર્ષ બાદ આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જેની પુષ્ટિ ગુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.
હર્ષ સંઘવીએ કરી પુષ્ટી
રાજ્ય સરકાર વતી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર આંદોલન દરમિયાન જે યુવાનો પર રાજદ્રોહ સહિતના ગંભીર કેસ ચાલુ હતાં તે અને જે કેસની તપાસ અને ચાર્જશીટ પૂરી થઈ ગઈ હોય, તેવા 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે’. આજે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરી કેસ પરત લેવાની જાહેરાત કરવામાં આવી છે.
ઋષિકેશ પટેલે જણાવ્યુ કે
આ કેસ અંગે વાત કરતા રાજ્યસરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે વખતોવખત કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. હવે લગભગ 4 જેટલાં જ કેસ બાકી છે. દરેક કેસ ન્યાયિક પ્રક્રિયા હેઠળ પાછા ખેંચવામાં આવ્યા છે. જેમાં કેટલી કલમો લાગી છે? કેટલાં કેસ પરત ખેંચાઈ શકે તેવા છે તેની સમીક્ષા કર્યાં બાદ નિર્ણય લેવાયો છે. આ પ્રક્રિયામાં સમય લાગ્યો છે. પરંતુ, યોગ્ય રીતે અને ન્યાયિક રીતે પરત ખેંચવા જેવા કેસને પરત ખેંચવામાં આવ્યા છે. જ્યારે સમગ્રતયા સમીક્ષા કરવામાં આવી તો એ પણ જાણ થઈ કે જે લોકો અમુક ઘટનાઓમાં સામેલ ન હતા તેવા લોકોના નામ પણ આવી ગયા છે. તેથી નિર્દોષને સજા ન થાય તેનુ ધ્યાન રાખી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 360 હેઠળ કેસ પરત ખેંચવામાં આવ્યા છે.
કેસ પાછા ખેંચવાના નિર્ણય સામે રાજકીય આક્ષેપબાજી શરૂ
રાજ્ય સરકારના આ નિર્ણય સામે રાજકીય આક્ષેપબાજી પણ શરૂ થઈ ગઈ છે. એક તરફ પાટીદારો પરના કેસ પરત ખેંચાતા પાટીદાર અગ્રણીઓએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓએ આ પગલાંને આવકાર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યુ કે ભાજપમાં જોડાઈ ગયા એટલે રાજદ્રોહની કલમ મીટાવી દેવાની? કગથરાએ જણાવ્યુ કે કોંગ્રેસે 70 વર્ષમાં કોઈ પર એકપણ રાજદ્રોહનો કેસ કર્યો નથી. રાજદ્રોહના કેસ લાગ્યો ત્યારે જ અમારો વિરોધ હતો. હું આ નિર્ણયનો વિરોધ કરુ છુ. ધોરાજીથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી કે સરકારે ખૂબ મોડો નિર્ણય કર્યો. સરકારે આંદોલનને તોડવા માટે ખોટા કેસ કર્યા. રાજદ્રોહ, દેશદ્રોહ સહિતના ખોટા કેસ આંદોલનકારીઓ સામે કરવામાં આવ્યા.
હાર્દિક પટેલે માન્યો આભાર
પાટીદાર આંદોલનના કેસોમાં રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહ સહિતના ગંભીર કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળતા હાર્દિક પટેલે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને મુખ્યમંત્રી અને ભાજપ સરકારનો આભાર માન્યો છે.
હાર્દિક પટેલે સોશિયલ મીડિયા X પર લખ્યું કે, ‘ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાઓ પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસ આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. હું સમાજની તરફથી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરૂ છું’.
દિનેશ બાંભણિયાએ માન્યો આભાર
દિનેશ બાંભણિયાએ જણાવ્યુ કે આજે પાટીદાર આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે. જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું. આ કેસો પૈકી અલ્પેશ કથીરિયા, હાર્દિક પટેલ, ચીરાગ પટેલ, ચીરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે. ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે બાબતે હું એમનો આભાર માનું છું.
ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીમાં અલગ અલગ વખતે છથી સાત બેઠકો ખુદ ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર આગેવાનોએ થઈ ચૂકી હતી. પાટીદાર સમાજના આગેવાનો હોય કે પછી જે રાજકારણના આગેવાનો હોય તેમની પણ બેઠક થઈ હતી અને કેસો પાછા લઈ લેવા જોઈએ.તેવી લાગણી આ બેઠકોમાં વ્યક્ત કરવામાં આવી હતી.